વૈમનસ્યનું વિસર્જન કરતો મહામંત્ર :મિચ્છામિ દુક્કડં - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • વૈમનસ્યનું વિસર્જન કરતો મહામંત્ર :મિચ્છામિ દુક્કડં

વૈમનસ્યનું વિસર્જન કરતો મહામંત્ર :મિચ્છામિ દુક્કડં

 | 1:22 am IST

જૈન દર્શન: નરેશ એ. મદ્રાસી

જૈન દર્શન અંતર્ગત સાંપ્રત અધ્યાયમાં પર્વાધિરાજ શ્રી પર્યુષણા તથા શ્રી સવંત્સરી મહાપર્વ વિશે સંવાદ કરીશું.

જૈન દર્શન એ લોકોત્તર શાસન છે અને સંસારના પરિભ્રમણમાંથી આત્માને મુક્ત કરવાનું એક માત્ર સાધ્ય પ્રસ્તુત કરે છે. સંસારના રાગમાં વધુ ને વધુ લીન કરતા કે ધ્વેષ ભાવને વેગ આપતા કોઈપણ મિથ્યા વ્રત, તપ અને ઉત્સવને સમર્થન તે નથી આપતું. જૈન દર્શને પ્રસ્તુત કરેલા પર્વ, તપ, ત્યાગ અને વ્રતમાં માત્ર આત્માનો ઉધ્ધાર કરતા અનુષ્ઠાનની જ વાત છે. જગતમાં અનેક પર્વ છે. મનોરંજન પર્વ, સામાજિક પર્વ તથા આલોક અને પરલોકના સુખની કામના કરતા પર્વ આદિ. જૈન દર્શને આવા પર્વોને લોકોત્તર સ્વરૂપે સ્વીકાર્યા નથી. અને તેથી જ વર્ષના પ્રારંભથી અંત સુધીના પર્વમાં ક્યાંક જ્ઞાાનની સાધના છે, તો ક્યાંક મૌનની સાધના છે. ક્યાંક સ્વાદ પર વિજય પ્રાપ્ત કરાવતા લુખ્ખા આહારને મધ્યમાં રાખતું આયંબિલની ઓળીનું પર્વ છે. ક્યાંક દર્શન જ્ઞાાન અને ચારિત્રની આરાધના પ્રસ્તુત કરતા ચાતુર્માસિક પર્વ છે. આ સર્વે પર્વોમાં શિરમોર સમુ શ્રી પર્યુષણા પર્વ છે. શ્રી પર્યુષણા પર્વ એટલે ચોમેરથી આત્માને પરત વાળી સ્વમાં વસવાનો બોધ પ્રસ્તુત કરતું પર્વ. આત્માના મૂળ ગુણ એવા સમ્યક દર્શન જ્ઞાાન, ચારિત્ર, તપ, વીર્ય ઉપયોગને ક્ષીણ કરતા અજ્ઞાાન, મિથ્યાત્વ, અવિરતિ, આહાર સંજ્ઞાા, આદિથી પરત ફરી સ્વની સાધના કરવાનું આ પર્વ છે. શ્રી જિન પ્રતિમાજીના દર્શન દ્વારા દર્શન શુદ્ધિ કરવામાં આવે છે. શ્રી કલ્પસૂત્રના શ્રવણ દ્વારા જ્ઞાાનગુણની આરાધના કરવામાં આવે છે. પૌષધ વ્રત દ્વારા ચારિત્રની સાધના થાય છે. બાહ્ય અને અભ્યંતર તપ, આયંબિલ, ઉપવાસ આહાર સંજ્ઞાા પર વિજય પ્રાપ્ત કરવાની સાધના છે. જીવોને અભય દાન- જીવદયા, પૂજ્ય ગુરુ મહારાજની વિશેષ સુપાત્ર ભક્તિ તથા ધર્મ દ્રવ્યની વૃદ્ધિ દ્વારા દાન ધર્મની પૂજા કરવામાં આવે છે. મન-વચન-કાયાથી શિયળ વ્રતની સાધના દ્વારા મૈથુન સંજ્ઞાા પર અંકુશ મૂકવામાં આવે છે. તન અને મનના પુરુષાર્થ દ્વારા આત્માના અનંત વીર્ય- શક્તિ ગુણની ઉપાસના કરવામાં આવે છે. પ્રત્યેક ક્ષણે જાગૃત રહીને અપ્રતિમ ભાવની સ્તવના કરવામાં આવે છે. જૈન દર્શનના અગાધ તત્ત્વજ્ઞાાન સ્વરૂપ શ્રી ગણધરવાદનું શ્રવણ કરી દ્રવ્યાનુયોગની આરાધના કરવામાં આવે છે. તો શ્રી તીર્થકર ભગવતા તથા ઉજ્જવળ પરંપરાના મહાપુરુષના રમાણય ચારત્રનું શ્રવણ કરી ધર્મકથાનુયોગની પૂજા કરવામાં આવે છે. આ સમય અને ક્ષેત્રને અનુલક્ષીને શ્રમણ સંઘના દસ કલ્પ તથા સમાચારી, ધર્મ શાસનનું મહાત્મ્ય સમજાવે છે. આમ સર્વે અનુષ્ઠાન તથા અનુયોગની આરાધના કરીને આત્માને પ્રભાવિત કરતા આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, સંજ્ઞાા પર વિજય પ્રાપ્ત કરવા રૂપ દાન, શિયળ, તપ અને ભાવ ધર્મને પ્રસ્તુત કરતું આ પર્વ છે. આ સાધ્યને સિદ્ધ કરવા માટે સૂક્ષ્મ તમ જીવથી વિરાટ કાય જીવ, સર્વે જીવરાશિ સાથે મૈત્રી ભાવ સ્થાયી ધ્વેષનો-શત્રુભાવનો ત્યાગ કરવામાં આવે છે. જાણતા અને અજાણતા થયેલા સર્વે દુષ્કૃત્યોની શુદ્ધિ કરીને ક્ષમા પ્રાથવામાં આવે છે. જે આ પર્વનું મૂળ લક્ષ્ય છે.

શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘની પ્રધાન શાખામાં શ્રી સંવત્સરી મહાપર્વ ભાદરવા સુદ ચોથના શુભ દિવસે હોય છે. તેનાથી પૂર્વેના સાત દિવસ એટલે કે શ્રાવણ વદ-બારસથી શ્રી પર્યુષણા પર્વનો શુભારંભ થાય છે. અન્ય પરંપરામાં ભાદરવા સુદ પાંચમ તથા શ્રી દિગમ્બર પરંપરામાં ભાદરવા સુદ-ચૌદસના દિવસે સંવત્સરી પર્વ હોય છે. પ્રત્યેક પરંપરા સ્વ સમાચારી અને માન્યતા પ્રમાણે આ પર્વની આરાધના કરે છે. સર્વે જીવો પ્રત્યે મન, વચન અને કાયાથી જાણતા અને અજાણતા થયેલા વેરભાવનું વિસર્જન કરી મૈત્રી ભાવનું સર્જન કરવાનું આ પર્વ છે અને તેથી જ તે શ્રેષ્ઠતમ અને મહાપર્વ છે. વ્યક્તિગત, પારિવારિક, સામાજિક, વ્યવસાયિક તથા અન્ય સંબંધ આદિમાં ક્યારેક દુર્ભાવ, દુર્વ્યવહાર અને કટુવાણી પ્રર્દિશત થઈ જાય છે. તે સર્વેની મન, વચન અને કાયાથી ક્ષમા પ્રાથવાની છે. પૂર્વ અધ્યાયોમાં આપણે વિદિત કર્યું હતું કે, સંસારના પરિભ્રમણના કારણરૂપ મૂઠ આઠ કર્મો અને તેના એક્સો અઠ્ઠાવન પેટા સ્વરૂપ આત્માને પ્રભાવિત કરે છે. અનેક પ્રકારના અશુભ-પાપ-દુષ્કૃત્યો આપણે કરતા હોઈએ છીએ. આ સર્વે અશુભની ક્ષમાપના નિત્ય કરવાની હોય છે. શ્રી જૈન દર્શને આ શુદ્ધિ કરવાની ક્રિયારૂપ દિવસ અને રાત્રિના પ્રતિક્રમણ પ્રકાશ્યા છે. આ પ્રતિક્રમણ દ્વારા પાપથી પરત વળવાની ક્રિયા થાય છે, પરંતુ જો આ નિત્ય પ્રતિક્રમણ નહીં કરાયું તો તે પાપની તીવ્રતામાં વૃદ્ધિ થાય છે, જેની શુદ્ધિ પંદર દિવસે કરવામાં આવતા પાક્ષિક પ્રતિક્રમણ દ્વારા કરવી આવશ્યક બને છે. જો આ પાક્ષિક પ્રતિક્રમણ પણ નહીં કરીએ તો તે કર્મોની સ્થિતિ, રસ, તીવ્રતા વૃદ્ધિ પામે છે. જેની શુદ્ધિ ચાર માસના અંતે કરાતા ચાતુર્માસિક પ્રતિક્રમણ દ્વારા કરવી જોઈએ અને કદાચને આ ચાતુર્માસિક પ્રતિક્રમણ પણ જો નહીં કરીએ તો વર્ષમાં એક વખત કરવામાં આવતું શ્રી સંવત્સરી મહાપર્વનું પ્રતિક્રમણ માત્ર આવશ્યક નહીં, ફરજિયાત છે. જેથી તે પ્રકારના પાપની સ્થિતિ, તીવ્રતા એવા સ્વરૂપને નહીં પામે જેનાથી આત્મા મૂઢ, અજ્ઞાાન સ્વરૂપથી વધુ ને વધુ પ્રભાવિત થાય છે. સ્વ સ્વરૂપને એવી ક્ષતિ નહીં થવા દે જેથી તેનું પરિભ્રમણ દીર્ધ સમય સુધી ગતિમાન જ રહે. આપણા સૌનો અનુભવ છે કે વ્યવસાયનું સરવૈયું નિત્ય લખીશંધ તો ખોટની શક્યતા ઓછી રહેશે. એ પ્રમાણે જ ઉત્તરાત્તર માસિક, ત્રિમાસિક, અનંત વાર્ષિક સરવૈયાના આંક મૂકીશું તો ક્ષાતના શક્યતા આછા રહેશે. પરંતુ જો વાર્ષિક સરવૈયું પણ નહીં લખીશું તો નુકસાનની શક્યતા તીવ્રપણે વધુ હોય છે. આ સંવાદ અને દ્રષ્ટાંત પ્રસ્તુત કરે છે કે શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણ, સંસાર પરિભ્રમણથી મુક્ત થવાની શ્રેષ્ઠ સાધના છે.

આ પ્રતિક્રમણ અંતર્ગત, સર્વે જીવ પ્રત્યે થયેલા વૈરભાવ અને શત્રુભાવને શૂન્ય કરી, મન, વચન અને કાયાથી ક્ષમા પ્રાથવામાં આવે છે. આવો દિવ્ય, ભવ્ય અને રોમાંચક ભાવ પ્રર્દિશત કરતો મંત્રાક્ષર રૂપ શબ્દ એટલે “મિચ્છામિ દુક્કડં”. તેનો અર્થ એ છે કે “મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ.” મન, વચન અને કાયાથી કરેલા સર્વે મિથ્યા વિચાર, વાણી અને વર્તનની હું ક્ષમા પ્રાર્થું છું. સર્વે પ્રત્યે મૈત્રીભાવ પ્રસ્તુત કરું છું. હૃદયના ઊંડાણથી પ્રગટ થતો આ મંત્ર કેટલો રોમાંચક છે! આપણે સૌને વિદિત છે કે વર્ષ અંતર્ગત અનેક પ્રકારના દિવસોની ઊજવણી કરવામાં આવે છે. જેવા કે માતૃ, પિતૃ, મિત્ર, પુત્ર, પુત્રી, યોગ દિવસ. જગતના સર્વે ધર્મો, સંપ્રદાય, સમુદાય, દેશ સામ્રાજ્ય અને સર્વે વ્યક્તિઓ વર્ષમાં એક વખત આ ક્ષમાપના પર્વને સાચા હૃદયથી સ્વીકારે અને પરસ્પર તથા અન્ય દેશો વચ્ચે સુખ અને સમૃદ્ધિની ચરમ સીમાનો સ્પર્શ થશે. પ્રત્યેક દેશના અતિ વિરાટ સંરક્ષણ વ્યયમાં તીવ્ર ઘટાડો થશે. આપણે આપણાથી જ પ્રારંભ કરી પરસ્પર ક્ષમાપના કરીયે અને ઉચ્ચારિએ “મિચ્છામિ દુક્કડં”

[email protected]