amman-temple-in-shrilanka: devi-sita-was-kept-at-here-after-abduction
  • Home
  • Astrology
  • સીતા માતાને બંધક બનાવીને રાખ્યા હતા અહિં, આજે છે દુર્લભ મંદિર

સીતા માતાને બંધક બનાવીને રાખ્યા હતા અહિં, આજે છે દુર્લભ મંદિર

 | 4:48 pm IST

દેશ અને દુનિયામાં ભગવાન રામ અને સીતા માતાના અનેક મંદિરો વિશે તમે સાંભળ્યું હશે. જો કે આ મંદિરોમાં સામાન્ય રીતે ભગવાન રામની પૂજા થતી આવે છે. આજે અમે તમને એવા મંદિરની મુલાકાત કરાવીશું કે જ્યાં સીતા માતાની મુખ્યત્વે પૂજા થાય છે. તો ચાલો શ્રીલંકામાં.. જ્યાં એક સમયે અશોક વાટિકા હતી… આજે ત્યાં દેવી સીતાનું ભવ્ય મંદિર આકાર લઈ ચૂક્યું છે.

દેવી સીતાને ભગવાન રામની શક્તિ માનવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે તો દેવી સીતા આદર્શ ભારતીય નારી છે. દેવી સીતા આ મંદિરમાં પ્રતિષ્ઠિત છે.

સીતા માતાનું આ અમ્માન મંદિર શ્રીલંકાના ‘ન્યૂવાર ઈલિયા’ નામના પર્વતીય સ્થળ પર વસેલા આ નામના જ વિસ્તારથી આશરે 5 કિમી દૂર કેન્ડી રોડ પર આવેલું છે. માન્યતા છે કે આ મંદિરનું નિર્માણ સને 1998માં થયું હતું. કેટલીક માન્યતાઓનું માનીએ તો આ સ્થાન એ છે કે જ્યાં રાવણે સીતા માતાનું અપહરણ કરીને તેમને બંધક બનાવીને રાખ્યા હતા. જો કે આ સ્થળ વિશે હજી ઐતિહાસિક પુરાવા પ્રાપ્ય બન્યા નથી. પણ સ્થાનિકોનું કહેવું છે કે આ સ્થળે અશોકવાટિકા હતી. જ્યાં સીતા માતાને અપહરણ કરીને લઈ આવ્યા પછી અહિં રાખવામાં આવ્યા હતા.

શાંત ગ્રામીણ વિસ્તારમાં એક ઝરણાંની પાસે સ્થાપિત આ મંદિર ગોળાકાર છત, બહુરંગી પૌરાણિક ચિત્રોથી ભરપુર છે. કહેવાય છે કે સીતા મંદિર બન્યા પછી આ સ્થળ કેવળ રામભક્તો માટે જ નહિં પણ વિશ્વભરના પર્યટકો માટે મહત્વપૂર્ણ બની ગયું છે.

આ મંદિરની પાસે જ એક ઝરણું વહે છે, જેને સીતા ઝરણું કહેવામાં આવે છે. માન્યતા અનુસાર આ ઝરણાંમાં એક સ્થળ પર સીતાજી સ્નાન કરતાં હતા. અહિંના સ્થાનિકોનું કહેવું છે કે આ ઝરણાંમાં એક સ્થાન એવું પણ છે જ્યાં જળ સ્વાદ રહિત છે. જે માટે એવું કહેવાય છે કે આ સીતાજી દ્વારા આપવામાં આવેલા શ્રાપને કારણે બન્યું છે. એ સિવાય આ ઝરણાંના કિનારે જ એક ટેકરી છે જેના પર દેવી સીતા સતત ભગવાન રામનું નામ લેતાં આરાધના કરતાં હતા. કહેવાય છે કે નદીના કિનારે એક સો વર્ષ પહેલાં ત્રણ મૂર્તિ મળી હતી. જેને શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજીના લંકા યુદ્ધની માનીને આ મંદિરમાં જ સ્થાપિત કરી દેવામાં આવી છે. સ્થાનીકો આ મૂર્તિઓને પ્રાચીનકાળની હોવાનું માને છે. તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

હનુમાનજીના નિશાન
મંદિરની બહાર પહાડી પર મોટાં મોટાં પત્થરો પર મોટાં મોટાં નિશાન છે. જે વિશે કહેવાય છે કે આ નિશાન અન્ય કોઈના નહિં પણ પવનપુત્ર તેમજ રામ ભક્ત હનુમાનજીના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન