એક સમય એવો હતો જ્યારે હિન્દી ફિલ્મસ્ટારો તેમની અંગત જિંદગીની વાતો ભાગ્યે જ જાહેર કરતા હતા. જોકે સમય બદલાવાની સાથે તેમના વિચારો પણ બદલાયા છે. સદાબહાર અભિનેતા દેવ આનંદ, દિલીપકુમાર અને રિશી કપૂરની ઓટોબાયોગ્રાફી પછી હવે આશા પારેખની જીવનકથા પણ આવી રહી છે. ‘ધ હિટ ગર્લ’ નામની આત્મકથાને લોન્ચ કરશે સલમાન. આશા પારેખ અને ખાલિદ મોહમ્મદે સાથે મળીને લખેલી ૨૬૦ પાનાંની આ ઓટોબાયોગ્રાફીનું અનાવરણ સલમાન ખાન ૧૦ એપ્રિલે મુંબઈમાં અને ત્યાર બાદ દિલ્હીમાં કરવાનો છે

એક ઇન્ટરવ્યૂમાં આ બુકની વાત કરતાં આશા પારેખે કહ્યું હતું કે ‘અભિનય ઉપરાંત પણ મેં બીજું ઘણુંબધું કામ કર્યું છે. એ કામ બાબતે લોકો જાણતા નથી. અભિનય ઉપરાંત હેલ્થકૅર, નૃત્ય, સમાજસેવા અને ફિલ્મોદ્યોગનાં સંગઠનો તથા સમાજને આગળ વધારવાના ક્ષેત્રમાં જે કામ કર્યું છે એની માહિતી લોકોને આ બુકમાંથી મળશે.’

આશા પારેખનો જન્મ ગુજરાતી પરિવારમાં ૨ ઓકટોબર, ૧૯૪૨માં ભાવનગરના મહુવા ખાતે થયો હતો. ફકત દસ વર્ષની ઉંમરે ‘બાપ બેટી’ ફિલ્મથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આશા પારેખે પ્રવેશ કર્યો હતો. ફિલ્મ ‘દિલ દેકે દેખો’માં તેઓ સફળ અભિનેત્રી તરીકે સ્થાપિત થયા તેમણે ૧૯૬૬માં ‘દો બદન’ ફિલ્મમાં આશાજીએ અભિનય ક્ષમતા પૂરવાર કરી. શમ્મી કપૂર સાથે અનેક સફળ ફિલ્મો આપી તથા ‘અખંડ સૌભાગ્યવતી’ નામની ગુજરાતી ફિલ્મમાં પણ અભિનય કર્યો, તેમણે ‘કોરા કાગઝ’, ‘દાલ મે કાલા’ વગેરે ટીવી ધારાવાહિકનું નિર્માણ પણ કર્યું છે. આ લોકપ્રિય અભિનેત્રી ત્રણ વર્ષ સુધી ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડમાં ચેરપર્સન રહ્યા. આ પદ હાંસિલ કરનારાતેઓ પ્રથમ મહિલા છે. તેમને ૧૯૯૨માં પદ્મશ્રીથી સમ્માનિત કરાયા હતા.