નાશાની શરૂઆત નિષ્ફળતાઓથી થઈ - Sandesh

નાશાની શરૂઆત નિષ્ફળતાઓથી થઈ

 | 1:35 am IST

દોસ્તો, તમે નાસા નામથી પરિચિત હશો જ! તમને કદાચ એ પણ ખબર હશે કે એ અમેરિકાની અવકાશ સંસ્થા છે. સ્વદેશ ફ્લ્મિમાં બતાવ્યું હતું તેમ આપણા દેશમાંથી ઘણા લોકો નાસામાં કામ કરે છે. તમારામાંથી પણ કેટલાંક ત્યાં નોકરી મેળવી શકે અથવા કોઈ પ્રોજેક્ટ મેળવી શકે. તો ચાલો નાસા વિષે થોડીક માહિતી તમને આપીએ. અમેરિકાના વોશિંગ્ટનમાં એનું મુખ્યમથક નાસા સ્પેસ સન્ટર આવેલું છે. એનું આખું નામ છે, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. એની રચના કરવા માટે અમેરિકન સંસદમાં ૧૯૫૮માં નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એક્ટ નામનો કાયદો બનાવવામાં આવ્યો હતો. એ સમયના અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડ્વાઈટ ડી. આઈઝનહોવરે આ કાયદો બનાવવામાં મહત્ત્વની ભુમિકા અદા કરી હતી. એમણે સંસદમાં કહ્યું કે આવનારા સમયમાં અવકાશમાં આપણી હાજરી નહીં હોય તો આપણે જીતીને પણ હારી જઈશું. નાસાની રચના થતાં એ સમય સુધી અવકાશવિજ્ઞાાનમાં કામ કરી રહેલી નેશનલ એડવાઈઝરી કમિટી ફેર એરોનોટિક્સને વિખેરી નાંખવામાં આવી હતી. એમાંથી જ પહેલા ૮૦ નિષ્ણાતો નાસામાં કામે લાગ્યા હતા.

અમેરિકન સંસદે પણ આ ખરડો પસાર કરાવી દીધો, કારણ કે અમેરિકાનું સૌથી મોટું હરીફ્ અથવા દુશ્મન એવું સોવિયેત રશિયા અવકાશમાં પગલું ભરી ચૂક્યું હતું. ૪ ઓક્ટોબર ૧૯૫૭ના રોજ રશિયાએ વિશ્વનું સૌથી પહેલું અવકાશયાન સ્પુતનિક અવકાશમાં રવાના કર્યું હતું. એ અવકાશયાને સફ્ળતાપૂર્વક પૃથ્વીનો ચકરાવો લઈ રશિયાને સૌપ્રથમ અવકાશયાન બનાવનાર અને અવકાશમાં મોકલનાર દેશ તરીકે ઈતિહાસમાં સ્થાન અપાવી દીધું હતું.

નાસાની શરૂઆત થઈ તો એની ચાર પ્રયોગશાળાઓ હતી અને માત્ર ૮૦ વિજ્ઞાાનીઓ એમાં કામ કરી રહ્યા હતા. આજે ૬૦ વર્ષ પછી નાસાનો વિસ્તાર અપાર થઈ ગયો છે. પરંતુ શરૂઆત આવી યશસ્વી નહોતી. નાસાની રચના થયા પછીય રશિયા નાસા કરતાં અવકાશવિજ્ઞાાનમાં આગળ જ હતું. અવકાશમાં યાત્રા કરી આવનાર સૌથી પહેલો માનવ યુરી ગાગારીન રશિયન હતો. અવકાશમાં જનાર સૌથી પહેલી મહિલા પણ રશિયાની હતી. એનું નામ સ્વેતલાના સ્વિત્સકાયા. અવકાશમાં જઈને અવકાશયાન બહાર નીકળી પગલું પાડનાર પર એલેક્સી લિયોનોવ નામનો રશિયન હતો.

રશિયાની આ સરસાઈ તોડવા માટે અમેરિકાની નાસાએ ચન્દ્ર ઉપર માણસને મોકલી પાછા લાવવાનું અકલ્પનીય મિશન તૈયાર કર્યું. એ માટે એપોલો નામનું અવકાશયાન ડિઝાઈન કરવામાં આવ્યું. જોકે એપોલો ૧ અવકાશમાં રવાના થયું ત્યારે જ આગમાં ખાખ થઈ ગયું હતું. આખરે એપોલો યાન માનવ વગર અવકાશમાં મોકલવાના પ્રયોગો હાથ ધરાયા એમ કરતાં એપોલો ૮ અને ૯ અવકાશમાં જઈ ચન્દ્ર ફ્રતે આંટો મારવામાં અને ધરતી પર પાછા ફ્રવામાં સફ્ળ થઈ શક્યા. એ પછી એક પ્રયોગ નિષ્ફ્ળ ગયો અને આખરે એપોલો ૧૧ નીલ અર્મસ્ટ્રોન્ગ અને બઝ એલ્ડ્રીન નામના બે સાહસિક અવકાશયાત્રીઓને લઈ ચન્દ્ર પર ગયું અને એ લોકોએ ચન્દ્ર પર થોડા પગલાં ચાલીને અમેરિકાનો ધ્વજ ફ્રકાવ્યો. થોડી માટી લીધી અને પાછા આવ્યા.

આ મિશનની સફ્ળતાએ નાસાનો વટ પાડી દીધો આખા વિશ્વમાં નાસાનો ડંકો વાગી ગયો. એ પછી તો અનેક વખત નાસાએ ચન્દ્ર પર માનવ મોકલ્યા, પ્રયોગો કર્યા. આખરે સ્કાયલેબ નામનું અવકાશમથક બનાવવાનું સાહસ કર્યું. જોકે એ થોડોક  સમય સારી રીતે સ્થિર રહ્યા પછી ધીમે ધીમે નીચે આવવા લાગ્યું હતું અને આખરે પૃથ્વી ઉપર તૂટી પડયું હતું. નાસાએ એ પછી અવકાશમાં જઈ પાછું આવે એવું અવકાશ યાન સ્પેસ શટલ બનાવ્યું. એની મદદથી બીજું અવકાશમથક પણ બનાવ્યું જે વર્ષો સુધી અવકાશમાં કામ કરતું રહ્યું. આજે જોકે નાસાએ અવકાશી કાર્યક્રમમાં ખાનગી સાહસિકો અને નિષ્ણાતોને પણ સામેલ કરવા માંડયા છે. અને ભારતની ઈસરો જેવી સંસ્થાઓને પણ અવકાશી પ્રયોગોમાં મદદ કરવા માંડી છે. એના પરિણામે ઈસરોએ પણ ચન્દ્રયાન નામનું અવકાશયાન ચન્દ્રની પ્રદક્ષિણા કરવા સફ્ળતાપૂર્વક મોકલ્યું હતું.