એરપોર્ટથી માંડી કાર્યક્રમોમાં ડેપ્યુટી CM નીતિન પટેલની રીતસરની અવગણના - Sandesh
  • Home
  • Ahmedabad
  • એરપોર્ટથી માંડી કાર્યક્રમોમાં ડેપ્યુટી CM નીતિન પટેલની રીતસરની અવગણના

એરપોર્ટથી માંડી કાર્યક્રમોમાં ડેપ્યુટી CM નીતિન પટેલની રીતસરની અવગણના

 | 7:25 am IST

। ગાંધીનગર ।

પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વાઈબ્રન્ટ સમિટના પોસ્ટરમાંથી ગાયબ કરી દેવાયા અને તે પછી વીએસમાં નવી હોસ્પિટલની આમંત્રણ પત્રિકા, એરપોર્ટ પર વડાપ્રધાનના સ્વાગત, નવનિર્મીત હોસ્પિટલની PMની વિઝીટ,  તે પછી ટ્રોડ શોના નિરીક્ષણ સહિતના કાર્યક્રમોમાંથી તેમેના ધરાર દૂર રાખી તેમની રીતસરની અવગણના કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદી જ્યારે પણ અમદાવાદ આવ્યા  છે ત્યારેપ્રોટ્રોકોલ અનુસાર સરદાર પટેલ એરપોર્ટ પર તેમના સ્વાગત માટે  રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સિનિયર મંત્રીઓ  હાજર રહ્યા છે. ગુરૂવારે આ શિરસ્તાનો ભંગ થતો હોય તેમ નાયબ  મુખ્યમંત્રી અને સિનિયર મંત્રીઓની રીતસર બાદબાકી કરી દેવાઈ  હતી. એટલુ જ નહી, પ્રોટોકોલથી વિરૂદ્ધ ભાજપના પ્રદેશ અધ્યક્ષ  જીતુ વાઘાણીને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. વડાપ્રધાનની આ  મુલાકાત પૂર્ણતઃ સરકારી હોવાથી માહિતી વિભાગે પણ તેમની  સત્તાવાર અખબારી યાદીમાં વાઘાણીનો ઉલ્લેખ માત્ર એક ધારાસભ્ય  તરીકે કરવો પડયો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અવગણનાનો સિલસિલો આટલેથી અટક્યો નહોતો. અમદાવાદમાં વી.એસ.હોસ્પિટલ સંકુલમાં નવ ર્નિિમત હોસ્પિટલના ઉદ્દઘાટન અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની આમંત્રણ પત્રિકામાંથી રાજ્યના આરોગ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામનો ઉલ્લેખ સુદ્ધા કરવામાં આવ્યો નહોતો.

એટલું જ નહીં, એરપોર્ટથી ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ-શોના ઉદ્દઘાટન વખતે પણ રાજ્યકક્ષાના મહિલા મંત્રી વિભાવરી દવે વડાપ્રધાનની બાજુમાં ગોઠવાઈ જતા સિનિયર મંત્રીઓને પાછલી હરોળમાં ઉભા રહેવુ પડયુ હતુ. ઉદ્દઘાટન બાદ વડા પ્રધાન ટ્રેડ શોના નિરીક્ષણ માટે જેવા અંદર જવા નિકળ્યા અને તેમની પાછળ નીતિન પટેલ સહિતના સિનિયર મંત્રીઓ પણ અંદર જવા આગળ વધ્યા  કે તરત જ સલામતી રક્ષકોએ બધાની હાજરીમાં તેમને રોક્યા હતા. અલબત્ત, મુખ્યમંત્રીએ નીતિન પટેલને બોલાવીને પોતાની સાથે તો લીધા પરંતુ ગોલ્ફ કાર્ટમાં તેમને એકલાને જ બેસાડતાં તેઓ ટ્રેડ શોમાં અંદર જવાના બદલે ત્યાંથી બારોબાર અમદાવાદ જવા નિકળી ગયા હતા.

ધીરે ચાલતો હોવાથી પાછળ રહી જાઉ છું : ડે. CM પટેલ

ન્યુઝ ચેનલોમાં તેમની અવગણના અંગે વિવાદ થતાં ટ્રેડ શોના સ્થળે મિડિયાકર્મીઓ સાથે વાતચીતમાં નીતિન પટેલે જણાવ્યુ કે, આ બધી ખોટી વાતો છે. હું ધીરે ચાલતો હોવાથી પાછળ રહી ગયો હતો. અમદાવાદમાં હોસ્પિટલનું લોકાપર્ણનો કાર્યક્રમ મ્યુ.કોર્પોરેશનનો છે, સરકારનો નથી. તેમા કોને બોલાવવા તે મેયર અને હોદ્દેદારો નક્કી કરે છે. વડાપ્રધાન દ્વારા ઉદ્દઘાટન થતુ હોય ત્યારે તેમાં ઉપસ્થિત રહેવુ અમારી જવાબદારી છે. નામ હોય કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી.

સરકારી ખર્ચે નથી ત્યાં પણ ડે. CM ગાયબ

સુપ્રિમ કોર્ટે સરકારી ખર્ચે થતી પબ્લિસિટીમાં PM અને CM સિવાય અન્ય કોઈની તસ્વીર રાખવા સામે મનાઈ ફરમાવી છે. જો કે અમદાવાદમાં યોજાઈ રહેલા શોપિંગ ફેસ્ટિવલની જાહેરાત બિનસરકારી ફેડરેશને આપી છે છતાં તેમા પણ ડે. સીએમનો ફોટો નથી પણ તેમનો ક્વોટ રાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન