હીરાબોળ - Sandesh

હીરાબોળ

 | 1:16 am IST

આવો ઓળખીએ ષધ । વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની

આપણે ત્યાં સૂવાવડ પછી સ્ત્રીઓને ‘હીરાબોળ’ ખવડાવાય છે. આ રિવાજ શાસ્ત્રીય અને ઘણો જ વૈજ્ઞાનિક છે. હીરાબોળમાં પ્રજનન અંગોની શુદ્ધિ કરવાનો ગુણ છે. સાથે સાથે તે પ્રસૂતિ વખતે ઉત્પન્ન થયેલા દોષોને દૂર કરે છે. આ ષધીય ગુણોને કારણે જ પ્રસૂતિ પછી આપણે ત્યાં બોળના સેવનની પરિપાટી ચાલી આવે છે. આ વખતે આ હીરાબોળ વિશે આયુર્વેદની દૃષ્ટિએ થોડું જાણીએ.

ગુણકર્મ

આફ્રિકા, ઇરાન, અરબસ્તાન વગેરે આરબ દેશોમાં હીરાબોળનાં વૃક્ષો ખાસ થાય છે. ગૂગળની જેમ જ તેનાં વૃક્ષોના થડમાં ચીરો કરવાથી એક જાતનો ઘટ્ટ-ચીકણો ગુંદર નીકળે છે. જેને હીરાબોળ કહે છે. આયુર્વેદ પ્રમાણે જોઈએ તો હીરાબોળ સ્વાદમાં કડવો, તીખો અને તૂરો, ગરમ, મેધાવર્ધક, પાચક, ગર્ભાશયને શુદ્ધ કરનાર, માસિક સાફ લાવનાર, રક્તશોધક અને જઠરાગ્નિવર્ધક છે. તે કબજિયાત, આફરો, મંદાગ્નિ, કષ્ટાર્તવ, માસિકનો અટકાવ, ચામડીના રોગો, લોહીના ઝાડા વગેરેને મટાડનાર છે.

ઉપયોગ

  • જે સ્ત્રીઓને કમર દુખતી હોય તેમના માટે હીરાબોળ ઉમદા ષધ છે. હીરાબોળ અને ગૂગળ બંને સરખા વજને લાવી તેમની ચણાના દાણા જેવડી ગોળીઓ બનાવી લેવી. થોડા દિવસ સવાર-સાંજ એક એક ગોળી લેવાથી કમરના દુખાવામાં ફાયદો થાય છે.
  • માસિક સંબંધી વિકૃતિઓમાં પણ હીરાબોળ ઉત્તમ છે. હીરાબોળ, ગૂગળ, હીરાકસી અને એળિયો સરખા વજને લાવી, ખાંડીને તેમની નાની-નાની ગોળીઓ વાળી લેવી. સવારે, બપોરે અને રાત્રે એક-એક ગોળી પાણી સાથે લેવાથી માસિક-રજોદર્શન સાફ આવે છે તેમજ અટકાવ અને દુખાવામાં રાહત થાય છે.
  • મુખ અને દાંતના રોગોમાં પણ હીરાબોળ ઉપયોગી ષધ છે. બોળનું ચૂર્ણ ગુલાબના અર્કમાં મેળવીને તેના કોગળા કરવાથી મુખપાક, મોઢાના ચાંદા, મસૂડાના રોગો વગેરે મટે છે. પોલી દાઢમાં બોળનું ચૂર્ણ ભરી દેવાથી દાઢનો દુખાવો મટે છે.
  • દુર્ગંધી, ઘાટો કફ પડતો હોય તેમના માટે હીરાબોળ સારી દવા છે. એક ચપટી જેટલું હીરાબોળનું ચૂર્ણ ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ વાર લેવાથી કફ સરળતાથી બહાર આવે છે અને દુર્ગંધ દૂર થાય છે.
  • હીરાબોળ અનેક રોગોને મટાડનાર ષધ છે. તે શ્વેતકણોને વધારે છે તથા એન્ટિસેપ્ટિક છે. હીરાબોળનું ચૂર્ણ જખમ પર લગાવવાથી રક્તસ્રાવ બંધ થઈ જખમ રુઝાય છે તેમજ તેમાં પાક થતો નથી.