આવા લોકોની મજાક ઉડાવવાથી જીવનમાં પડે છે મુશ્કેલીઓ - Sandesh
  • Home
  • Astrology
  • આવા લોકોની મજાક ઉડાવવાથી જીવનમાં પડે છે મુશ્કેલીઓ

આવા લોકોની મજાક ઉડાવવાથી જીવનમાં પડે છે મુશ્કેલીઓ

 | 4:54 pm IST

આજના તણાવભર્યા જીવનમાં મજાક-મસ્તી ના કરવી આપણા જીવનને કંટાળાજનક બનાવી દેતુ હોય છે, પરંતુ કેટલાક લોકો બીજાની મજાક બનાવે છે તે બિલકુલ યોગ્ય નથી. હંમેશા એવી મજાક કરવી જોઇએ જેનાથી કોઇને દુ:ખ ના પહોંચે અને અપમાન ના થાય. શાસ્ત્રો અનુસાર આવુ ના કરવા પર ખરાબ દિવસોની શરૂઆત થઇ શકે છે.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ક્યારેય એવા વ્યક્તિઓની મજાક ના ઉડાવવી જોઇએ જેમના અંગો ખામીયુક્ત હોય. આ સાથે જેમના અંગો વધારે હોય જેમકે 5થી વધારે આંગળીઓવાળા લોકોની મજાક ક્યારેય ઉડાવવી જોઇએ નહીં. આ ઉપરાંત શાસ્ત્રોમાં કદરૂપા, ગરીબ, નીચી જ્ઞાતિના અને ઉંમરમાં મોટા વ્યક્તિઓની પણ મજાક ના ઉડાવવાનું કહેવામાં આવ્યું છે.

જેમનાં શરીરનો કોઇ ભાગ કામ ના કરતો હોય શાસ્ત્રોનાં કહ્યા પ્રમાણે આવા લોકોની મજાક ના ઉડાવવી જોઇએ. આનુ ખરાબ પરિણામ ભવિષ્યમાં ક્યારેકને ક્યારેક મળે છે.

જેમનાં શરીરમાં વધારે અંગો હોય જેમકે કોઇના હાથ કે પગમાં 5થી વધારે આંગળીઓ હોય તેમની મજાક પણ ના ઉડાવવી જોઇએ. જો તેમની તમે મજાક ઉડાવો છો તેનો મતલબ તમે ભગવાને બનાવેલા સર્જન પર મજાક ઉડાવો છો. આ ઉપરાંત નૈતિકતાનાં આધારે પણ આવા વ્યક્તિઓની મજાક ના ઉડાવવી જોઇએ.

જે લોકોને વાંચતા-લખતા ના આવડતું હોય તેમની મજાક પણ ના ઉડાવવી જોઇએ. એક તો આવુ કરવું તે શિષ્ટાચારની વિરુદ્ધ છે, બીજુ સામેવાળુ વ્યક્તિ તમે ગમે તેટલા શિક્ષિત હશો તોપણ તમને ઉતરતા જ સમજશે. અશિક્ષિત લોકોની મદદે આગળ આવવું જોઇએ. વ્યક્તિનાં અશિક્ષિત રહેવા પાછળનાં કારણમાં સામાજિક, પારિવારિક કે આર્થિક કારણ હોય છે. આવામાં તે વ્યક્તિની મજાક ઉડાવીને તેને દુ:ખ ના પહોંચાડવું જોઇએ.

બાળપણથી જ આપણને સંસ્કાર આપવામાં આવે છે કે જે વ્યક્તિ આપણાથી મોટી ઉંમરનાં હોય તેમનો આદર કરવો જોઇએ. ઉંમર વધવાને કારણે કેટલીકવાર વૃદ્ધો એવી ભૂલો કરે છે કે તેમની મજાક બને છે. આવામાં ભૂલથી પણ વૃદ્ધોની મજાક ના ઉડાવવી જોઇએ. તેમની સાથે સહાનુભૂતિ રાખવી જોઇએ. હંમેશા યાદ રાખવું જોઇએ કે તમે પણ એક દિવસ વૃદ્ધ થવાના છો અને ત્યારે તમે પણ પ્રેમ અને પોતાનાપણાનો ભાવ શોધશો.

ભગવાને દરેકને અલગ બનાવ્યા છે. કોઇનો ચહેરો કાળો કે ધોળો હોય છે, કોઇ સુંદર તો કોઇ આનાથી વિપરીત હોય છે. જો કોઇ વ્યક્તિ કહેવાતા સુંદરતાનાં માપદંડોમાં ફીટ નથી બેસતો તો તેમા તેનો દોષ નથી. તેથી આવા વ્યક્તિઓની મજાક ના બનાવવી જોઇએ. દેખાવ કરતા સંસ્કારોને મહત્વ આપવું જોઇએ.

ગરીબ લોકોની મજાક ના ઉડાવવી જોઇએ. લોકો તેમની ઇચ્છાને કારણે ગરીબ નથી હોતા. કેટલાક લોકો જન્મથી જ અમીર હોય છે, તો કેટલાક લોકો મહેનતથી પૈસા કમાઇને ત્યાં સુધી પહોંચે છે. તો કેટલાક લોકો કઠોર મહેનત કર્યા બાદ પણ ગરીબ રહે છે. તેઓ કોઇની મદદ વગર પોતાના આત્મસમ્માનને બચાવીને પોતાના પરિવાર સાથે સુખી રહેતા હોય છે. તો જાતિ આધારિત વ્યવસ્થા ભગવાને નહીં માણસોએ બનાવી છે. ઇશ્વરની નજરમાં દરેક મનુષ્ય સમાન છે. કોઇ વ્યક્તિની જાતિને લઇને તેનો મજાક ના ઉડાવવો જોઇએ.