Despite losing eyesight at the age of 15, Himani Bundela did not give up, became a KV teacher
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 15 વર્ષની ઉંમરે આંખોની દ્રષ્ટિ ગુમાવનાર શિક્ષિકા KBCની હોટસીટ પર પહોંચી, 7 કરોડના સવાલ સુધી જવાબો આપ્યા

15 વર્ષની ઉંમરે આંખોની દ્રષ્ટિ ગુમાવનાર શિક્ષિકા KBCની હોટસીટ પર પહોંચી, 7 કરોડના સવાલ સુધી જવાબો આપ્યા

 | 5:50 am IST
  • Share

માણસ ધારે તો કંઈ પણ કરી શકે છે. બસ, મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ આ વાતને હાલમાં જ સાર્થક કરી બતાવી છે હિમાની બુંદેલા નામની એક પ્રજ્ઞાચક્ષુ મહિલાએ. હમણાં જ તેણે લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડ પતિની 13મી સિઝનની પહેલી કરોડપતિ સ્પર્ધક બનીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ સાથે જ હિમાનીએ એવા લોકો માટે પણ એક મિસાલ સ્થાપિત કરી છે જેઓ કોઈ અકસ્માતને કારણે શારીરિક ખામીનો ભોગ બન્યા હોય અને પછી તેમની આગળ જિંદગી જીવવાની ઈચ્છા જ ખતમ થઈ ગઈ હોય. હિમાનીએ પોતાની મહેનત, ધગશ અને આત્મવિશ્વાસ સાથે અમિતાભ બચ્ચન દ્વારા પૂછવામાં આવેલા તમામ સવાલોના સાચા જવાબ આપ્યા, તેનું પરિણામ એ આવ્યું કે તેણે એક કરોડ રૂપિયા જેવી મોટી રકમ જીતી લીધી!

ઉત્તરપ્રદેશના આગ્રાના રાજપુર ચુંગીની રહેવાસી હિમાની જન્મથી પ્રજ્ઞાચક્ષુ નહોતી. તે જ્યારે દસમા ધોરણમાં હતી ત્યારે એક અકસ્માતમાં તેની બંને આંખોની દ્રષ્ટિ જતી રહેલી. એ વખતે તે ડોક્ટર બનવા માંગતી હતી પણ આ અકસ્માત પછી તેનું એ સપનું, આંખો જતી રહેવાને કારણે કાયમ માટે તૂટી ગયું. જોકે તેના પરિવારજનોએ તેને ખૂબ જ સહકાર આપ્યો, તેની હિંમત તૂટવા ન દીધી. પરિવારના એ સાથ-સહકારને કારણે જ હિમાનીએ જિંદગીને નવેસરથી જીવવી શરુ કરી. તેણે ભણવામાં ધ્યાન પરોવ્યું, બ્રેઈલ લિપિ શીખી અને આગળ વધતી રહી. 12મું ધોરણ પાસ કર્યા પછી તેણે ડો. શકુંતલા મિશ્રા રિહેબિલિટેશન યુનિર્વિસટીમાં એડમિશન લીધું અને ત્યાંથી સ્નાતક થઈ. દરમિયાન 2017માં તેની પસંદગી કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રાથમિક શિક્ષક તરીકે થઈ. પહેલું પોસ્ટિંગ બલરામપુર કેન્દ્રીય વિદ્યાલયમાં અને પછી 2019માં આગ્રામાં ટ્રાન્સફર થઈ, ત્યારથી તે અહીં રહીને જ શિક્ષણકાર્ય અને કેબીસીની તૈયારીઓ કરી રહી હતી.

હિમાનીના પિતા વિજયસિંહ બુંદેલા ટૂરિઝમના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કોરોનાને કારણે તેમનો ધંધો છેલ્લાં બે વર્ષથી ઠપ થઈ ગયો હતો અને તેની અસર પરિવાર પર પણ આર્થિક તંગીના સ્વરૂપમાં દેખાઈ રહી હતી. પણ હિમાનીએ તેમની આ સમસ્યાનું સમાધાન કેબીસીમાં એક કરોડ જીતીને એકઝાટકે કરી આપ્યું હતું. તેના પરિવારમાં તેના સિવાય પિતા વિજય બુંદેલા, માતા સરોજ, ચેતના-ભાવના-પૂજા બહેનો અને ભાઈ રોહિત બુંદેલા છે અને સૌને તેની આ સિદ્ધિ પર ગર્વ છે.

15 વર્ષની વયે દ્રષ્ટિ ગુમાવવાથી લઈને કેબીસીમાં કરોડપતિ બનવા સુધીની હિમાનીની સફર જરાય સરળ નહોતી. હિમાની કહે છે, ‘હું છેલ્લાં દસ વર્ષથી સતત કેબીસીમાં પ્રયત્ન કરી રહી હતી, ત્યારે હવે મારી મહેનત રંગ લાવી અને કિસ્મતે પણ મને યોગ્ય સાથ આપ્યો. જ્યારે હું એક કરોડ જીતી એ ખુશીને શબ્દોમાં વ્યક્ત કરવી શક્ય નથી. આ સફળતાને લઈને મારા પરિવારે મને ઘણો સહકાર આપ્યો છે. હું પ્રજ્ઞાચક્ષુ હોવાથી ઓડિયો કન્ટેન્ટ સાંભળીને કેબીસી માટે તૈયારીઓ કરતી હતી. છેલ્લા એક દાયકાથી હું આ શો માટે તૈયારીઓ કરી રહી હોવાથી મારું જનરલ નોલેજ પણ ઘણું સારું થઈ ગયું હતું. હું કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રાથમિક શિક્ષક પણ છું, એટલે બાળકોને ભણાવવાનો અનુભવ પણ આ સફળતામાં કામે લાગ્યો. આ સફળતા મારી એકલીની નથી, મારો પરિવાર પણ આમાં એટલો જ ભાગીદાર છે.’

કેબીસીમાં જીતેલી રકમને લઈને શું પ્લાન છે? – આ સવાલ પર હિમાની કહે છે કે, તે એવા દિવ્યાંગ બાળકો માટે કંઈક કરવા માંગે છે જે સમાજની મુખ્યધારાથી દૂર થઈ જાય છે. તેમની જિંદગી કેવી રીતે સારી બને અને કેવી રીતે તેમનો સમગ્ર વિકાસ થાય તેના માટે જીતેલી રકમમાંથી એક મોટું સેન્ટર ખોલવા માંગું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન