dhirubhai ambani super tycoon reliance founder who used to sell bhajias
  • Home
  • Featured
  • નાનકડી ઓફીસ અને 50 હજારથી ધંધાની શરૂઆત કરી જોતજોતામાં ધીરૂભાઈએ દુનિયાને દેખાડી દીધી ગુજરાતીની હિંમત !

નાનકડી ઓફીસ અને 50 હજારથી ધંધાની શરૂઆત કરી જોતજોતામાં ધીરૂભાઈએ દુનિયાને દેખાડી દીધી ગુજરાતીની હિંમત !

 | 1:05 pm IST

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખનારા ધીરૂભાઇ અંબાણી એવું કહેતા કે, મોટો વિચાર કરો, ઝડપથી વિચારો, આગળનું વિચારો, કલ્પના પર કોઈ એકનો અધિકાર નથી હોતો. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1932માં જૂનાગઢ જિલ્લામાં થયો હતો. તેમનું પૂરું નામ ધીરજલાલ હિરાચંદ અંબાણી હતું. આજે તેમનો બિઝનેસ તેમના બે પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સંભાળી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે એની શરૂઆત કેવી રીતે થઈ હતી અને કેટલી નામી ઉંમરમા થઈ હતી.

ધીરુભાઇ અંબાણીએ 50,000 રૂપિયા અને બે સહાયકો સાથે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. પોતાનો પહેલો ધંધો શરૂ કરવા ધીરુભાઈ પાસે 350 ચોરસ ફૂટનો એક જ ઓરડો હતો. જેમાં ટેબલ, ત્રણ ખુરશીઓ, બે સહયોગી અને એક ટેલિફોન હતો. ધીરુભાઇ અંબાણીએ 16 વર્ષની વયે 10મું ધોરણ પાસ કર્યું અને 17 વર્ષની વયે તેઓ પૈસા કમાવવા 1949માં યમનમાં તેમના ભાઇ રમણિકલાલ પાસે જતાં રહ્યાં. ત્યાં તેમણે ગેસ સ્ટેશન પર એટેન્ડન્ટ તરીકે દર મહિને 200 રૂપિયામાં કામ કર્યું. ઉલ્લેખનીય છે કે, આર્થિક મુશ્કેલીને કારણે તેણે નાની ઉંમરથી જ નાના નાના કામ કરવાનું શરૂ કરી દીધું હતું. થોડા વર્ષો પછી ભારત પાછા ફર્યા અને ગિરનારની તળેટીમાં ભજીયા વેચવાનું શરૂ કર્યું.

ધીરુભાઈ અંબાણીએ પોતાનો પહેલો બિઝનેસ 350 ચોરસ ફૂટના એક ઓરડાથી 50 હજારની મુડી સાથે શરૂ કર્યો હતો. જેમાં એક ટેબલ, ત્રણ ખુરશીઓ, એક ટેલિફોન અને બે સહાયક હતા. થોડા દિવસો સુધી બજારમાં અવલોકન કર્યું અને નજીકથી જોયું ત્યારપછી ધીરુભાઇ સમજી ગયા કે ભારતમાં પોલિએસ્ટરની માંગ સૌથી વધુ છે અને વિદેશમાં માગ છે ભારતીય મસાલાની. અહીંથી તેમને બિઝનેસનો વિચાર આવ્યો.

તેણે પોતાના મનમાં નક્કી કર્યું અને રિલાયન્સ કોમર્સ કોર્પોરેશન નામની એક કંપનીની શરૂ કરી. જેણે ભારતના મસાલાઓનું વેચાણ વિદેશમાં અને ભારતમાં પોલિસ્ટર વેચવાનું શરૂ કર્યું. વર્ષ 2000માં જ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા. ધીરુભાઇએ પછીથી તેમના બિઝનેસનો વિસ્તાર વધાર્યો. જેમાં તેમણે પેટ્રોકેમિકલ્સ, ટેલિકમ્યુનિકેન્સ, માહિતી, ટેકનોલોજી, ઉર્જા, પાવર, મૂડી બજારો, કાપડ ઉદ્યોગ વગેરેમાં તેમના વ્યવસાયો સ્થાપિત કર્યા.

નાના ઓરડામાંથી કરોડોની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉભી કરનાર ધીરુભાઇ અંબાણીએ 6 જુલાઈ 2002ના રોજ વિશ્વને અલવિદા કહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેનું મૃત્યુ થયું ત્યાં સુધીમાં રિલાયન્સ 62 હજાર કરોડની કંપની બની ગઈ હતી. ધીરુભાઇ અંબાણી વિશે એવું કહેવામાં આવે છે કે તેમને પાર્ટી કરવાનું બિલકુલ પસંદ નહોતું. તે દરરોજ સાંજ તેના પરિવાર સાથે વિતાવતા હતા. તેને વધારે મુસાફરી કરવાનું પણ ગમતું ન હતું. મોટાભાગે વિદેશની યાત્રા તે તેની કંપનીના અધિકારીઓ પર નાખી દેતા હતા. તે ત્યારે જ મુસાફરી કરતા જ્યારે તેને જવું ફરજિયાત બની જતું હતું.

ખ્યાતનામ અંગ્રેજી અખબારે એક લેખમાં લખ્યું હતું કે ધીરુભાઈ અંબાણી દરરોજ 10 કલાક જ કામ કરતા હતા. સામયિક અનુસાર ધીરુભાઈ કહેતા, જે કોઈ લોકો એમ કહે કે તે 12થી 16 કલાક કામ કરે છે. તે કાંતો ખોટું બોલે છે અથવા તો કામ કરવામાં ખૂબ જ ધીમો માણસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન