ધર્મશાલામાં જોરદાર વરસાદનાં કારણે ભારત અને દ.આફ્રિકા વચ્ચેની મેચ રદ  - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ધર્મશાલામાં જોરદાર વરસાદનાં કારણે ભારત અને દ.આફ્રિકા વચ્ચેની મેચ રદ 

ધર્મશાલામાં જોરદાર વરસાદનાં કારણે ભારત અને દ.આફ્રિકા વચ્ચેની મેચ રદ 

 | 2:47 am IST

ધર્મશાલા :

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ધર્મશાલામાં રમાનારી પહેલી ટી-૨૦ મેચને ભારે વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. વેસ્ટ ઇન્ડિઝમાં ટી-૨૦, વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાં ભવ્ય જીત મેળવીને આવેલી ટીમ ઇન્ડિયા ઘરેલુ સિરીઝનો આરંભ કરવાની હતી, પણ વરસાદના કારણે ટોસ પણ થયો નહોતો. ટોસ સમયે પણ મેદાનમાં પાણી ભરાયેલું હતું. વરસાદ રોકાયા બાદ પાણી કાઢવાની કોશિશ થઈ હતી પણ ફરી વરસાદ થતાં મેદાન પરથી કવર હટાવાયાં નહોતાં. એકાદ કલાકની રાહ જોયા બાદ મેચને પડતી મૂકવામાં આવી હતી. હવે બુધવારે બીજી ટી-૨૦ ચંડીગઢમાં અને આવતા રવિવારે ત્રીજી ટી-૨૦ બેંગ્લુરૂમાં રમાશે. હિમાચલપ્રદેશ ક્રિકેટ અસોસિયેશનના મેદાનમાં પાણી કાઢવાની સંદર વ્યવસ્થા છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં વરસાદ અટક્યો હોત તો મેદાનમાંથી પાણીનો નિકાલ કરીને ટી-૨૦ મેચ રમી શકાઈ હોત. જોકે હવામાન ખાતાએ મેચના દિવસે ભારે વરસાદની આગાહી કરી હતી.

આ મેદાનમાં આ બીજી ટી-૨૦ મેચ હતી. ૨૦૧૫માં સાઉથ આફ્રિકા સામે આ પહેલી ટી-૨૦માં રોહિત શર્માની શાનદાર સદી છતાં ભારત એ મેચ ૭ વિકેટે હારી ગયું હતું.

ટી-૨૦ વર્લ્ડ કપની તૈયારીઃ નવા કોમ્બિનેશન ચકાસવા કુલદીપ-ચહલને ટીમમાં સ્થાન નહીં

ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ કહ્યું છે કે ટીમમાં જે બદલાવ કરવામાં આવ્યા છે એ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે જેથી ટીમ પાસે પર્યાપ્ત વિકલ્પ ઉપલબ્ધ થઈ શકે. સાઉથ આફ્રિકા સામેની ટી-૨૦ સિરીઝમાં યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડીને બહાર રાખવા પર સવાલ ઊભા કરવામાં આવે છે એ મુદ્દે કોહલીએ કહ્યું હતું કે આવી પ્રતિક્રિયા જ્યારે રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને બહાર કરીને કુલદીપ અને ચહલને લેવામાં આવ્યા ત્યારે પણ આવી હતી.

સાઉથ આફ્રિકા સામેની ટી-૨૦ મેચ પહેલાં મીડિયાને સંબોધતાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે આવતા વર્ષે ટી-૨૦ વર્લ્ડ કપ થવાનો છે. એના માટે ટીમ સર્વશ્રેષ્ઠ અને સંતુલિત હોય એનો પ્રયાસ થઈ રહ્યો છે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ફેરફાર કરાઈ રહ્યા છે. સુકાનીએ કહ્યું હતું કે અમને મોકો મળે ત્યારે અમે નવા લોકો સાથે નવા કોમ્બિનેશન અજમાવીએ છીએ.

અમે તેમની યોગ્યતા ચકાસવા, આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રદર્શનને જોવા અને તેમનું માનસિક સંતુલન ચકાસવાની પરીક્ષા લેતા હોઈએ છીએ. એક સુકાની તરીકે મારા માટે પણ એ સારી વાત છે કે અમે નવા ખેલાડીઓ સાથે નવા કોમ્બિનેશન તૈયાર કરીએ છીએ. અમે પણ આવી પ્રક્રિયા બાદ આવ્યા છીએ. હું જ્યારે આ નવા ચહેરા જોતો હોઉં છું ત્યારે મને પણ ખુશાલી થાય છે.  વિરાટ કોહલીએ કહ્યું હતું કે ટીમ ઇન્ડિયા અત્યારથી જ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ટી-૨૦ વર્લ્ડ કપ માટે રોડમેપ તૈયાર કરી રહી છે. અમે એ ખેલાડીઓને મોકો આપવા માગીએ છીએ જે ગત બે-ત્રણ વર્ષમાં ઘરેલુ ક્રિકેટમાં સારું રમે છે. ઘણી ટીમોમાં નવમા ક્રમાંકનો ખેલાડી પણ બેટિંગ કરતો હોય છે તો આપણે પણ એવું શા માટે ન કરી શકીએ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન