આ માસુમ બાળકીની આંખો જોઈ તમે પણ વિચારમાં પડી જશો - Sandesh
  • Home
  • Gujarat
  • આ માસુમ બાળકીની આંખો જોઈ તમે પણ વિચારમાં પડી જશો

આ માસુમ બાળકીની આંખો જોઈ તમે પણ વિચારમાં પડી જશો

 | 2:02 pm IST

કુદરત જયારે તેની કરામત બતાવે છે ત્યારે તેની સામે વિજ્ઞાન પણ પાણી ભરતું થઇ જાય છે. આવી કરામતોની બરાબરી કોઈ કરી નથી શકતું. આવી જ કુદરતનો અનોખો કરિશ્મા જોવા મળ્યો છે મહેસાણામાં. જ્યાં એક બાળકીની બંને આંખોનો રંગ અલગ-અલગ છે. બાળકીને મળેલી આ અનોખી ભેટને જોતા જ સૌ કોઈ અચરજ પામી જાય છે. બાળકીની એક આંખ વાદળી તો બીજી કાળી છે. છતાં તેને આંખમાં કોઈ તકલીફ થતી નથી.

આ કિસ્સો મહેસાણાના દેદિયાસણ ગામમાં રહેતા મોહંમદ આરીફની ચાર વર્ષની પુત્રી ફાતિમાનો છે. ફાતિમા જન્મથી જ અલગ-અલગ કલરની આંખો ધરાવે છે. એટલે કે એક આંખ કાળી તો બીજી વાદળી છે. ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા મહમદ આરીફ અત્યારે તેમની પુત્રીની આ ખાસિયતને કારણે ફેમસ થઇ ગયા છે.

ફાતિમાનો જન્મ થયો ત્યારે સૌ કોઇ ચોકી ઉઠ્યા હતા. કારણ કે, ફાતિમાની બંન્ને આંખોનો રંગ અલગ-અલગ હતો. શરૂઆતમાં તો ખાસ કોઇ ફરક ન લાગ્યો. પરંતુ એક વર્ષ થતાં જ બંન્ને આંખોના રંગ સ્પષ્ટ વાદળી અને કાળો દેખાવા લાગ્યા. મોહંમદ આરીફના પરિવારમાં કે તેમની પત્ની અફસાનાના પરિવારમાં પેઢીઓ સુધી કોઇની આંખો આવી નથી. આજકાલ લોકો આંખોને વિવિધ કલરના લેન્સ કરાવવા લાખો ખર્ચી નાખતા હોય છે, તો ફાતિમાને કુદરતી રીતે જ અલગ અલગ કલરના લેન્સ મળ્યાં છે. તેના પરિવાર માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી.

ફાતિમાની આંખોને કુદરતની બેનમૂન અજાયબી કહેવુ ખોટુ નથી. અમેરિકાની પ્રખ્યાત મોડલ સારા મેકડેનિયલ પણ પોતાની બંન્ને અલગ-અલગ આંખોથી વલ્ડ ફેમસ બની ગઇ છે. ત્યારે ફાતિમા પણ નાનકડા દેદિયાસણ ગામમાં સેલીબ્રેટી બની ચૂકી છે. આજે સૌ કોઇ તેની એક ઝલક માટે ઉત્સુક હોય છે.

મહેસાણાના ખ્યાતનામ આંખોના સર્જન ડો. સુનિલ શાહે જણાવ્યું કે, આવા પ્રકારના કિસ્સા હજારોમાં એકાદ જોવા મળતા હોય છે. આ રીતની આંખો ધરાવતા વ્યક્તિઓના વિઝનમાં કોઈ જ તકલીફ આવતી નથી. તેઓ સામાન્ય વ્યકિઓની જેમ જ સારી રીતે જોઈ શકે છે. આવું જ્યારે બંને આંખમાં અલગ-અલગ કીકી હોય એકની અંદર પ્રિગમેન્ટ પ્રેજેન્ટ હોય અને બીજામાં પ્રેઝન્ટ ના હોય ત્યારે એક કિકી કાળી અને એક કિકી બ્લ્યુ દેખાય છે. જેને હેટ્રોક્રોમીઆ આઇરીડમ કહેવાય છે.