Democracy does not fit in the mouth of today's Congress
  • Home
  • Featured
  • આજની કોંગ્રેસના મોંએ લોકશાહીની વાત શોભતી નથી

આજની કોંગ્રેસના મોંએ લોકશાહીની વાત શોભતી નથી

 | 6:30 am IST

સ્નેપ શોટ : મયૂર પાઠક

રાજસ્થાનના પોલિટિકલ ઘટનાચક્રમાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર લોકશાહીની હત્યાનો આરોપ સતત લગાવાઇ રહ્યો છે. મધ્યપ્રદેશમાં  કોંગ્રેસની સરકાર ઉથલાવી નખાઇ. ત્યારબાદ હવે રાજસ્થાનની કોંગ્રેસની સરકાર પર સંકટ છે ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીથી માંડીને કોંગ્રેસના પ્રવક્તાઓ અને નેતાઓ ભાજપની સામે જનતાના આદેશની સાથે અને લોકશાહી સાથે ખિલવાડના આક્ષેપો કરી રહ્યાં છે. સવાલ એ છે કે કોંગ્રેસે પોતાની પાર્ટીમાં લોકશાહીના મૂલ્યનું જતન કર્યું છે ખરું ? ભાજપ પર જ્યારે કોંગ્રેસ લોકશાહીની હત્યાનો આરોપ લગાવી રહી છે ત્યારે કોંગ્રેસે પણ પોતાનો ચહેરો અરીસામાં જોવો રહ્યો. કોંગ્રેસ પક્ષને વર્ષોથી જોતા આવનાર રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે, કોંગ્રેસ પાર્ટી એક પરિવારના દોરીસંચારથી જ ચાલી રહી છે અને તેમાં લોકશાહીનું કોઇ સ્થાન નથી. દેશની સૌથી જૂની અને ભવ્ય ઇતિહાસ ધરાવતી કોંગ્રેસ પાર્ટી ધીરે ધીરે વ્યક્તિવાદના પંજામાં ફસાઇ ગઇ તેનો એક લાંબો ઇતિહાસ છે અને આજે પણ આ વ્યક્તિવાદના પંજાએ પાર્ટી પર ભરડો જમાવી રાખ્યો છે અને તેના ખરાબ ફળ કોંગ્રેસ પાર્ટી અત્યારે ભોગવી રહી છે.

કોંગ્રેસમાં અત્યારે એવી સરમુખત્યારશાહી શાસન ચાલી રહ્યું છે કે પાર્ટીની અંદર આજે એવું કોઇ પ્લેટફોર્મ નથી કે પાર્ટીમાં શું સારું ચાલી રહ્યું છે અને શું ખરાબ ચાલી રહ્યું છે તે માટે ચર્ચા કરી શકાય. હવે તમે વિચારો, જે પાર્ટીમાં સારું શું છે અને ખરાબ શું છે તે અંગે કોઇ વાતચીત ના થતી હોય, પાર્ટીમાં કોઇ વ્યક્તિ જોડાય કે કોઇ વ્યક્તિ રાજીનામું આપી દે તો તે અંગે કોઇ સંવાદ જ ના થાય તો તે પાર્ટી લોકશાહી રીતે ચાલી રહી છે તેવું કેવી રીતે કહી શકાય ?

કોંગ્રેસ પાર્ટીની હાલત એવી છે કે પાર્ટીમાં જે ચાલી રહ્યું છે તે અંગે કોઇ ખુલ્લા મંચ પર કે મીડિયામાં ચર્ચા કરે તો તેની સામે પગલાં લેવાય છે. ઉદાહરણ તરીકે પાર્ટીના પ્રવક્તા રહેલા સંજય ઝાએ તાજેતરમાં એક અખબારમાં લેખ લખ્યો હતો. તેમાં લખ્યું હતું કે, છેલ્લી લોકસભાની ચૂંટણીઓમાં ખરાબ રીતે હાર મળ્યા પછી પણ કોંગ્રેસમાં એવું કશું દેખાતું નથી કે જેનાથી લાગે કે પાર્ટી ફરી બેઠી થવાનો પ્રયત્ન કરી રહી છે. સંજય ઝાએ લખ્યું હતું કે, કોઇ કંપનીનું ત્રિમાસિક પ્રદર્શન ખરાબ હોય તો તેના પર કંપનીમાં ખૂબ જ ચર્ચા થાય છે અને જવાબદાર લોકોને કંપનીની નોકરીમાંથી હાથ ધોવા પડે છે. પછી ભલે તે કંપનીના સીઇઓ કેમ ના હોય, કે ડાયરેક્ટર કેમ ના હોય. કોંગ્રેસ પાર્ટીમાં આવી કોઇ વ્યવસ્થા જ નથી. જ્યાં પાર્ટીના પ્રદર્શન અંગે કોઇ ચર્ચા થાય અને કોઇને જવાબદાર ઠેરવી શકાય.

કોંગ્રેસ પ્રવક્તા સંજય ઝાનો આ લેખ અખબારમાં પ્રસિદ્ધ થતાં જ સંજય ઝાને પ્રવક્તા પદેથી પાર્ટી હાઇકમાન્ડે કાઢી મૂક્યાં હતાં. પ્રવક્તા પદેથી કાઢી મૂકાયેલા સંજય ઝાએ રાજસ્થાનના તાજેતરના ઘટનાક્રમ પર સોશિયલ મીડિયા પર ટ્વિટ કર્યું હતું. એમાં સંજય ઝાએ કહ્યું હતું કે, રાજસ્થાનના કોંગ્રેસ પ્રમુખ તરીકે સચિન પાઇલોટે ૨૦૧૮માં ભાજપને જબરજસ્ત ટક્કર આપીને રાજસ્થાનમાં ફરી પાછી કોંગ્રેસની સરકાર બનાવીને શાનદાર કમબેક કર્યું હતું.  આ સંજોગોમાં કોંગ્રેસ હાઇકમાન્ડે સચિન પાઇલોટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવા જોઇતા હતા. જો આમ થયું હોત તો આત્યારે રાજસ્થાનમાં જે તકલીફો સર્જાઇ છે તે જોવાનો કોંગ્રેસને વારો ના આવત.

સંજય ઝાના આ ટ્વિટ પછી પાર્ટીએ સંજય ઝાને કોંગ્રેસમાંથી કાઢી મૂક્યાં અને તેમની ઉપર પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવાનો અને શિસ્ત તોડવાનો આરોપ લગાવી દેવામાં આવ્યો.

હકીકત એ છે કે સંજય ઝાએ જે બે વાત કોંગ્રેસ પાર્ટી માટે કરી તે બે વાતમાંથી એકપણ વાત સહેજપણ ખોટી ન હતી. કોંગ્રેસ પાર્ટી એટલે સોનિયા-રાહુલ-પ્રિયંકા ગાંધી છે એવું કલ્ચર કોંગ્રેસીઓએ સ્વીકારી લીધું છે. કોંગ્રેસના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે પાર્ટીનાં ટોચના પદો પર ગાંધી પરિવારના એક સાથે ત્રણ ત્રણ સભ્યો હોય અને તેમ છતાં કોંગ્રેસ પાર્ટી તેની સ્થાપનાના સમયગાળા બાદ સૌથી ખરાબ દશામાં હોય.

આવુ કેમ બને છે તેની ચર્ચા સુદ્ધાંનો અવકાશ પણ કોંગ્રેસ પાર્ટીમાં નથી તે કોંગ્રેસીઓની કમનસીબી છે. બીજી વાત એ છે કે કોંગ્રેસના આ નિર્ણયને કારણે જ આજે કોંગ્રેસ પાર્ટી તૂટી રહી છે તેનું સીધું ઉદાહરણ રાજસ્થાન અને મધ્યપ્રદેશ છે. કોંગ્રેસના પ્રવક્તા રહેલી વ્યક્તિએ જ્યારે રાજસ્થાનના કોંગ્રેસ પ્રમુખ સચિન પાઇલોટની મહેનતને કારણે રાજસ્થાનમાં કોંગ્રેસનું કમબેક થયું છે તેવું કહ્યું હોય તો તેમાં કોઇ ખોટી વાત નથી. અશોક ગેહલોતના શાસનમાં કોંગ્રેસ રાજસ્થાન ગુમાવ્યું હતું અને સચિન પાઇલોટના પ્રમુખ પદે કોંગ્રેસે રાજસ્થાન પાછું મેળવ્યું તો જીતનો શેહરો સચિન પાઇલોટના શિર પર મૂકાવો જોઇએ એ સામાન્ય વાત હતી. પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડ હંમેશા શક્તિશાળી નેતાઓની અવગણના અને જીહજૂરિયાઓને આગળ કરવાની થિયરી પર ચાલતી હોય છે. ઇન્દિરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં આ પરંપરા શરૂ થઇ હતી. પ્રાદેશિક નેતાગીરીને પાવરફુલ નહીં બનાવવાનો મંત્ર ઇન્દિરા ગાંધીએ રાજીવ ગાંધીના કાનમાં ફૂંક્યો હતો અને આ જ મંત્ર રાજીવ ગાંધીની જીહજૂરી કરનાર કોંગ્રેસી નેતાઓની ટોળીએ સોનિયા ગાંધીના કાનમાં ફૂંક્યો છે. પરિણામ કોંગ્રેસમાં એ આવ્યું કેરાજીવ ગાંધીના સમયમાં શરદ પવાર, નારાયણદત્ત તિવારી, અર્જુનસિંહ જેવા મજબૂત નેતાઓ હાંસિયામાં ધકેલાયા અને જનાધાર નહીં ધરાવતાં નેતાઓ જેવા કે બુટાસિંહ, ગુલામનબી આઝાદ અને જીતેન્દ્રપ્રસાદ જેવા નેતાઓ રાજીવ ગાંધીના ખાસ ગણાવા લાગ્યા. સોનિયા ગાંધીના પ્રમુખપદ દરમિયાન પણ આવું જ જોવા મળ્યું. જેના પરિણામે જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાઇલોટ જેવા તાકાતવર નેતાઓ આજે કોંગ્રેસથી દૂર જતા રહ્યાં છે કે જવાના મુડમાં છે.

મધ્યપ્રદેશમાં જે થયું તેનાથી પણ કોંગ્રેસની આંખ ખુલી નહીં. મધ્યપ્રદેશમાં પણ જ્યોતિરાદિત્ય સિંધિયાની અવગણના થઇ જેના કારણે મધ્યપ્રદેશમાં ભાજપને સત્તા ખોવાનો વારો આવ્યો.  કોંગ્રેસના મજબૂત નેતા જયોરાદિત્ય સિંધિયાના બાજુ પર બેસાડીને સોનિયા ગાંધીએ પોતાના જીહજુરિયા કમલનાથને મધ્યપ્રદેશની ગાદી સોંપી. પરિણામ એ આવ્યું કે કોંગ્રેસે મધ્યપ્રદેશમાં સત્તા ગુમાવી, સાથે સાથે જ્યોતિરાદિત્ય જેવા એક મજબૂત નેતા પણ ગુમાવ્યા.

કોંગ્રેસ જો લોકશાહીની વાત કરતી હોય તો કોંગ્રેસે પોતાની જાતને પૂછવું જોઇએ કે ઇન્દિરા ગાંધીએ કઇ લોકશાહીના આધારે કોંગ્રેસની કમાન સંભાળી હતી. આ જ રીતે રાજીવ-સોનિયા અને રાહુલ ગાંધી કઇ લોકશાહીના આધારે કોંગ્રેસ પ્રમુખ બની ગયા ?

આ મુદ્દો ભાજપે પણ વિચારવા જેવો છે.  પાર્ટીમાંથી જો લોકશાહીનું ધોવાણ થતું રહેશે તો પાર્ટી કમજોર પડશે તે નક્કી વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન