Diamond Princess Cruise Crew Member Appeal To PM Modi For Help
  • Home
  • Corona live
  • કોરોનાનો ભય : ક્રુઝ પર ફસાયેલા ભારતીયોની કાકલૂદી – PM મોદી પ્લીઝ, અમને બચાવી લો…

કોરોનાનો ભય : ક્રુઝ પર ફસાયેલા ભારતીયોની કાકલૂદી – PM મોદી પ્લીઝ, અમને બચાવી લો…

 | 10:07 pm IST

કોરોના વાયરસથી ચીનમાં અત્યાર સુધીમાં 900 લોકો મોતના ખપ્પરમાં હોમાઈ ગયા છે. ભારતમાં પણ આ બિમારીથી બચવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ચીન, જાપાન, સિંગાપુરથી ભારત આવનારા મુસાફરો માટે અલગથી વોર્ડ બનાવવામાં આવ્યો છે. ભારત સરકારે ચીનમાં વસતા મોટા ભાગના ભારતીયોને સુરક્ષીત રીતે બચાવી લીધા છે. પરંતુ જાપાનના યોકોહામા બંદર પર એક લક્ઝરીયસ ક્રૂઝ લાઈનરના ચાલક દળના સભ્યો ભારે પરેશાન છે.

આ જહાજમાં અનેક લોકો કોરોના વાયરસથી પીડિત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ડાયમંડ પ્રિન્સેસ નામના આ ક્રુઝ લાઈનરમા કેપ્ટને જાહેરાત કરી છે વધુ 66 લોકો કોરોના વાયરસથી પીડિત હોવાની પુષ્ટિ થઈ છે. એક દિવસ પહેલા જહાંજમાં 71 લોકો પીડિત હતાં. આમ હવે કુલ મળીને 137 લોકો કોરોના વાયરસનો શિકાર બન્યા છે.

કોરોના વાયરસના ચેપ વચ્ચે જાપાનના ‘ડાયમંડ પ્રિન્સેસ લક્ઝરી ક્રૂઝ પર ફસાયેલા ભારતીયોએ વીડિયો સંદેશ મોકલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માટે વિનંતી કરી છે. ક્રુઝના ક્રૂ મેમ્બર ટીમમાં શેફની જવાબદારી સંભાળી રહેલા બિનય કુમારે સરકારને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરતા વીડિયો સંદેશમાં કહ્યું કે, તે ખુબ ડરેલા છે અને જલદીમાં જલદી તેમને કાઢવાની વ્યવસ્થા કરવામાં આવે.

ક્રૂ મેમ્બર વીડિયોમાં કહી રહ્યો છે, અમે ખુબ ડરેલા છીએ. જલદીથી જલદી અમારી મદદ કરવામાં આવે. આ સમયે ક્રૂઝ પર 3200 લોકો છે, જેમાં માત્ર 500 લોકોના સેમ્પલની તપાસ થઈ છે. અમારામાંથી કોઈ સેમ્પલની તપાસ કરવામાં આવી નથી.

વીડિયોમાં જોઈ શકાય છે કે બિનયની આસપાસ કેટલાક લોકો ઉભેલા છે, જેણે માસ્ક પહેરેલા છે. તે કહી રહ્યાં છે કે તેને ક્રૂઝ પર રહેલા લોકોથી અલગ કરી દેવામાં આવે અને તેને પોત-પોતાના ઘર સુધી પહોંચાડવામાં આવે.

બિનય કહી રહ્યો છે, ક્રૂઝ પર 162 ક્રૂ મેમ્બર છે. કેટલાક ભારતીય યાત્રી પણ છે. હાલ 90 ટકા લોકોને આ ચેપ નથી. પણ હું ખાસ કરીને મોદીજીને કહેવા માંગુ છું કે, પ્લીઝ જટલું જલદી બની શકે અમને અહીંથી કાઢવાનો પ્રયત્ન કરે. જો જાપાન સરકાર તરફથી તેની મદદ ન થઈ શકે તો ભારત સરકાર અને સંયુક્ત રાષ્ટ્ર તેની મદદ માટે આગળ આવે. જો ચેપ ફેલાય ગયો તો બાદમાં મદદથી કોઈ ફાયદો રહેશે નહીં.

યોકોહામાથી ચાલેલા આ જહાજમાંથી 25 જાન્યુઆરીએ હોંગકોંગમાં એક યાત્રી ઉતર્યો હતો, જેની તપાસમાં જાણવા મળ્યું કે, તેને કોરોનાનો ચેપ છે. સ્થાનીક મીડિયા પ્રમાણે ક્રૂઝ પર રહેલા 130 લોકોને કોરોનાનો ચેપ લાગી ચુક્યો છે, જેમાં 66 નવા મામલા છે.

વિદેશ મંત્રીએ આપી ખાતરી

વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે, ક્રૂઝમાં રહેલા ભારતીયોને કાઢવા માટે ભારતીય દૂતાવાસ સતત પ્રયાસ કરી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ : સુપ્રીમ કોર્ટે SC/ST સંશોધન એક્ટને મંજૂરી આપી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન