ધન ધન શાસન મંડન મુનિવરા - Sandesh

ધન ધન શાસન મંડન મુનિવરા

 | 12:44 am IST

જૈન દર્શન : નરેશ એ. મદ્રાસી

જૈન દર્શન અંતર્ગત સંસાર પરિભ્રમણમાંથી મુક્ત થવાના શ્રેષ્ઠ માર્ગરૂપ વિરતિ – સંયમ, સ્વીકાર, વૈરાગ્ય, આદિનો સંવાદ કરી રહ્યા છીએ. સાંપ્રત અધ્યાયમાં વર્ષીદાન તથા સંયમ વિરતિ સ્વીકાર પ્રતિજ્ઞા વિશે વિચારણા કરીશું.

આ ભરત ક્ષેત્રની વર્તમાન ચોવીસીમાં સૌ પ્રથમ યતિવ્રતધારી, પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ બન્યા.  તે સમયે, ધર્મ, સંયમ વિરતિ આદિ શબ્દ રૂપ પણ શ્રવણ કરવામાં આવતા ન હતા. પ્રભુ જન્મથી જ, મતિ, શ્રુત અને અવધિ જ્ઞાનધારી હતા. પોતાના ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે ધારા-બદ્ધ ઘટના ઘટતી હતી. સંયમ સ્વીકાર કરવાનો કાળ જાણીને પ્રભુ તે પ્રમાણે, સ્વયં બોધિપણું હોવાથી સંયમ સ્વીકાર કરે છે, સર્વજ્ઞાપણું પ્રાપ્ત કરે છે. શાસનની સ્થાપના કરી સ્વ-પર કલ્યાણને સાધે છે. પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ પ્રભુ પૃાત અસંખ્ય પાટ પરંપરા પર્યન્ત તથા અન્ય ત્રેવીસ તીર્થંકર પ્રભુએ, કાળ પરિપાક થતા આવા સંયમનો સ્વીકાર કર્યો. આ માર્ગના સ્વીકાર પૂર્વે વર્ષીદાન આપવાની પરંપરા છે, જેનું વર્ણન અત્યંત રોમાંચકારી છે. સર્વે તીર્થંકર ભગવંતો સંયમ સ્વીકાર કરવાની મિતિથી એક વર્ષ પૂર્વથી આવા શ્રેયકારી વર્ષીદાનનો પ્રારંભ કરે છે. નિત્ય એક કરોડ આઠ લાખ સુવર્ણ મુદ્રાનું ઉલ્લાસિત ભાવે પ્રભુ દાન કરે છે, જેને ગ્રહણ કરવા માટે માત્ર દીન, દુખિયા નહીં, શ્રીમંત, ધનવાન, શ્રેષ્ઠિ, રાજા, મહારાજા પણ પધારે છે અને પ્રભુના પાવન હસ્તે આ દાનનો સ્વીકાર કરી પ્રસન્ન બની પોતાની મુક્ત થવાની યોગ્યતા, ભવ્યત્વની શાખ પૂરે છે. આ દાન ગ્રહણ કરનાર અવશ્ય મુક્ત સ્વરૂપ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે એક વર્ષ સુધી પ્રભુ દાનની ગંગા વહાવે છે. જેના પ્રતીક સ્વરૂપ આજ પર્યન્ત, એક દિવસ અથવા યથાશક્તિ, ઉલ્લાસ પ્રમાણે મુમુક્ષુ દાન આપે છે. જેનો સ્વીકાર કરવો એ પરમ ભાગ્યનું સૂચક છે. વર્ષીદાન, ધર્મની પ્રભાવના, ત્યાગની ભાવનાને દ્રઢ કરવાનું શ્રેષ્ઠ આલંબન છે. જેના માટે વિવેક ઔચિત્ય પણ જાળવવાના છે.

પૂર્વ અધ્યાયમાં વિદિત કર્યું હતું કે આહાર, ભય, મૈતુન, પરિગ્રહ એ ચાર પ્રકારની સંજ્ઞા સંસાર પરિભ્રમણ કરતા આત્માને સતત પ્રભાવિત કરે છે. પ્રત્યેક સંજ્ઞા ઉપર નિયંત્રણ મૂકી ક્રમે કરી પૂર્ણ રૂપે મુક્ત થવા પ્રભુએ દાન, શીયળ, તપ અને ભાવ સ્વરૂપ ચર્તુિવધ ધર્મ પ્રકાશ્યો છે. કર્મ પ્રભાવિત આત્મા પ્રત્યેક સમય સંજ્ઞાથી ત્રસ્ત થાય છે તે સમજ પ્રમાણે પરિગ્રહ સંજ્ઞાથી પણ પ્રભાવિત થયા કરે છે. ઇતિહાસમાં એવા દ્રષ્ટાંત શાખ પૂરે છે કે, મૂષક- ઉંદર, પરિગ્રહ સંજ્ઞાથી એટલો પ્રભાવિત હતો કે તે સમયના અર્થ વ્યવહારના ચલણના સિક્કા પોતાના દરમાં રાખતો હતો અને તેનું સંરક્ષણ કરતો હતો. કોઈક એક વ્યક્તિએ કસોટી કરવા એક સિક્કો લઇ લીધો. મૂષકને આ ખ્યાલ આવ્યો ત્યારે તે સિક્કાની શોધ માટે વ્યાકુળ બની જાય છે અને તે સિક્કો નહીં મળતા મસ્તક પછાડીને મૃત્યુ પામે છે. આ એક નાના પ્રાણીની વાત છે. જૈન દર્શન ત્યાં સુધી પ્રસ્તુત કરે છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ પણ આ સંજ્ઞાથી મુક્ત નથી. વૃક્ષની નીચે, મૂળની સમીપે ધન આદિ છુપાવવામાં આવ્યું હોય તો તે મૂળ, ધનની આજુબાજુ વિસ્તાર પામી તેને ઘેરી લે છે. આથી પરિગ્રહ સંજ્ઞાથી મુક્ત થવા માટે પ્રભુએ દાન ધર્મ પ્રકાશ્યો છે. સંયમ સ્વીકાર પૃાત ભૌતિક રૂપા-નાણાં આદિનો સ્પર્શ પણ ત્યાં વર્જય હોવાથી વર્ષીદાન દ્વારા ત્યાગ કરવાનો છે. જાગૃતિ એ રાખવાની છે કે આ ત્યાગ, ભીતરમાં, અભિમાનનું સંવર્ધન નહીં કરે, વૈભવનું પ્રદર્શન નહીં બને. આ પ્રમાણે શાસ્ત્ર અને પરંપરા સંમત વિવેક પ્રધાન વર્ષીદાન અનુમોદનીય બને છે. મુમુક્ષુના સંસાર ત્યાગ પૂર્વનો આ સમય અત્યંત સંવેદનશીલ હોય છે. આ માર્ગની મહત્તા અને તેનું મૂલ્યાંકન જયારે અને જેને સમજાય છે તે ક્યારે પણ એવું કશું જ નહીં કરશે જેનાથી ત્યાગની વિચારધારા મંદ બને. સંગાથે એક ટકોર પણ કરીશ. વર્તમાન એ વિજ્ઞાન યુગ છે. માનવની બુદ્ધિને અવશ્ય વેગ મળ્યો છે, પણ વિવેક દ્રષ્ટિ પર પણ અંકુશ આવી ગયો છે. તેથી ત્યાગ માર્ગ, સંયમ સ્વીકાર મહોત્સવ અને તેની વિધિ માટે ક્યારેક અણગમો દર્શાવાતો જોવાય છે. આઘાત લાગે તેવા પ્રત્યાઘાત સાંભળવા મળે, અને દુઃખની લાગણી અનુભવાય. લોકશાહી યુગમાં વાણી સ્વતંત્ર્યનો અધિકાર છે, પણ વાણી વિલાસ રૂપે પ્રસ્તુત થાય છે ત્યારે કહેવાતા બૌદ્ધિકો અને સાક્ષરો મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. તે સમયે અભિવ્યકિતમાં સમતોલન, ન્યાય અને પ્રમાણિકતા નથી હોતા, જેથી ચોમેર ક્ષતિ થાય છે અને વર્ગવિગ્રહ જેવી ઘટના પણ સંભવી શકે છે. સંવેદનાની સૃષ્ટિ પર ત્યારે ભૂકંપ આવે છે. છતાં તે સાક્ષરો નાગરિક ધર્મ કર્યો છે એવા મિથ્યાભિમાનનો વિકૃત આનંદ લે છે. અભિવ્યકિતમાં નિકૃષ્ટ અપશબ્દો, નિમ્ન કક્ષાનું ભાષાકિય સ્તર પ્રર્દિશત થાય છે. તેઓ ત્યારે વિસરી જાય છે કે અન્ય ક્ષેત્રોમાં અનેક ગણો દુર્વ્યય અને સંસ્કૃતિને કલંક લાગે તેવો અભિગમ હોય છે ત્યારે તેઓ ભય, પ્રલોભન આદિના પ્રભાવથી સાવ મૂક બન્યા હોય છે. સત્ય તો એ છે કે મૂળ ત્યાગ માર્ગ તેઓને ઇષ્ટ નથી લાગતો અને ત્યાગ – વૈરાગ્યની ભૂમિકા પાછળની સ્વ અને પરના કલ્યાણ કરવાની ભાવના નથી સમજાતી તેથી જ લોકશાહીના આ અધિકારનો દુરૂપયોગ કરવામાં આવે છે. સંવાદ જળવાશે તો પ્રીતિ અને પ્રેમમાં વૃદ્ધિ થશે.

સંયમ સ્વીકાર પૂર્વેની આ વિધિની પૂર્ણાહૂતિ પૃાત, સંયમ સ્વીકાર કરવાની શુભમિતિ અને ઘડી આવે છે. જે સંવેદનાના ચરમને સ્પર્શે છે. પૂર્વ કાળમાં સમરાંગણે યુદ્ધ કરવા જતા વીર યોદ્ધાના અગ્ર મસ્તકે જેમ ટિળક કરીને વિજય પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ અને શુભેચ્છા આપવામાં આવતા હતા તે પ્રમાણે જ મુમુક્ષુ સંસારનો ત્યાગ કરી, કર્મ રાજાનો પરાભવ કરવા સંયમ સ્વીકાર કરવા જઈ રહ્યા છે. તેથી તે મુમુક્ષુને વિદાય ટિળક કરવામાં આવે છે અને તેનું સંયમ જીવન નિષ્કલંક, નિર્દોષ અને પ્રભુ આજ્ઞા સાપેક્ષ બને તેવી મંગલ કામના કરવામાં આવે છે

સંયમ સ્વીકાર કરવાની આ મંગલ વિધિ અંતર્ગત વિનય – બહુમાનની વૃદ્ધિ માટે ઉચ્ચ સ્થાને સ્થાપેલા શ્રી જિન પ્રતિમાને પ્રદક્ષિણા આપી તથા પૂજ્ય ગુરુ/ ગુરુણીના ચરણમાં વંદન કરી આશીર્વાદ લેવામાં આવે છે. ક્રમશઃ વિધિ અંતર્ગત મુમુક્ષુ કેશના મુંડન-લોચની આજ્ઞા પાર્થે છે. પોતાને પ્રજવલિત કરવાની ભાવના વ્યક્ત કરે છે અને આજ પર્યન્તની પરંપરાના શ્વેત – ધવલ વેશને પામવાની આજ્ઞા પાર્થે છે અને જયારે સંયમ જીવનના પ્રધાન પ્રતીક રૂપ, રજો હરણ-ઓઘો પામે છે ત્યારે છ ખંડનું સ્વાધ્યાય પ્રાપ્ત થયું હોય તેનાથી અધિક આનંદની લાગણીના પ્રતીક રૂપ નાચી ઉઠે છે. કોઈક પરિવારના નિવાસસ્થાને મર્યાદા યુક્ત અંતિમ સ્નાન કરી તથા કેશ લોચન કરી, ઉજ્વલ શ્વેત વસ્ત્રો ધારણ કરી પધારે છે. ત્યારે નીચી દ્રષ્ટિએ સર્વ જીવોના અભયની કામના કરતા, સર્વેના મિત્ર બની અતિ પાવન – શુદ્ધ જીવન સાધના – માર્ગે ડગ મૂકતા સંયમી સાધુ / સાધ્વીજીના દર્શન થાય છે. મન – વચન કાયાથી કોઇપણ જીવની હિંસા કરીશ નહીં, કરાવીશ નહીં અને કરનારની અનુમોદના કરીશ નહીં એવા પ્રથમ મહાવ્રતને તેઓ ગ્રહણ કરે છે. તત્પૃાત તૃતીય એવા મૃષાવાદ વિરમણ મહાવ્રત, દ્રિતીય અચૌર્ય, મહાવ્રત, ચતુર્થ બ્રહ્મચર્ય મહાવ્રત, પંચમ પરિગ્રહ ત્યાગ મહાવ્રત અને રાત્રિ ભોજન ત્યાગની પ્રતિજ્ઞા તેઓ ગ્રહણ કરે છે. પ્રાણાંતે પણ આ પાંચ મહાવ્રત અને રાત્રિ ભોજન ત્યાગના વ્રતનો સ્વીકાર કરનાર મુમુક્ષુ પ્રભુ મહાવીરની શ્રમણ પરંપરામાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. સંસારી સંબંધ અને નામનો પણ ત્યાગ કરી, સંયમ જીવનનું નામ દીક્ષાદાતા ગુરુ તેમને પ્રદાન કરે છે.

પ્રભુ વીરે પ્રસ્થાપિત કરેલી આ શ્રમણ પરંપરામાં આજ પર્યન્ત અનેક શ્રમણ શ્રમણીએ જ્ઞાન, ધ્યાન, તપ આદિના ક્ષેત્રોમાં ઉત્તમ સાધના કરી જગતમાં ઉચ્ચ આદર્શ પ્રસ્તુત કર્યો છે. ભૌતિક સાધનોની આ ભરમાર તથા ચોમેર છવાયેલા અશાંતિ, અરાજકતા આદિની મધ્યમાં જે પણ શાંતિ, સુખ અને પરમાર્થના દર્શન થાય છે તેમાં આ શ્રમણ સંસ્થાનું પ્રચંડ યોગદાન છે. આ પરંપરાને જીવંત રાખવા નાનો પણ પુરુષાર્થ કરીએ એ આ અધ્યાયનો સંદેશ છે.

[email protected]