ડમરું - ૨ - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS

ડમરું – ૨

 | 7:37 am IST

શમણાંની મોસમઃ દેવેન્દ્ર પટેલ

“જવાબદાર! જવાબદારી કોના માથે ઢોળવી તે બહુ વિચિત્ર સમસ્યા છે. આમ તો સૂર્યના વરદાનને કારણે ‘કર્ણ’ પેદા થયો…પણ એ વરદાનનો ઉપયોગ લગ્ન પહેલાં ‘કુન્તા’એ કરવાની જરૂર નહોતી…” શીલુના સાસુ બોલી રહ્યાં.

“પણ ધારો કે પાંડુના અવસાન બાદ ‘કર્ણ’ પેદા થયો હોત તો?” અચાનક શીલુથી પુછાઈ ગયું.

“હેં….! તું પાપી છે…એ તો અધમ ભ્રષ્ટાચાર છે.” વિધવા સગર્ભા કેવી રીતે બની શકે…?” શીલુના સાસુ કોળિયો થાળીમાં ફેંકતાં બોલી રહ્યાં.

“બા….બા….! તમે શું બોલો છો?…હું તો કુન્તાની વાત કરું છું….તે કુંવારી માતા બની તેવી જ રીતે જો એ વરદાનનો અખતરો…”

“ચૂપ રહે….મારે કંઈ સાંભળવું નથી.” કહેતાં તે ઊભા થઈ ગયાં.

શીલુ પણ જમવાનું છોડી સાસુના આ વર્તનથી ડઘાઈને ઉપર ગઈ…નર્સ શીલુને અનુસરી રહી.

તે વેળા રાત પડી ચૂકી હતી…કશી પણ ઔપચારિક વાતચીત વિના શીલુ સૂઈ ગઈ…નર્સ પણ તેની બાજુના કમરામાં જઈ આડી પડી.

રાત્રિના દશના ટકોરા પડયા…ડોકટરનો ફોન આવ્યો. નર્સે બધી હકીક્તથી તેમને વાકેફ કર્યા.

રાતના અગિયાર વાગ્યા. શહેર શાંત થતું જતું હતું. શીલુના રૂમમાં હજુ ટેબલ લેમ્પ પ્રકાશતો હતો.

દૂર દૂરની વસ્તીમાંથી ડમરુનો અવાજ આવી રહ્યો હતો….જાણે કે રાતના અંધારાને તાલ દેતો એ સ્વર વાતાવરણમાં પ્રભુત્વ જમાવી રહ્યો હતો.

…..અચાનક શીલુના ઓરડાની રોશની ઝળહળી ઊઠી. આગળની ગેલેરીમાં પડતા ઉજાસને જોતાં નર્સ બેઠી થઈ ગઈ અને બહાર નીકળી લપાઈને શીલુના કમરામાં ઝાંખી રહી.

શીલુ સુંદરમાં સુંદર રંગીન વસ્ત્રો ધારણ કરી રહી હતી. વૈધવ્યની સફેદ સાડીને કાંચળીની જેમ ઉતારી એક ખૂણામાં ફેંકી દીધી હતી. થોડીક વારમાં તો એક નવવધૂની જેમ ઘરેણાંથી શરીરને સજાવી દીધું. માથામાં સિંદૂર પૂર્યું અને અરીસામાં પોતાના પ્રતિબિંબને જોઈ રહી.

બહાર ડમરુંનો અવાજ વાતાવરણમાં સંપૂર્ણ પ્રભુત્વ જમાવી ગયો હતો. શીલુના પગ પણ થનગનતા હતા હાથમાં એક ડાયરીને લઈને તે રૂમની બહાર નીકળી….સડસડાટ પગથિયાં ઊતરી ગઈ….બંગલાનો મુખ્ય દરવાજો ખોલતાં તે બહારના અંધારામાં આગળ વધી…નર્સ પણ તેને ચૂપચાપ અનુસરી રહી.

મુખ્ય રાજમાર્ગને છોડીને મ્યુનિસિપાલિટીના નાના દીવાઓના સહારે એક એપ્રોચ માર્ગ તરફ શીલુ સરકી રહી હતી…તેની આંખો માત્ર સીધી નજર ફેંકતી હતી…ડમરુનો સ્વર વધુ ને વધુ મોટો થઈ રહ્યો હતો. નર્સનું હૃદય પણ ફફડાટ અનુભવી રહ્યું….દૂરનાં ઝૂંપડામાં ટમટમિયાં ઝબૂકતાં હતાં….”શીલુબહેન” નર્સથી બૂમ પડાઈ ગઈ.

પણ શીલુએ સાંભળ્યું જ ના હોય તેમ આગળને આગળ વધી રહી…થોડીવારમાં તો નર્સ પાછળ પડી ગઈ અને શીલુ કયાંય આગળ નીકળી ગઈ…નદીના કિનારે આવી તે અટકી ગઈ…. ડમરંુનો અવાજ સામે કિનારેથી આવતો હતો. પણ ત્યાં જવાની નર્સમાં હિંમત હતી નહીં.

….થોડીવાર બાદ ડમરંુનો અવાજ એકાએક બંધ થઈ ગયો…અડધો કલાક વીતી ગયો…અને ભીંજાયેલાં વસ્ત્રે એક હાથમાં ડાયરી પકડી આ કિનારે શીલુને આવતી જોઈ નર્સમાં ફરી હિંમત આવી.

“શીલુબહેન શીલુબહેન” નર્સે શીલુની સામે જતાં બૂમ પાડી.

પુનઃ ડમરંુનો અવાજ શરૂ થયો….અને શીલુ જાણે કે ત્યાં જ ફસડાઈ પડી….બેભાન બની નર્સના પગ પાસે ગબડી પડી.

– મોડી રાત્રે લગભગ દોઢ વાગે એ બંગલાના દીવાનખંડમાં રોશની ઝળહળતી હતી…એક સોફા પર બેભાન હાલતમાં શીલુ સૂતી હતી….બાજુમાં ડોકટર, નર્સ અને શીલુનાં સાસુ બેઠા હતાં.

ડોકટર ડાયરીનાં પાનાં ઝીણવટથી જોઈ રહ્યા હતા…ચશ્માં ઉતારતાં તે બોલ્યાઃ “પુષ્પાબેન!! તમારી શીલુ સાવ નિર્દોષ છે…પવિત્ર છે…પણ જે રાત્રે સંજીવના અવસાનના સમાચાર શીલુને મળ્યા તે રાત્રે પણ આવું જ ડમરું વાગી રહ્યું હતું…આ ડાયરીમાં શીલુએ તેનો ઉલ્લેખ કર્યો છે. તે લખે છે કે, “કોણ જાણે કેમ પણ એ ડમરું સાંભળતાં જ મને બીક લાગતી હતી…જાણે કે કંઈક અશુભ ચિન્હ વર્તાઈ રહ્યું છે…મારી ચારે બાજુ યમદૂતો ઊભા છે….અટ્ટહાસ્ય કરી રહ્યા છે….પણ મને અડવાને બદલે સંજીવને તેમણે ટૂંપી લીધો…અને સાચે જ તે રાત્રે સંજીવનું એક શરાબખાનામાં ખૂન થઈ ગયું. હોવાનો મને ટેલિફોન મળ્યો….એ ડમરું કદી ન વાગે તો કેટલું સારું! સંજીવ…સંજીવ….!!”

પુષ્પાબેન સાવ સજ્જડ થઈ ડાયરીની વિગતો સાંભળી રહ્યાં.

“ત્યાર પછી આ ડાયરીમાં માત્ર ડમરું…ડમરું…એટલો જ ઉલ્લેખ છે.”

“એટલે શું?”

“જુઓ પુષ્પાબેન…શીલુનો કેસ હવે મનોવૈજ્ઞાાનિક કેસ બની ગયો છે….રાત્રે ડમરુંનો સ્વર સાંભળતાં જ તે પોતાનું અસલ અસ્તિત્વ ગુમાવી બેસે છે… જાણે અજાણે તે ડમરુંના સ્વર તરફ દોરાય છે…જાણે કે ડમરંુનો સ્વર જ સંજીવને લઈ ગયો છે….એટલે તે પણ સંજીવને મળવાની ચાહમાં એ અવાજ પ્રતિ દોરાઈ રહે છે…..તે એમ જ સમજતી હોય છે કે સંજીવ જીવતો છે….તેથી તો તેણે આવાં સુંદર વસ્ત્રો પહેર્યાં છે. માથામાં સિંદૂર લગાડયું છે…અને તેની આ કમનસીબ પરિસ્થિતિનો લાભ ઉઠાવી કોઈ નાલાયકે આવી જ કોઈ રાત્રિએ શીલુને ભ્રષ્ટ કરી છે…પણ શીલુને એ વાતની ખબર નથી…કેમ કે તે પોતાનું અસલ અસ્તિત્વ ભૂલીને બીજા જ સ્વરૂપમાં તે વખતે ફરતી હતી…”

“સ્પ્લીટ પર્સનાલિટી, ડોકટર!” નર્સે પૂછયું.

“યસ સિસ્ટર.”

“મને તો આમાં કંઈ જ ગતાગમ પડતી નથી…ગમે તેમ થાય પણ મારી શીલુને કંઈ થવું જોઈએ નહિ…”

“એ ચિંતા તમે મારી પર છોડી દો…અને મારી વાત માનો તો આ ઘર છોડીને શક્ય હોય તો બીજા કોઈ નવા જ શહેરમાં ચાલ્યાં જાવ…” ડોકટરે કહ્યું,

“કાલે સવારે જ….હવે મારે અહીં રહેવું નથી.” કહેતાં કહેતાં સાસુએ વહુના કપાળ પર હળવેથી હાથ ફેરવ્યો.

ફરી પાછા રાત્રિના અંધકારમાં ડોકટર ઘર તરફ વળ્યા.

www.devendrapatel.in