ધોરાજી : યુવકે Facebook પર પત્નીને કહ્યું, તલાક તલાક તલાક - Sandesh
  • Home
  • Gujarat
  • ધોરાજી : યુવકે Facebook પર પત્નીને કહ્યું, તલાક તલાક તલાક

ધોરાજી : યુવકે Facebook પર પત્નીને કહ્યું, તલાક તલાક તલાક

 | 5:45 pm IST

ધોરાજીમાં મુસ્લિમ યુવાને પોતાની પત્નીને ટ્રિપલ તલાક ફેસબુક પર આપી વાઇરલ કરતા સમગ્ર મુસ્લિમ સમાજમાં ચકચાર મચી છે. પત્નીએ આ તલાકને ગેરકાયદે ગણાવી કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

ધોરાજી શહેરના જૂનાગઢ રોડ પાસે રહેતા મુસ્લિમ યુવક રઈશ રફીક હુનાણીએ આજથી સાત વર્ષ પહેલાં શેરબાનુ ઇસ્માઇલભાઈ લાખાણી સાથે મુસ્લિમ સમાજના રિવાજ મુજબ નિકાહ કર્યાહતા. થોડા સમય બાદ તેમના દાંપત્ય જીવનમાં એક પુત્રનો જન્મ થયો હતો. પુત્રના જન્મ બાદ પતિ, સાસુ, સસરા, નણંદ દ્વારા શેરબાનુને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયુ હતુ. જેથી શેરબાનુ સાસરિયાના ત્રાસથી કંટાળીને પિયર રહેવા આવી ગઈ હતી. શેરબાનુ દ્વારા કોર્ટમાં ભરણપોષણનો કેસ દાખલ કરવામાં આવ્યો, જેમાં વડીલોના મધ્યસ્થીથી સમાધાન થતાં કોર્ટે દર મહિને 2500 રૂપિયા ભરણપોષણ શેરબાનુને આપવાનું મંજૂર કર્યું હતું. પરંતુ કોર્ટે નક્કી કરેલ રકમને રઈશે થોડા મહિના ચૂકવી હતી, જેના બાદ રૂપિયા આપવાનું બંધ કરી દીધું અને તેમાં પણ વડીલોની મધ્યસ્થીથી ફરી સમાધાન થયું હતું.

અંતે રઈશ હુલાણીએ છ દિવસ પહેલાં ફેસબુક પર ત્રણ તલાકનો મેસેજ લખીને વાઈરલ કર્યો હતો. જેને પગલે મુસ્લિમ સમાજમાં ભારે ચકચાર જાગી છે. ફેસબુક પર તલ્લાક આપવાની આ ઘટના કદાચ રાજ્યમાં પ્રથમ હોવાનું માનવામાં આવે છે અને ભોગ બનનાર શેરબાનુએ આ ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ગણાવી ધોરાજી કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પીડિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ટ્રિપલ તલાક કાયદાની તાત્કાલિક અમલવારીની માંગણી પણ કરી છે.