ભિન્ન ભિન્ન ડિઝાઇનવાળા પ્રધાનો ભારતનું ગૌરવ છે! - Sandesh
  • Home
  • Columnist
  • ભિન્ન ભિન્ન ડિઝાઇનવાળા પ્રધાનો ભારતનું ગૌરવ છે!

ભિન્ન ભિન્ન ડિઝાઇનવાળા પ્રધાનો ભારતનું ગૌરવ છે!

 | 2:44 am IST

રોંગ નંબર : હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

આજની ટેક્નોક્રેટ પેઢીને કદાચ એ વાતની ખબર નહીં હોય કે એક જમાનામાં આપણો દેશ ખેતીપ્રધાન દેશ કહેવાતો’તો! એ જ દેશ આજે ‘પ્રધાન’ પ્રધાન દેશ કહેવાય છે. બારે મહિના પ્રધાનોથી હર્યાભર્યો આપણો દેશ છે. પૂરા દેશમાં, કેટલા બધા પ્રધાનો, પછી એ નાના હોય કે મોટા હોય (અહીં ‘નાના’ કે ‘મોટા’ એ શબ્દોને હિન્દી ભાષાના અર્થમાં કે સંદર્ભમાં પણ સમજવાની પૂરી સ્વતંત્રતા છે.) કેન્દ્રના કે રાજ્યના કેબિનેટ કાસ્ટના કે રાજ્યકક્ષા કાસ્ટના, કે પછી ભૂતપૂર્વ કે આજના (અભૂતપૂર્વ) પ્રધાનો આજે આપણને ચારેબાજુ પથરાયેલા જોવા મળે છે. ભારત એક વિશાળ ખેતર છે અને એમાં પ્રધાનોની બારમાસી ફસલ લહેરાતી રહે છે એ ભારતીય લોકશાહીની વિશાળતા અને મહાનતાની ઓળખ છે. તમે જ્યાં નજર કરશો કોઈને કોઈ પ્રધાન તમને જોવા મળશે. આંખોનું સુખ હોવાનું ગૌરવ તમે ત્યારે જ અનુભવશો કે જ્યારે તમે એકસાથે પાંચ-પાંચ કે દસ-દસ પ્રધાનોને એક મંચ પર પ્રવચન કરતા સાંભળી રહ્યા હો કે પછી મંચની પાછળ લંચ લેતા જોઈ રહ્યા હો! આવું પાવન દૃશ્ય તમને જોવા-માણવા મળે ત્યારે ભગવાનનો આભાર માનવો જોઈએ કે એણે આપણને આંખ-કાન આપીને અને આપ્યા પછી પણ એક્ટિવ રાખીને કેટલો મોટો ઉપકાર કર્યો છે!  એક આમ આદમી જ્યારે દેશના નાગરિકનો રોલ ભજવતો હોય છે ત્યારે, પોતાના જીવનકાળ દરમિયાન એને કેવા કેવા અને કેટકેટલા પ્રધાનો જોવાનું નયનસુખ મળતું રહે છે! દેશમાં કેટલાં બધાં નાગરિકો અને કેટલી બધી ખુરશીઓ છે, પણ એમાં નસીબદાર નાગરિકો જ પ્રધાન બનીને એ ખુરશી સાથે વિવાહ કરતા હોય છે. ખુરશીવિવાહ કંઈ બધા નેતાના નસીબમાં નથી હોતો. કેટકેટલું દહેજ કે કરિયાવર આપવો પડે છે ત્યારે માંડ એ ખુરશીનું પાણિગ્રહણ થઈ શકતું હોય છે. કેટલાક નેતાઓ તો ખુરશીવિવાહને જ પોતાની જિંદગીનો એકમાત્ર ર્ખ્તટ્વઙ્મ માનતા હોય છે. જાણે કે પ્રધાન બનવા માટે જ પોતાનો જન્મ થયો છે એવી ઘોર માન્યતા પણ આવા ખુરશીપંથી નેતાઓ ધરાવતા હોય છે. કેટલાક નેતાઓને સમાજસેવા કરવી છે માટે પ્રધાન બનવાનું વિચારે છે. કેટલાક નેતાઓ કેશભક્તિ માટે તો કેટલાક વળી એશભક્તિ માટે જ પ્રધાન બનવાનો સંકલ્પ કરતા હોય છે. અમુક જ નેતા દેશભક્તિ માટે પ્રધાન બનવાનું સાહસ કરતા હોય છે. રાજકારણીની એક અદા હોય છે. તમે કોઈપણ નેતાની ચાલ જો જો, તમને લાગશે કે શું ચાલ ચાલે છે! નેતા કે પ્રધાન બન્યા પછીનો એમનો પહેરવેશ જો જો… રેડીમેડ ગાર્મેન્ટના શો-રૂમ કે વિશાળ મોલમાં જેન્ટસવેરથી સજાવીને ગોઠવેલાં પૂતળાંમાંથી એકાદ પૂતળું બહાર આવીને રસ્તા પર, મંચ પર કે હોલમાં ફરતું ન હોય! તમે દૂરથી પણ એના ખાસ પ્રકારના હાવભાવ કે બોડી લેંગ્વેજ જોઈને જ કહી શકો કે એ વ્યક્તિ કોઈ રોબોટ નહીં, પણ પ્રધાન છે, જોકે કેટલાક તો પ્રધાન નહીં બની શક્યા હોવા છતાં પણ પ્રધાન જેવા, ક્યારેક તો સવાયા પ્રધાન જેવા લાગતા હોય છે. પોલિટિક્લ સાયકોલોજી એવું કહે છે કે ઘણીવાર તૃપ્ત ઇચ્છાઓ કરતાં અતૃપ્ત ઇચ્છાઓ વધારે વાચાળ હોય છે.

પ્રધાન હોવું અને પ્રધાન બન્યા વગર પણ, પ્રધાન જેવા દેખાવું એ બેમાં ફરક છે. પ્રધાન હોવું એ અસામાન્ય કહેવાય એવી સામાન્ય બાબત છે, જ્યારે પ્રધાન જેવા દેખાવું એ સામાન્ય કહેવાય એવી અસામાન્ય બાબત છે. પહેલામાં આર્ટ છે, બીજામાં ફાઇન આર્ટ છે. આજે આર્ટ કરતાં ફાઇન આર્ટની વધારે પ્રતિષ્ઠા જોવા મળે છે. પ્રધાન બનવાની આર્ટ અને પ્રધાન બન્યા વગર પણ, પ્રધાન જેવા દેખાવાની ફાઇન આર્ટ બધાનાં નસીબમાં નથી હોતી. કેટલાક રાજકીય પંડિતો એવા વૈચારિક ગ્રહણથી પીડાતા હોવાથી એવું કહેતા હોય છે કે પ્રધાન બનવા માટે કશીક યોગ્યતા કે લાયકાત હોવી જરૂરી છે. આ એમનો વહેમ છે. ફક્ત યોગ્ય હોવાથી કે લાયક બનવાથી કોઈ પ્રધાન નથી બની જતું. મનુષ્યમાં બત્રીસ લક્ષણો હોય, પણ પ્રધાન તેત્રીસ લક્ષણોનો કહેવાય! પ્રધાન બનવા માટે તેત્રીસમું લક્ષણ અને પાંસઠમી કલા હોવી જરૂરી છે.

મોટાભાગના લોકોને એવું લાગે છે કે એમના રાજ્યમાં સૌથી વધારે ચાલાક પ્રધાનો છે. પણ ખરેખર એવું નથી. બીજાં રાજ્યોને પણ આ ગૌરવ આપણે આપવું જોઈએ. જોકે ચાલાકપણું બે પ્રકારનું હોય છે. (એક સ્પષ્ટતા : કેટલાક નારીવાદી લોકો આવા ચાલાકપણાને ‘ચાલાકી’ નામે પણ ઓળખે છે. આ અર્થમાં ચાલાકી બે પ્રકારની હોય છે.) પહેલો પ્રકાર છે પ્રગટ ચાલાકી અને બીજો પ્રકાર છે અપ્રગટ ચાલાકી. જે પ્રધાનો ખરેખર કામ કરે છે એમની ચાલાકી દેખાઈ આવે છે, અને જે પ્રધાનો કામ કરવાનો એજન્ડા બનાવવાના કામ સિવાય બીજું એકપણ કામ કરતા નથી એમની ચાલાકી ખુલ્લી પડતાં બચી જાય છે. દેખાતી ચાલાકી એટલી ઘાતક નથી હોતી, જેટલી નહીં દેખાતી ચાલાકી ઘાતક હોય છે. કદાચ આ જ કારણે મોટા ભાગના પ્રધાનો પોતાનાં કામ જે તે અધિકારીઓ પાસે કરાવવાના અધિકારનું ચુસ્તપણે પાલન કરતા હોય છે. કામ કરીએ તો છાંટા ઊડે ને? આવું વિચારીને કેટલાક નેતાઓ પ્રધાન બન્યા પછી પણ કામ કરવાનું ટાળતા હોય છે. ખરેખર, ક્યારેક તો એવું લાગે છે કે આપણો દેશ બુદ્ધિજીવી નેતાઓનો દેશ છે!

રાજનેતાઓનું પણ એક કુળ હોય છે, જેનું નામ છે ‘અનુકૂળ.’ એમનું એ કુળ ભલે એક હોય, પણ મોટા ભાગના પ્રધાનો અલગ અલગ ડિઝાઇન અને અલગ અલગ મટીરિયલનાં હોય છે. કેટલાક પ્રધાનોને યાદ દેવડાવું પડે કે સાહેબ, હવે તમે પ્રધાન બન્યા છો, તમારા મોઢે હવે આવી વાતો શોભે નહીં. (જોકે ‘આવી વાત’માં ઘણી બધી વાત આવી જાય છે એટલે એની ચોખવટ કરવાની જરૂર નથી.) કેટલાક પ્રધાનો તો ‘ઉદ્ઘાટન મારો પ્રધાનસિદ્ધ અધિકાર છે’ એમ સમજી પાંચ વરસ સુધી રોજના ડઝનના ભાવે ઉદ્ઘાટનો જ કરતા રહેતા હોય છે. કોઈ સંસ્થાનો ઓપનિંગ સેરિમની હોય કે ક્લોઝિંગ સેરીમની હોય મતલબ કે શટરિયાં પાડવાનો અવસર હોય, એ ખુશી ખુશી પહોંચી જાય છે. કોઈના લગ્નનું રિસેપ્શન હોય કે ડિવોર્સનો પ્રસંગ હોય કોઈ બાળકના જન્મ સમયે પારણું ઝુલાવવાનું હોય કે પછી સ્મશાન ઘાટે તકતી મુકાવાની હોય એ પ્રધાન ખુલ્લા દિલે પહોંચી જાય છે. એમને કઈપણ પ્રકારનો ભેદભાવ નથી. એ ‘સર્વકર્મ સમાન’માં માને છે.  તમે નાના-મોટા કે શુભ-અશુભ પ્રસંગે એમને જુઓ તો કાતર એમને હાથવગી જ હોય! એક પ્રધાને તો આપણા દેશમાં ઉદ્ઘાટનોનો અવિરત વિકાસ થતો જોઈને યુદ્ધના ધોરણે કાતર બનાવવાની કંપની જ ઊભી કરી દીધી. દેશમાં કાતરની શોર્ટેજ ઊભી ન થાય એટલી કાળજી અને એટલો સ્ટોક રાખી, બાકીની કાતરોની નિકાસ કરવાનું પણ શરૂ કરી દીધું. આને કહેવાય કામ કરતા પ્રધાનો. કેટલાક પ્રધાનો, પ્રધાનો ઓછા અને ઉપદેશકો વધારે હોય એ રીતે જ્યાં, જ્યારે, જેવી તક મળી ત્યાં, ત્યારે તેવી ઉપદેશવાણી નોન-સ્ટોપ આપતા રહે છે. દેશપાંડે નામના એક નેતાને આવી, જનતાને ઉપદેશ આપવાની, ભયાનક ટેવ પડી હોવાને કારણે એમના જ ભક્તો એમને ઉપદેશ પાંડે તરીકે પણ ઓળખાવે છે. જોકે આ વાતે એમને સહેજપણ ખોટું કે ખરાબ નથી લાગતું એ એમની ઉદારતા છે.

અમુક પ્રધાનો પોતે ટેન્શન લેવામાં કે જનતાને ટેન્શન આપવામાં સહેજપણ માનતા નથી અને એટલે જ બ્યૂરોક્રેટ્સનું કહ્યું માનતા હોય છે. અધિકારીઓ એ વાતે ખુશ કે પ્રધાનો અમારા કહ્યામાં છે અને આવા પ્રધાનો પણ એ વાતે ખુશ કે ચાલો, દિમાગની એટલી ઇજ્જત બચી ગઈ! કેટલાક પ્રધાનો બ્યૂરોક્રેટસનું સાંભળે ખરા, પણ કરે તો પોતાનું ધાર્યું જ ! પણ જો ‘ધાર્યું’ પરિણામ ન આવે તો તરત જ અધિકારીને ખખડાવી નાખે કે ‘અલ્યા, આ પ્રોજેક્ટ તરતો મૂક્યો ત્યારે તેં મને ચેતવ્યો કેમ નહીં? હવે પ્રોજેક્ટ જ્યારે ડૂબી ગયો ત્યારે તું મને સલાહ આપવા બેઠો? તારી સલાહ લેવા માટે પણ મારે તારા ઓશિયાળા રહેવાનું? હું માગું તો જ તું આપે? તમને લોકોને રાખ્યા છે શા માટે?’ કોઈ સ્વમાની અને ખુદ્દાર અધિકારી કદાચ એવું બોલવાની હિંમત કરે કે ‘સાહેબ, તમે કયા પર્પઝથી આ પ્રોજેક્ટ ડિક્લેર કર્યો એનું નાનું મોટું ગણિત તમારા દિમાગમાં કઈ રીતનું ચાલતું હોય એની મને ખબર કેવી રીતે પડે? હું કંઈ ત્રિકાળજ્ઞા।ની તો છું નહીં…’ આટલું સાંભળીને સ્પ્રિંગ ઊછળે એમ ખુરશી પરથી પોતે અને માથામાંથી દિમાગ ઊછળે ‘બસ, બોલી નાખ્યું કે જ્ઞા।ની તો છું નહીં. અલ્યા તમારા જેવા અજ્ઞા।નીઓને આવા ઊંચા પદ પર બેસાડનારાય કેવા છે?’ ખરેખર અમુક પ્રધાનો તો આવા જ્ઞાની, અજ્ઞાની કે ત્રિકાળજ્ઞાની વચ્ચેના ભેદભાવમાં સહેજ પણ માનતા નથી.

ડાયલટોન : 

– નેગેટિવિટીનો અભાવ એજ મોટામાં મોટી પોઝિટિવિટી છે!

– ડો. એ. પી. જે. કલામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન