બાંગ્લાદેશી ઘૂસણખોરો મામલે ભાજપ અને સરકારના અલગ અલગ સૂર - Sandesh
  • Home
  • Featured
  • બાંગ્લાદેશી ઘૂસણખોરો મામલે ભાજપ અને સરકારના અલગ અલગ સૂર

બાંગ્લાદેશી ઘૂસણખોરો મામલે ભાજપ અને સરકારના અલગ અલગ સૂર

 | 5:48 pm IST

આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનમાં સ્થાન નહીં મેળવી શકનારાઓ મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકાર અલગ અલગ સૂરમાં વાતો કરી રહ્યા છે. તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, આસામમાં ગેરકાયેદસર ઘૂસણખોરોને દેશમાંથી હાંકી મૂકવામાં આવશે પરંતુ સરકાર અલગ સૂર રેલાવી રહી છે. થોડા મહિના અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે બાંગ્લાદેશની નેતાગીરીને સંદેશ પાઠવ્યો હતો કે, એનઆરસીમાં સામેલ ન કરાયાં હોય તેવાં લોકોને બાંગ્લાદેશમાં દેશનિકાલ કરાશે નહીં. હવે બાંગ્લાદેશના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંગત રીતે બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાને આશ્વાસન આપ્યું છે કે, એનઆરસીમાંથી બાકાત રહી ગયેલાં લોકોને બાંગ્લાદેશમાં હાંકી કઢાશે નહીં.

બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાના રાજકીય સલાહકાર એચ. ટી. ઈમામે જણાવવ્યું હતું કે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમારાં વડાં પ્રધાન શેખ હસીનાને અંગત રીતે આશ્વાસન આપ્યું છે કે, એનઆરસીમાંથી બાકાત રહેલાં લોકોને બાંગ્લાદેશમાં દેશનિકાલ કરાશે નહીં. ભારત તરફથી અમને વારંવાર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે ૨૦૧૮ના અંતે સંસદની ચૂંટણી યોજાવાની છે ત્યારે બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા પેદા થાય તેવું દેશનિકાલનું પગલું લેવાશે નહીં.

ઈમામે જણાવ્યું હતું કે, ઢાકા ખાતેના ભારતીય હાઇકમિશનર હર્ષવર્ધન શ્રિંગલાએ અમને વારંવાર જણાવ્યું છે કે આ પ્રકારની કોઈ કવાયત અંગે બાંગ્લાદેશે ચિંતા કરવાની જરૃર નથી. આ ભારતનો આંતરિક મામલો છે.

ત્રિપુરામાં એનઆરસીના અમલનો કોઈ નિર્ણય લેવાયો નથી: સરકાર

કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, ત્રિપુરામાં એનઆરસી સુધારવાના મામલામાં કોઈ નિર્ણય લેવાયો નથી. ગુરુવારે આઈએનપીટીનું એક પ્રતિનિધિમંડળ ગૃહમંત્રી રાજનાથસિંહને મળ્યું હતું, જોકે રાજનાથસિંહ દ્વારા તેમને ત્રિપુરામાં એનઆરસીના અમલ અંગે કોઈ આશ્વાસન અપાયું નથી. ત્રિપુરામાં એનઆરસીના અમલ અંગે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી.