ગણેશચતુર્થીમાં ન આવ્યો પરંતુ નવરાત્રિમાં આવીશ , શહીદે મિત્રોને આપ્યું હતું વચન - Sandesh
  • Home
  • Ahmedabad
  • ગણેશચતુર્થીમાં ન આવ્યો પરંતુ નવરાત્રિમાં આવીશ , શહીદે મિત્રોને આપ્યું હતું વચન

ગણેશચતુર્થીમાં ન આવ્યો પરંતુ નવરાત્રિમાં આવીશ , શહીદે મિત્રોને આપ્યું હતું વચન

 | 9:47 am IST

જમ્મુ-કાશ્મીરમાં પુલવામાં શનિવારે થયેલા આતંકી હૂમલામાં આઠ જવાનો શહીદ થયા હતા. જેમાં જવાન દિનેશ દીપક બોરસે અમદાવાદના નરોડાનો પણ હતો. શહીદનો મૃતદેહ રવિવારે એક વાગ્યે એરપોર્ટ ઉપર લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર આપી નરોડા નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં હજારોની સંખ્યામાં લોકો શ્રદ્વાંજલિ આપવા માટે ઉમટી પડયા હતા. શહીદ જવાનની સ્મશાયાત્રામાં આશરે પાંચથી સાત હજાર લોકો જોડાયા હતા.જ્યાં વંદે માતરમ, ભારત માતાકી જય અને શહીદ તુમ અમર રહોના નારા ગૂંજી ઊઠયા હતા.

નરોડામાં પાર્શ્વનાથ પાસે અમરદીપ સોસાયટીમાં રહેતો દિનેશ દીપક બોરસે છેલ્લા ૧૩ વર્ષથી CRPFમાં જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતો હતો. દીપકને પરિવારમાં પત્ની અને ચાર વર્ષની પુત્રી દિવ્યાંશી અને ત્રણ માસનો પુત્ર જય છે. દિનેશના પિતા દીપકભાઈ SRP ગ્રૃપ-૨માં ફરજ બજાવે છે. મૂળ મહારાષ્ટ્રનો પરિવાર છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલો છે. પુત્રના જન્મ થયો ત્યારે ત્રણ મહિના પહેલાં દિનેશ આવ્યો હતો. દિનેશ શહીદ થયાની ખબર રવિવારે સવારે જ તેના માતા-પિતાને આપવામાં આવી હતી. એકના એક પુત્રના શહીદ થયાની જાણ થતાં પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું. બપોરે ૧ વાગ્યે વિમાન મારફતે શહીદનો મૃતદેહ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો જ્યાં ગૃહમંત્રી પ્રદીપસિંહ તેમજ અન્ય નેતાઓ તેમજ શહેર પોલીસ કમિશનર તેમજ અન્ય ઊચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં શહીદના મૃતદેહને નરોડા નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં વિરાટ માનવ મહેરામણ ઊમટી પડયો હતો અને ચોધાર આંસુ સાથે લોકો શ્રદ્વાંજિલ આપી હતી. શહીદની સ્મશાનયાત્રામાં સ્વયંભૂ પાંચથી સાત હજાર લોકો જોડાયા હતા. દોઢ કિલોમીટર લાંબી સ્મશાનયાત્રામાં વંદે માતરમ, ભારત માતાકી જય અને શહીદ તુમ અમર રહોના નારા ગૂંજી ઊઠયા હતા. સૈજપુર સ્મશાનગૃહમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધી થઈ હતી.

બે બહેનોએ ભાઈ ગુમાવ્યો
શહીદ દિનેશને બે બહેનો છે. જેમાં એક ગાંધીનગર પરણાવેલી છે જ્યારે બીજી બહેન મહારાષ્ટ્રમાં પરણાવેલી છે. પોતાનો એકનો એક ભાઈ દિનેશ બોરસે શહીદ થયાની ખબર પડતાં જ બંને બહેનોએ કલ્પાંત કરી મૂક્યું હતું.

આતંકવાદીઓને મારીને આવીશ
શહીદ જવાન દિનેશમાં દેશ પ્રત્યે ગજબનો પ્રેમ હતો થોડાક દિવસ અગાઉ તેના મિત્રને વોટસએપમાં મેસેજની આપ-લે થઈ હતી. તેમાં શહીદ દિનેશે લખ્યું હતું કે, આતંકવાદીઓને મારીને આવીશ અથવા તો તિરંગા સાથે આવીશ.

ગણેશચતુર્થીમાં ન આવ્યો, નવરાત્રિમાં આવીશ
શહીદ જવાન દિનેશ ગણેશચતુર્થીમાં આવવાનો હતો પરંતુ, ન આવી શકાયું નહોતું. એટલે મિત્રોને કહ્યું હતું કે, નવરાત્રિમાં તો જરૂર આવીશ.

શહીદને ૩ માસનો પૂત્ર, ચાર વર્ષની પુત્રી
દિનેશને ત્રણ માસનો પૂત્ર જય છે તેમજ ચાર વર્ષની પુત્રી દિવ્યાંશી છે. પુત્રના જન્મ વખતે દિનેશ રજા લઈને આવ્યો હતો.

બે PSIએ મોતનો મલાજો ન જાળવ્યો, સેલ્ફી લીધી
સ્મશાનયાત્રામાં લોકો ચોધાર આંસુ સાથે હિબકે ચઢયા હતા. બીજી તરફ બે પોલીસ સબ ઈન્સ્પેક્ટરો મોતનો મલાજો પણ જાળવી શક્યા નહોતા. બંને શહીદ જવાનની સેલ્ફી લેવાનું પણ ચૂક્યા નહોતા. લોકોએ આ બંને PSI ઉપર ફિટકારની લાગણી વરસાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન