રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં રાશનમાંથી નિકળ્યો મરેલો ઉંદર - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં રાશનમાંથી નિકળ્યો મરેલો ઉંદર

રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં રાશનમાંથી નિકળ્યો મરેલો ઉંદર

 | 4:37 pm IST

રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં ચોખા અને અન્ય ખાદ્ય પદાર્થમાંથી મરેલો ઉંદર નિકળતા હોબાળો મચી જવા પામ્યો હતો.  સસ્તા અનાજની દુકાનેથી વિતરણ કરાતા અનાજમાં ધનેડા અને ઉંદર હોવા અંગે સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. આ અંગે જાણ થતાં કોંગ્રેસના કાર્યકરો ધસી આવ્યા હતા. તેમની હાજરીમાં જ અનાજમાં તોલમાપ દરમિયાન ચોખામાં મરેલો ઉંદર મળી આવતા, તેમણે પણ હોબાળો  મચાવી દીધો હતો. ખોડાભાઈ સાગઠિયા નામના પરવાનેદારની દુકાનમાંથી રાશનમાં લોકોને ગુણવત્તાયુક્ત રાશન ન મળતું હોવાની ફરિયાદ કરી હતી.

રાજકોટના ઘાંચીવાડ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ કરાતા અનાજમાં ધનેડા અને ઉંદર હોવા અંગે સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. દરમિયાન કોંગ્રેસે હલ્લાબોલ કર્યું હતું. તેમની હાજરીમાં જ ચોખામાંથી મરેલો ઉંદર મળી આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

કોંગ્રેસે આ મામલે તપાસ કરીને દુકાનને સીલ મારવાની માંગણી કરી હતી. કોંગ્રેસ કાર્યકરો જિલ્લા કલેક્ટરની કચેરીએ ધસી ગયા હતા. જીલ્લા કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ અગ્રણીઓએ પહોંચીને કલેક્ટરના ટેબલ ઉપર મરેલા ઉંદર સાથે ચોખાના કોથળાને ઠાલવી નાખ્યો હતો. કોંગ્રેસ દ્વારા સસ્તા અનાજમાં ચાલતી ગોબાચારી અને લોલમલોલ અંગે આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથેજ સસ્તા અનાજ મામલે ચાલતી લાલિયા વાડી અંગે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી, રણજીત મુંધવા સહિતના કાર્યકરોએ હોબાળો મચાવીને રજૂઆત કરી હતી.

આજે સસ્તા અનાજ ની દુકાન માંથી જે રીતે મરેલો ઉંદર નીકળતા કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી હતી અને કોંગ્રેસે એવી પણ ચીમકી ઉચ્ચારી છેકે આગામી દિવસોમાં જો ગરીબો સાથે આવા ચેળા કરવામાં આવશે તો મુખ્યમંત્રીને પ્રવેશ બંધી પણ કરતા અચકાશે નહિ.  જુઓ Pics..