જીવનમાં સુખી થવા માટે ગુણગ્રાહી દૃષ્ટિ કેળવવી - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • જીવનમાં સુખી થવા માટે ગુણગ્રાહી દૃષ્ટિ કેળવવી

જીવનમાં સુખી થવા માટે ગુણગ્રાહી દૃષ્ટિ કેળવવી

 | 4:11 am IST

સંસ્કાર   : સાધુ હરિકૃષ્ણસ્વરૂપદાસજી

આપણા હિંદુ ધર્મના દરેકે-દરેક શાસ્ત્રો જોઈશું તો દરેક શાસ્ત્ર આપણને સદાચારી, સદ્ગુણી અને સજ્જન માનવી બનવાનો ઉપદેશ આપે છે. પરંતુ સદાચારી અને સદ્ગુણી ત્યારે જ બની શકાય જ્યારે આપણામાં શાસ્ત્રોમાંથી અને દુનિયાની દરેકે-દરેક વસ્તુઓ તથા તમામ માણસોમાંથી સારું ગ્રહણ કરવાનો વિવેક હોય.

શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે લોયા પ્રકરણના પાંચમાં વચનામૃતમાં કહે છે કે, જેમ દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઈત્યાદિક સર્વેમાંથી પણ ગુણ લીધા અને ૨૪ ગુરુ કર્યા એમ આપણે જો જીવનમાં સુખી બનવું હશે અને આપણામાં સદ્ગુણો લાવવા હશે તો ગુણગ્રહણ બનવું જ પડશે. ગુણગ્રાહી દૃષ્ટિ કેળવવી જ પડશે.

તો આપને પ્રશ્ન થશે કે ગુણગ્રાહી દૃષ્ટિ કોને કહેવાય? બગડેલી ઘડિયાળ પણ બે વાર તો સમય સાચો બતાવશે ને….આ થઈ ગુણગ્રાહી દૃષ્ટિ.

જેને ગુણ ગ્રહણ કરવા હોય તેને તો બધામાંથી ગુણો મળી જ રહે છે. આમ, જે વ્યક્તિ દરેક વસ્તુમાંથી કેવળ ગુણ જ ગ્રહણ કરે છે તેને ગુણગ્રાહી કહેવાય. આપણી ભારત ભૂમિ ઉપર પ્રગટ થયેલા સંતો અને મહાપુરુષોનાં જીવનમાં સહેજ ડોકીયું કરો. તેઓ કેવી-કેવી પરિસ્થિતિમાં પણ ગુણ ગ્રહણ કરીને સુખી રહેતા હતા.

સંત એકનાથજીની પત્ની ખૂબ કહ્યાગરી હતી. તો તેમણે વધુ ભગવાન ભજવાનો નિરધાર કર્યો અને ભગવાનની કૃપા માની કે ભગવાને આવી સરળ સ્વભાવવાળી પત્ની આ જન્મમાં મને આપી છે. તો મારે હવે વિષયોમાંથી રાગ ટાળી વધુ ભગવાન ભજવા જોઈએ એમ નક્કી કરી તેમણે જીવનપર્યંત અખંડ ભગવાનનું ભજન કર્યું.

સંત તુકારામજીની પત્ની કઠોર સ્વભાવની અને કર્કશવાણી બોલનારી હતી. સદાય તે ગાળો જ ભાંડતી. તો તુકારામજીએ તેમાંથી પણ ગુણ લીધો કે, હે ભગવાન! તારી અનહદ કૃપા છે મારા ઉપર, આવી પત્ની આપી તે બહુ સારું કર્યું. જેથી મને હવે સંસારમાં લેશમાત્ર પ્રીતિ નહિ રહે અને એક માત્ર તમારામાં પ્રીતિ થશે.

નરસિંહ મહેતાની પત્નીને ભગવાન ધામમાં લઈ ગયા અને તેઓ ઘરભંગ થયા તો તેમણે સંસારી જીવની માફક રોકકળ નાં કરી પણ ભગવાનની કૃપા માની કે, પત્નીને ભગવાને ધામમાં લઈ લીધી તે ખૂબ સારૃં કર્યું. જેથી હવે મને ક્યાંય હેત નહિ રહે અને સુખેથી ભગવાન ભજાશે.

આપણે પણ ભગવાને આપણને જે પરિસ્થિતિમાં રાખ્યા હોય તેમાં રાજી રહી ભગવાનની કૃપા માની જીવન જીવવું જોઈએ તો જ સદા સુખ-શાંતિ રહે.

સારામાં પણ સાર લઈ, અસાર તજીએ અંશ;

જળથી જુદું પાડીને, જેમ પીએ પય હંસ.

જળમાં પાશેર પણ દૂધ હોય તો હંસ તેને જુદું પાડીને ગ્રહણ કરે છે. તેમ જે હંસ જેવા સજ્જન માણસો હોય છે. તે હંમેશા દરેકમાંથી જે સારું હોય તેને જ ગ્રહણ કરે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતો અને હરિભક્તોને આજ ઉપદેશ વારંવાર આપ્યો છે કે, સદા ગુણગ્રાહી બનો. તે તેમના જીવનચરિત્રમાં વારંવાર જોવા મળે છે.

એક વખત શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં લીંબતરુ નીચે બિરાજમાન હતા. ગઢપુરમાં રહી પોતાના આશ્રિત સંતો-હરિભક્તોને નિત્ય નવી-નવી લીલાઓ કરી સુખ આપતા હતા.

એક દિવસ સંતોની પંક્તિમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પીરસવા પધાર્યા. સંતોને ખૂબ-ખૂબ પીરસ્યું. જેટલું હતું એટલું બધું પીરસી દીધું. થોડીવાર થઈ એટલામાં નિર્મળાનંદ સ્વામી આવ્યા અને તેમણે કહ્યું કે, હે નાથ! હું તો રહી ગયો. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને તેમને કહ્યું કે, તમો તમારું પત્તર લઈને દરેક સંત પાસે જાવ અને પ્રસાદી માંગો. એટલે નિર્મળાનંદ સ્વામી પત્તર લઈને પંગતમાં ફરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, ભગવાને કહ્યું છે કે, મને પ્રસાદી આપો. બધા જ સંતોએ થોડી-થોડી પ્રસાદી આપી તેથી તેમનું પત્તર છલકાઈ ગયું. પછી પોતે એક આસન શોધીને જમવા બેસી ગયા.

સૌ સંતો જમી રહ્યા પછી બધા શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે સભામાં આવ્યા અને સન્મુખ બેસી ગયા. તે વખતે ભગવાને સૌને ઉદ્દેશીને વાત કરતાં કહ્યું કે, સાંભળો, જેમ આજે નિર્મળાનંદ સ્વામીએ અમારી આજ્ઞાા પાળીને સૌ સંતોના પત્તરમાંથી થોડી-થોડી પ્રસાદી માંગી લીધી, તો તેમનું પત્તર છલકાઈ ગયું. તેમ સૌનાં થોડા-થોડા ગુણ લેવાય તો જીવ ગુણોથી ભરાઈ જાય ને બળિયો થાય અને સદ્ગુણોથી છલકાઈ જાય.

સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્ધન્ય સંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી તેથી જ કહે છે કે, જેમ હંસ કેવળ મોતીનો જ ચારો કરે છે અને મોતીને જ શોધે છે. જ્યારે કાગડો ચાંદું જ શોધે છે માટે આપણે હંસ થવું છે કે કાગડા? જો હંસ થવું હશે તો ગુણગ્રાહી દૃષ્ટિ કેળવવી જ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન