શ્રાવણ માસમાં આ પ્રકારના શિવલિંગની આરાધના કરવાથી થશે અઢળક ધનલાભ - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણ માસમાં આ પ્રકારના શિવલિંગની આરાધના કરવાથી થશે અઢળક ધનલાભ

શ્રાવણ માસમાં આ પ્રકારના શિવલિંગની આરાધના કરવાથી થશે અઢળક ધનલાભ

 | 11:09 am IST

શિવ આરાધનાના પવિત્ર અવસર શ્રાવણ માસને લઇને શિવભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના શિવાલયોમાં વિવિધ પ્રકારની પૂજા સાથે જ ધાર્મિક કાર્યક્રમોનો દોર જોવા મળી રહ્યો છે. શિવાલયોમાં ધાર્મિક મહાત્મ્ય, વાયકા પ્રમાણે શિવલિંગની પૂજા-અર્ચના થઇ રહી છે. જોકે, જુદા જુદા પ્રકારની શિવપૂજા પૈકી સુખપ્રાપ્તિ માટે ઘરમાં જ દહીં શિવલિંગની પૂજા ફળદાયી નીવડી શકે એમ છે. ઘરમાં જ શિવલિંગ બનાવી પૂજા-અભિષેક કરવાથી ભોલેનાથના આશીર્વાદ મેળવી શકાય છે.

સામાન્યપણે શિવ આરાધનામાં શિવલિંગનું ભારે મહાત્ય્મ હોય છે. ભારત દેશમાં જુદા જુદા શિવાલયોમાં આકાર, કદ પ્રમાણે જુદા જુદા શિવલિંગ અને તેનું મહાત્મ્ય જોવા મળે છે. પવિત્ર શ્રાવણ માસમાં ઘણા ભક્તો જાણીતા શિવાલયોમાં જઇને શિવલિંગનો દૂધ, દહીં, તરોપાથી અભિષેક કરીને શિવજીને રિઝવવાનો પ્રયાસ કરે છે. જોકે, શિવાલયોમાં જ નહીં, પરંતુ ઘરમાં જ શિવલિંગ બનાવી તેની પૂજા-અભિષેકથી શિવજીને મોહી શકાય છે. શાસ્ત્રોમાં પણ વિવિધ પ્રકાર, વિવિધ જાતની સામગ્રીમાંથી બનતા શિવલિંગનું મહાત્મ્ય આંકવામાં આવ્યું છે. તેમાં ઘરે દહીં શિવલિંગની પૂજા સુખપ્રાપ્તિ માટે ફળદાયી નીવડી શકે છે. જ્યારે હવન, યજ્ઞાની ભસ્મમાંથી બનતા શિવલિંગની પૂજાથી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.

ધાર્મિક ક્રિયા, જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગંધ શિવલિંગ એટલે કે 2 ભાગ કસ્તૂરી, 4 ભાગ ચંદન, 4 ભાગ અષ્ટગંધા મેળવીને બનતા શિવલિંગની પૂજા કરવાથી જીવનમાં સુગંધ ભળે છે. સાકર શિવલિંગથી રોગોથી મુક્તિ મળે છે. ફૂલોના શિવલિંગથી નવા મકાન, ઘરની પ્રાપ્તિ થાય છે. જવ, ઘઉં, ચોખાના લોટના સમભાગથી બનતા શિવલિંગથી સંતાનપ્રાપ્તિ થાય છે. વાંસ શિવલિંગથી વંશવૃદ્ધિ થાય છે. ગોળ શિવલિંગથી ખેતીમાં સારી ઉપજ, માન-સમ્માન, પદ પ્રાપ્તિ થાય છે. આમળા શિવલિંગથી મોક્ષપ્રાપ્તિ મળે છે. કપૂર શિવલિંગથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. દૂર્વા શિવલિંગથી અકાલ મૃત્યુથી મુક્તિ મળે છે. સ્ફટિક શિવલિંગથી કામનાઓની સિદ્ધિ થાય છે. મોતી શિવલિંગથી માનસિક શાંતિ, સૌભાગ્યશાળી સ્ત્રી મળે છે. આ સિવાય પણ અનેક જાતના શિવલિંગથી ભોલેનાથની આરાધના થઇ શકે છે.

મગના શિવલિંગથી વ્યાપારમાં પ્રગતિ થાય છે
ઘરમાં થતી શિવલિંગની આરાધનામાં સ્વર્ણ શિવલિંગથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. લસણ શિવલિંગથી શત્રુ નષ્ટ થાય છે. ફળ શિવલિંગથી ઉત્તમ ફળોની પ્રાપ્તિ થાય છે. સૂંઢ, કાળા મરી, મીઠું, પીપળા જેવા વશીકરણ શિવલિંગથી વશીકરણની શક્તિ પ્રાપ્ત થાય છે. પીપળાના શિવલિંગથી જીવનમાં દરિદ્રતા આવતી નથી. મગના શિવલિંગથી વ્યાપારમાં ઉત્તમ પ્રગતિ થાય છે. ચણાની દાળના શિવલિંગથી પદ, પ્રતિષ્ઠા, નોકરીમાં વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મસૂર શિવલિંગથી સંઘર્ષ, હિંમત, શક્તિ પ્રાપ્ત થાય છે. અડદ શિવલિંગથી ન્યાયનીતિ, સંઘર્ષ, પરોપકારી ભાવના પ્રાપ્ત થાય છે.