દિવ્ય મિલન - Sandesh
NIFTY 10,993.20 -25.70  |  SENSEX 36,512.19 +-29.44  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS

દિવ્ય મિલન

 | 5:09 am IST

‘મારા દોસ્ત અરુણ, તારા અંગત મિત્ર તરીકે મારે તને કહેવું પડે છે કે તું ક્યારેય લગ્ન કરી શકીશ નહીં. જે પ્રકારની છોકરી તું શોધી રહ્યો છે તેનું કદાચ અસ્તિત્વ જ નથી, પહેલા હતું નહીં અને ભવિષ્યમાં હશે નહીં. કદાચ એવી કોઈ છોકરી હોય તો તે શા માટે તને પસંદ કરે વારું? તું લોભી છે અને તારો અહમ્ તને સદાકાળ એકલો જ રાખશે! અમારી સલાહને સાંભળ. કોઈ આદર્શ છોકરી શોધવાનું બંધ કર, જે તારા કુટુંબ સાથે સારી રીતે રહીને કામકાજ કરે તેવી છોકરી શોધી કાઢ અને જિંદગીમાં ઠરીઠામ થા.’ આ રીતે મારા મિત્રે, ટ્રેનમાંથી ઊતરતા પહેલા મને સાફ શબ્દોમાં ઠમઠોરીને કહ્યું. તેની મોટાભાગની સલાહો તો ટ્રેનની ઊભી રહેવાની ચીસમાં તણાઈ ગઈ.

થોડા સમય પહેલાં તેણે એક છોકરીને મળવાનું મને કહ્યું હતું. ગઈકાલે જ મેં તે છોકરી સાથે દસ મિનિટ વાતો કરી હતી. સમગ્ર વાતચીત દરમિયાન તે અચકાતી અચકાતી બોલતી હતી કારણ કે મારા સવાલોના જવાબો તે સમજી શકાય તેવી ભાષામાં આપી શક્તી નહોતી.

મારા મિત્રે જે છોકરીનું સૂચન કર્યું હતું તેની સાથે પણ નોર્મલ વાતો થઈ. તેણે ન કોઈ જવાબો સ્પષ્ટ રીતે આપ્યા, ન તો તેણે એવી કોઈ વાત કરી જેમાં મને રસ પડે. એવું લાગ્યું મને કે આ છોકરીએ રાંધવાનું, ઘરકામ કરવાનું અને બીજાં કામો શીખીને પોતાને કોઈ પરણે તે માટે તૈયાર કરી હતી. મેં જ્યારે તેને પૂછયું કે શું તેણે જહોન સ્કેલ્ટનને વાંચ્યો છે, તો તે ગભરાઈ ગઈ હતી અને ફોન મૂકી દીધો હતો. પાછળથી તેણે એનાં મા-બાપને કહેલું કે હું હાડપિંજરો અને કાળા જાદુ વિશે પૂછપરછ કરતો હતો. તેણીનાં મા-બાપે મારા મિત્રને આ બધી વાત કરી અને એટલે મારો મિત્ર ઉપર જણાવેલી સલાહો મને આપતો હતો.

જ્યારે હું લગ્નના બજારમાં નવોસવો હતો ત્યારે મારો આગ્રહ રહેતો કે છોકરી સુંદર તો હોવી જ જોઈએ અને બુદ્ધિમત્તાની પરીક્ષામાં ૯૫ ટકા માર્ક લાવે તેવી હોવી જોઈએ. તે પછી હું જરા ઢીલો પડયો હતો અને સૌંદર્ય થોડું હશે તો ચાલશે તેમ કહેવા લાગ્યો હતો, પણ બૌદ્ધિક સ્તર તો તેનું ઊંચું હોવું જ જોઈએ જેથી મારી સાથે વિવિધ વિષયો પર ચર્ચાઓ કરી શકે. આ મારી છૂટછાટના લીધે લોકો માનવા માંડયા હતા કે આગળ જતાં હું બીજા છોકરાઓ જેવો સામાન્ય માંગણીવાળો બની જઈશ, પરંતુ હું તો મારા આદર્શોને વળગી રહ્યો હતો. આના લીધે તેઓ ગુસ્સે ભરાયા હતા.

હું ક્યારેય સામે ચાલીને કોઈ પાસે ગયો નહોતો કે મારા માટે યોગ્ય સાથી ખોળી આપો. એ લોકો મારી પાસે આવતા હતા અને મારી અપેક્ષાઓ વિશે પૂછતા હતા. જ્યારે હું મારી અપેક્ષાઓ જણાવતો ત્યારે તેઓ ગુસ્સે થઈ જતા હતા. તેઓ બધાને હું ગાંડો, ઘેલો, મિથ્યાભિમાની લાગતો જે ઘર ચલાવી શકે તેવી છોકરીનું મહત્ત્વ સમજતો નથી. જે છોકરીઓને લગ્ન માટે તૈયાર કરી હોય તેમનો હું હરીફ છું તેમ હું ક્યારેય માનતો નહીં, પણ કોઈ મને સમજતું જ નહોતું.

આ એક સરખી, મારી નાખે તેવી સલાહોથી હું વાજ આવી ગયો હતો. જોકે છૂપા અને દેખીતા સલાહોના પ્રહારો મને હવે ઈજા પહોંચાડી શક્તા ન હતા. સાવ બાલીશ નિવેદનો મને દુઃખ પહોંચાડી શક્તા ન હતા. પરંતુ તેઓ જે ઝડપથી એકની એક વાત મને કહ્યા કરતા હતા તેનાથી મને ચિંતા થતી હતી. હું મારા મિત્રો, સહકર્મીઓ, કુટુંબીજનો અને ‘તું શા માટે પરણી જતો નથી?’કહેવાવાળાઓને બે હાથ જોડીને કહેતો કે મહેરબાની કરીને એકની એક વાત મને કહ્યા કરો નહીં. મેં તેઓ સૌને સાફ શબ્દોમાં કહી દીધું હતું કે મારા લગ્ન કે મારા જીવન અંગે ચિંતા કરતા નહીં. પરંતુ મારી આ વિનંતી પછી તેઓ મને આપવા માટેની સલાહ થોડા શબ્દો ફેરવીને કરતા. એ જ સૈકાઓ જૂની સલાહ તેઓ આપ્યા જ કરતા. કહેવાનું તો એનું એ જ રહેતું. હું હૃદયપૂર્વક આશા રાખતો કે હું કોઈના પ્રેમમાં પડું અને ગમે તે છોકરીને પરણી જાઉં તેમ તો તેઓ ન ઈચ્છે તો સારું. જોકે સમય જતાં સલાહોના મારાએ મને ઢીલો કરી દીધો હતો. મને ડર લાગતો કે આ સલાહોના મારા વચ્ચે હું ક્યારેક ગમે ત્યાં લગ્ન કરવા તૈયાર નહીં થઈ જાઉંને!

મેં નક્કી કરી દીધું કે હવે હું કોઈની પણ સાથે મારા લગ્ન અંગે ચર્ચા કરીશ નહીં. બસ બહુ થયું. પરંતુ તે પછી મને એક છૂપી લાગણી થવા માંડી હતી. શું તે દર્દ હતું- ના. દર્દ એ તો બહુ મોટો શબ્દ કહેવાય. ડર? હા, હવે મને ડર લાગવા માંડયો હતો કે મારા લગ્ન ક્યારેય નહીં થાય તે વાત કદાચ સાચી પડશે. શું આ બધી સલાહોના શબ્દો ભગવાને તો આ અજાણ્યા લોકો મારફત નહીં મોકલ્યા હોયને!? છોકરી વગર જ જીવન પસાર કરી નાખવાના મને વિચારો આવવા માંડયા હતા. શું ખરાબ વાત બનશે? ના રે ના, જેની સાથે મારો મનમેળ ન થાય તેવી છોકરી સાથે જીવન વિતાવવા કરતાં એકલા રહેવું વધારે સારું છે- મેં અંતે વિચાર્યું. આવા બધા નકામા વિચારો કરવામાં સમય વેડફી નાખવા બદલ મેં મારી જાતને ખૂબ કોસી, કારણ કે તેનાથી નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે જે તબિયત માટે ખરાબ વાત છે.

મેં દવાનું પત્તું બહાર કાઢયું અને તેમાંથી ધીરે રહીને ગોળી બહાર કાઢી. હું તરત એ ગોળી ગળી ગયો. પાણી વગર ગોળી ગળી જવાની મને આદત છે.

દરેક પાને સમજવી મુશ્કેલ બનતી જતી નોવેલ ‘ધ કેસલ’મેં ખોલી. કદાચ તે માટેનું કારણ એ પણ હોય કે મારા લગ્ન અંગેના વિચારોએ મને સાવ નિરાશ કરી દીધો હતો. નોવેલ ધ્યાનથી વાંચવાની શરૂઆત કરતાં પહેલાં મેં કંપાર્ટમેન્ટમાં નજર દોડાવી અને મને ખબર પડી કે હું એકલો જ હતો. આ કોઈ નવી વાત નહોતી. મારી ઓફિસનો સમય જ એ રીતનો હતો. સવારે ૭ વાગે શરૂ થઈને મારી ઓફિસ બપોરે ૨ વાગ્યા સુધી ચાલતી, જેથી હું બપોરે ૨:૩૦ વાગ્યાની ટ્રેન પક્ડી શક્તો, જે સમયે ટ્રેન સાવ ખાલી રહેતી.

એક કલાકની એકલા એકલા મુસાફરી કરવાની હું માનસિક તૈયાર કરી રહ્યો હતો ત્યાં એક છોકરી કંપાર્ટમેન્ટમાં દાખલ થઈ. જમણી બાજુએ આવેલી બારી પાસે બેસી ગઈ- કંપાર્ટમેન્ટની મારી એકમાત્ર સહપ્રવાસી. સફેદ વસ્ત્રોમાં સજ્જ એ છોકરી ‘ઈકો’એ લખેલ પુસ્તક વાંચી રહી હતી. તેનો એક હાથ પુસ્તકના ટાઈટલને ઢાંકી દેતો હતો જ્યારે બીજો હાથ તેના ગાલને ચૂમવા મથતા માથાના વાળને સરખા કરવામાં વ્યસ્ત હતો. જોકે તે પુસ્તકનું નામ જાણવાનો મને સમય લાગ્યો નહોતો- તે હતું યુમ્બરટો ઈકોનું પુસ્તક ‘ધ નેઈમ ઓફ રોઝ’ હું તેને જોવામાં મશગૂલ થયો- શી ખબર તેનામાં એવું કશું હતું! મેં થોડી હિંમત ભેગી કરી, બરાબર તેની સામે બેસી ગયો.

તેણે મારી સામે જોવાની પરવા કરી નહીં. તે પુસ્તકમાં ખોવાઈ ગઈ હતી. મેં થોડી હિંમત એકઠી કરી, ખોંખરો ખાધો અને કહ્યું: ‘હેલ્લો!’

તેણે ધીરે રહીને પુસ્તકને નીચું કર્યું. એક ઉષ્માભર્યું સ્મિત રમતું મૂક્યું અને બોલીઃ ‘હેલ્લો!’

તે ખૂબ જ સુંદર હતી અને કુલીનતાનો આત્મા તેની ચારેબાજુ ફેલાયેલો હતો. તેના માથા પાછળ એક પાતળી આભા હું જોઈ રહ્યો હતો તેમ હું તમને કહીશ તો તમે મને ગાંડો કહેશો. એક દૈવી આત્માએ મને દંગ કરી નાંખ્યો હતો.

‘એકલતા બહુ જ કંટાળાજનક વાત છે- અને એ વધારે તકલીફ ત્યારે આપે છે જ્યારે તમને ખબર હોય છે કે એક કલાક આમ જ એકલા એકલા વિતાવવાનો છે.’ કંઈક વાતચીતની શરૂઆત થાય તેમ વિચારીને હું બોલ્યો અને તે પણ કંઈક બૌદ્ધિક લાગે તેવું બોલ્યો.

‘ખરેખર? એક કલાક?’ ધીમા અવાજે તે બોલી. એનો અવાજ અદ્ભુત હતો. કોઈને પણ તેના સ્વામી બનવું ગમે.

‘બહુ વિચિત્ર ટાઈમટેબલ છે. આ સમયે કોઈ ટ્રેન પકડતું નથી. હું આ સમયે એકલો મુસાફરી કરવા ટેવાઈ ગયો છું. ખેર, મારું નામ અરુણ છે- અરુણ સેલ્વામ. તમને મળીને આનંદ થયો.’ આટલું બોલી મેં હસ્તધનૂન માટે મારો હાથ લંબાવ્યો.

‘મિ.અરુણ સેલવામ, તમને એડવર્ડ લોરેન્ઝ માટે સહેજ પણ માન હોય તેવું લાગતું નથી.’ તેણે સાવ સહજતાથી કહ્યું અને મારી સાથે હાથ મિલાવ્યો.

‘માફ કરજો- શું?’ પહેલા તો મને તેની વાતની સમજ પડી નહીં કે તે શું કહેવા માગે છે. મારી ધારણા કે આ સમયે કોઈ ટ્રેન પકડે નહીં તે લોરેન્ઝની ‘ચાઓસ થિયરી’નું અપમાન સમાન હતું. એટલે મેં આગળ પૂછવાનું માંડી વાળ્યું અને ફક્ત સહેજ સ્મિત કર્યું.

તેણે વાત ચાલુ રાખી. ‘અરુણ એટલે તેજસ્વી સેલ્વામ એટલે સંપત્તિ. શું તમે વિશ્વની બધી જ બૌદ્ધિકતા અને હોશિયારીના સંગ્રહકર્તા છો?’ તે હસી પડી. તેનું હાસ્ય એકદમ સાચુકલું હતું.

‘તમારું નામ?’

‘મારું નામ નીલા છે.’

‘એટલે કે “ચંદ્ર”?’

તેણે મારી સામે વિચિત્ર રીતે જોયું- જાણે કે જે બધા જાણતા હોય તે હું બોલ્યો એટલે.

‘હા, તમિળમાં “ચંદ્ર”, લેટીનમાં “નાઈલ નદી” અને “વિજેતા”-‘

‘આઈરીશમાં,’ મેં પૂરું કર્યું. આના લીધે કદાચ મારા પ્રત્યે તેનું માન વધી ગયું હતું.

મેં વાત ચાલુ રાખતા પૂછયું: ‘નીલા, તમે કયાં ઊતરી જવાના?’

‘એક સારા મુસાફરનો કોઈ નક્કી પ્લાન હોતો નથી અને પહોંચવાની તેને ઉતાવળ હોતી નથી.’

‘લાઓત્ઝુ’ મેં તરત જ કહ્યું.

‘સરસ!’

‘જી હા, હું તો ચોક્કસપણે એ પણ માનું છું કે કોઈને પણ ખબર નથી હોતી કે મુસાફરી કરવી એ કેટલી મજાની વાત હોય છે. જયાં સુધી તે ઘરે આવી પોતાના વહાલસોયા ઓશીકા પર માથું મૂકે છે.’

‘લીન યુટાંગ’ તેણે તરત જ જવાબ આપ્યો.

મેં તેના પુસ્તકને હાથમાં પકડીને કહ્યું: ‘તમે જાણતા હશો કે આ પુસ્તકમાંથી પ્રેરણા પામીને વિલિયમ ઓકેહમે એક થિયરી બનાવી હતી જે પછી ‘ઓકહેમ્સ રેઝર’ના નામથી પ્રખ્યાત બની હતી.

‘મજા પડી ગઈ! તમે નાસ્તિક છો?’ તેણે વિલંબ વગર મને પૂછયું.

‘હા! તમને કેવી રીતે ખબર પડી?’

‘જે લોકો “લેક્ષ પર્સીમોનીએ” અને “ઓક્હામ્સ રેઝર” વિશે વાતો કરતા હોય છે તેઓ સામાન્ય રીતે નાસ્તિક હોય છે.’

‘તમે નાસ્તિક છો?’

‘ના! ના! હું આસ્તિક છું. કર્ટ ગોડેલની- “ઓન્ટોલોજીકલ પ્રૂફ” થકી હું માનતી થઈ ગઈ છું.’ તેણી બોલી અને પછી તેનું મારકણું સ્મિત ફરીથી ફેંકયું.

અને અહીં હું સામે બેસીને બેશરમ નજરે એ છોકરીને જોઈ રહ્યો હતો

– આવું વર્તન મેં પહેલા ક્યારેય કર્યું નહોતું. એનામાં એવું શું હતું કે હું તરત જ તેના તરફ આકર્ષાયો હતો? મને ખ્યાલ આવી ગયો હતો કે દરેક પસાર થતી પળે હું ધીરે ધીરે પણ મક્કમતાથી તેનો ગુલામ બની રહ્યો હતો.

‘તમે ક્યાંના રહેવાસી છો?’ મે પૂછયું.

‘સમગ્ર વિશ્વ મારું વિશ્વ છે. બધા જ લોકો મારા ભાઈઓ છે.’ તેણીએ એક કવિની પંક્તિઓ કહી અને પછી હાથ ઊંચા કરી માથા પાછળ રાખી બોલીઃ ‘આ કવિને તમે વાંચ્યા છે?’

‘હા, તમે?’

‘હા, આભાર મારા એક મિત્રનો. જો તેણે આંગળી ન ચીંધી હોત મેં એ કવિનાં પુસ્તકો જોયાં ન હોત.’

‘એ કવિનું તમને ગમતું પુસ્તક કયું?’ મેં જાણવા માગ્યું.

‘કુરૂન થોકાઈ.’

મને એ પસંદગી જરા વિચિત્ર લાગી.

‘ઓહ!’ મારે આગળ શું બોલવું તે ખબર ન પડી.

‘શું તમે આ ગીત સાંભળ્યું છે?’ અને તેણે ‘કુરૂન થોકાઈ’માંથી એક ગીત ગાઈ સંભળાવ્યું. તેના લહેકાએ મને આૃર્યમાં નાખી દીધો.

‘હા, મેં સાંભળ્યું છે. તે નાયકના બ્લેકમેઈલ અંગેનું છે. નહીં?’ મેં પૂછયું, અને ફરી તેને જોવા લાગ્યો અને મનોમન નક્કી કર્યું કે થોડો સમય હું ચૂપ રહીશ.

‘સરસ! ખેર, વારંવાર તમે કેમ કોઈ ને કોઈ સ્વપ્નની દુનિયામાં સરી પડો છો? હું તેનો અર્થ કહું તેવી આશા રાખતા નહીં. હું ફ્રોઈડ નથી.’ તેણે આંખ મીંચકારીને કહ્યું.

હવે હું એને કેવી રીતે કહું કે એ આંખ મીચકારવા સામે હું તે જે માગે તે આપવા તૈયાર છું.

‘શું તમે માનો છો કે ફ્રોઈડની “સ્વપ્નોના અર્થ”ની થિયરી આજે પણ સાચી છે?’ મેં તેની પાસેથી જાણવા માગ્યું.

‘ફ્રોઈડ અંગે મને કંઈપણ ન પૂછતા. તમને પૂર્વગ્રહયુક્ત ઉત્તર મળશે. હું ચોક્કસપણે માનું છું કે તેઓએ જે કંઈ કહ્યું તે આજની તારીખમાં પણ યોગ્ય છે. આ આજના મનોવિશ્લેષણકારોએ કશું જ કર્યું નથી પણ પોતાની રીતે ફ્રોઈડની માહિતીનો ઉપયોગ કરવો અને પછી તેને પોતાની થિયરી કહેવી. એટલું પૂરતું ન હોય તેમ તેઓએ ફ્રોઈડની કેટલીક રસપ્રદ થિયરીઓને કચરાની ટોપલીમાં નાંખી દીધી હતી.

‘પરંતુ તેની “ઓડીપસ કોમ્પલેક્ષ” તો સાવ વાહિયાત વાત છે!’મેં ઝડપથી તેની વાતનો ઉત્તર આપ્યો.

‘કદાચ હશે. એ જ કારણથી કેટલાક લોકોના જૂથે ફ્રોઈડે જે કંઈ કહ્યું તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું.’ તેના અવાજમાં જે દર્દ હતું તે છુપાવી શકાય તેવું ન હતું. પછીની બે મિનિટો સુધી તે શાંત રહી.

‘તમારો પસંદગીનો ફિલોસોફર કોણ છે?’ આ અકળાવી દેતા મૌનને તોડવા મેં પ્રશ્ન કર્યો.

‘સોરેન કિર્કગાર્ડ અને ફેડરીચ નિત્સે.’ ઉચ્ચાર કરવા મુશ્કેલીવાળા હતા છતાંય તેણે સ્વસ્થતાથી જવાબ આપ્યો.

‘શા માટે તે લોકો?’

‘અસ્તિત્વવાદની ભૂમિકા તેઓએ ઘણા સમય પહેલા રચી હતી. સાચું કે નહીં?’

‘પરંતુ અસ્તિત્વવાદમાં એવું તો ખાસ શું છે? બીજી બધી થિયરીઓની જેમ તે પણ કહે છે કે “જીવન અર્થહીન છે” નહીં વારુ?’

‘હા, પરંતુ તેઓની થિયરી માનવને થોડું મહત્ત્વ જરૂર આપે છે. એ તો સારી વાત છે કે કોઈકે છેવટે કહ્યું હતું, ‘વિચારોના વિષય ઉપર જોવાનું બંધ કરો. માનવ વિષય ઉપર ધ્યાન કેન્દ્રીત કરો.’

હવે તો દેખીતી રીતે હું તેની તરફ ઢળી ગયો હતો. હવે આ વાત કયારે તેને કહી શકીશ?

એ પછી અમે બેઉ લાંબા સમય સુધી ચૂપ રહ્યા.

‘જો જીવન અર્થહીન હોય તો તમે શા માટે એવું વિચારો છો કે આપણે બધાએ જીવવું જોઈએ?’ મૌનને તોડવા મેં નિષ્ઠાપૂર્વક પ્રશ્ન કર્યો.

ઉત્તર આપવા તેણે અનંત સમય લીધો.

‘પ્રકાશ-જ્ઞાાન’છેવટે તેણે કહ્યું અને કંઈક તપાસતી હોય તેમ તે થોડીવાર થોભી ગઈ.

મારા ખીસામાં પડેલી દવાની પટ્ટીએ તેનું ધ્યાન ખેંચ્યું.

‘એ શું છે? શું તમારી તબિયત સારી નથી?’ તેના અવાજમાં સાચેસાચ ચિંતા દેખાઈ આવતી હતી.

‘ના, ના કંઈ નથી. કેટલીક હતાશામાંથી બહાર આવવાની દવા છે.’ થોડી વાર વિચિત્ર શાંતિ છવાઈ અને પછી મેં પૂછયું: ‘માફ કરજો, પણ તમે પ્રકાશ-જ્ઞાાન વિશે કંઈક કહી રહ્યા હતા તેનું શું છે?’

‘હા, જરૂર. તમે પ્રકાશ-જ્ઞાાન વિશે શું જાણો છો?’

મેં તો તરત તેની વ્યાખ્યા આપી દીધીઃ ‘પ્રકાશ-જ્ઞાાન એ મનુષ્યે પોતાના પર લાદી લીધેલા વાલીપાણામાંથી મુક્તિ છે. વાલીપણું એ બીજાની મદદ વગર પોતાના વિશે જાણવાની અશક્તિ છે. જો બુદ્ધિ ઓછી હોવાનું કારણ હોય તો આવું વાલીપણું જાતે લદાયેલી વાત છે. પરંતુ સાથે સાથે દૃઢતાનો અભાવ અને હિંમત પોતાની બુદ્ધિ માટે વાપરતા ન આવડે તો વ્યક્તિ બીજાથી દોરવાઈ જાય છે.’

‘ઈમોન્યુઅલ કાન્ટે જે કહ્યું તે મને ન કહેશો.’ તેણે ઠપકો આપતા સ્વરે કહ્યું, ‘તમે પ્રકાશ-જ્ઞાાન માટે શું અનુભવો છો તે મને કહો.’

‘દરેક મનુષ્યનું એ છેવટનું ધ્યેય છે.’

‘શું તમે તે માટે પ્રયત્ન કર્યો છે ખરો?’

‘ના, મારે કહેવું જોઈએ કે મેં તે વિસે વધુ કંઈ વિચાર્યું જ નથી.’

‘શું દોડતી ટ્રેનમાંથી કૂદકો મારવાનો તમે પ્રયત્ન કર્યો છે ખરો?’

તેણે જે કહ્યું તે જ મેં સાંભળ્યું હતું તેની મને ચોક્કસ ખબર નહોતી.

‘માફ કરજો પણ તમે શું કહ્યું?’

‘શું તમારે પ્રકાશ-જ્ઞાાનનો સ્વાદ માણવો છે?’

‘મને સમજ ન પડી, તમે શું કહો છો!’

‘શું તમે કથા ઉપનિષદ વાંચી છે ખરી?’

‘હા!’

‘નચિકેતાએ જે રીતે પ્રકાશ-જ્ઞાાન મેળવ્યા હતા એ જ રીતે તમારે મેળવવા છે? તમે નચિકેતની જવાળા વિશે સાંભળ્યું છે?’

‘હા, ત્રણ પડવાળું જ્ઞાાન મેળવવા જવાળા-આહુતિ, જવાળા જે આપણા સૌમાં પ્રજવલિત છે. જેનું નામ એ છોકરા ઉપરથી પડયું હતું જેણે યમરાજને પડકાર ફેંક્યો હતો!’

‘તમને નથી લાગતું કે નચિકેત જે રીતે મૃત્યુના દેવને મળ્યો હતો તેમ તમારે કોઈકને મળવું જોઈએ?’

તેણે મારો હાથ પકડયો અને ડબ્બાના બારણાં તરફ મને દોરી ગઈ. પછી સ્મિત વેરતા તેણે મારો હાથ છોડી દીધો અને ધીમેથી મારા કાનમાં ગુંજારવ કર્યોઃ ‘જયારે તમે તેને મળશો ત્યારે તમે તમારું છેવટનું ધ્યેય પ્રાપ્ત કરશો. બીજું છોડો, છેવટનું ધ્યેય પ્રાપ્ત કર્યા સિવાય જીવનનો અર્થ શું છે?’

હું ત્યાં જાણે થીજી ગયો હોઉં તેમ ઊભો રહી ગયો હતો- સમજવાનો પ્રયત્ન કરતો હોઉં તેમ. તેણે બે-એક વખત આંખ પટપટાવી અને ફરી બોલીઃ ‘તમે મારી વાત માનતા નથીને કે માનો છો?’

પછી અચાનક જ તેણે ટ્રેનમાંથી ભૂસકો માર્યો.

હું સાવ જડ જેવો થઈ ગયો. જ્યારે મને કંઈક ભાનસાન આવ્યું ત્યારે મેં ધીરેથી ટ્રેન બહાર જોયું કે તે ક્યાં પડી ગઈ હતી. તે કયાંય મળતી નહોતી.

મને સમજાયું કે કથા ઉપનિષદમાં નચિકેત જયાં ગયા હતા તે જ જગ્યાએ તે જતી રહી હતી. પ્રકાશ-જ્ઞાાન મેળવવા, અંતિમ ધ્યેય પામવા, તેના પ્રભુને મળવા.

જયારે મને બધું સમજાયું એટલે હું ડબ્બાના કિનારે ઊભો રહ્યો અને કૂદકો મારવાની તૈયારી કરવા લાગ્યો.

ચારે તરફ કેમેરાઓ ને રિપોર્ટરો દેખાઈ રહ્યા હતા. એકીસાથે જાણે હજાર ફલેશ થયા હોય તેવું લાગ્યું અને રિપોર્ટરો ડીએસપીને પ્રશ્નો ઉપર પ્રશ્નો પૂછી રહ્યા હતા. કોન્સ્ટેબલો ત્યાં એકઠા થયેલા ટોળાને કાબૂમાં રાખવા ભારે મહેનત કરી રહ્યા હતા.

‘શું અરુણ સેલ્વામ પાસે ટિકિટ નહોતી એટલે ટિકિટ ચેકરે તેને દોડતી ટ્રેનમાંથી ફેંકી દીધો હતો?’ આ સવાલ નહીં નહીં તો એક લાખ વાર પૂછવામાં આવ્યો હતો.

‘જુઓ, વાતને સમજો, એ માત્ર એક અફવા છે. કોઈએ ખરાબ ઈરાદાથી આ જુઠ્ઠાણું ફેલાવ્યું છે. મિ.સેલ્વામ પાસે ટિકિટ હતી જ. તેઓના શર્ટના ખિસ્સામાંથી અમને તે મળી હતી અને બીજી વાત એ સમયે કોઈ ટિકિટચેકર ટ્રેનમાં હોતા જ નથી.’

‘તો પછી તેઓ કઈ રીતે મૃત્યુ પામ્યા?’

‘જુઓ અહીં અમારી સાથે સિનિયર ફિઝિશિયન ડો.શંકર છે. તેઓ તમને આખી વાત સમજાવશે.’

ડો.શંકરે તેઓના ચશ્માંની દાંડીને ઊંચે ચડાવી અને પત્રકારોને સંબોધવાનું શરૂ કર્યું: ‘પોલીસે મરનાર પાસેથી ક્લોઝેપાઈન નામની દવાનું પત્તું કબજે કર્યું છે. આ દવાનો સ્ટ્રોંગ ડોઝ એટલે કે ૫૦૦ મિ.ગ્રા.ની નજીક એવું સૂચવે છે કે આ વ્યક્તિને જોવાનો, સાંભળવાનો અને સૂંઘવા સંબંધી ભ્રાંતિનો ભારે રોગ હોવો જોઈએ. મરનારને માનસિક તાણનો અને ખોટા ભ્રમોનો પણ રોગ થયો હોવો જોઈએ. એટલે નિઃશંક આ આપઘાતનો કેસ છે.’

ડો. શંકરના ખુલાસા પછી રિપોર્ટરો વિખરાઈ ગયા.

‘આભાર, ડોકટર, અમે આ વાત તેઓને સમજાવી શક્યા ન હોત.’ ડીએસપીએ ડોકટર સાથે હાથ મિલાવતા કહ્યું અને હૃદયપૂર્વક તેઓનો આભાર માન્યો.

શું આ મારા માટે સો વર્ષનું એકાંત બની રહેેશે?

આવા વિચારો ધીરેધીરે મારો કબજો લઈ રહ્યા હતા ત્યાં હું તેને ત્યાં ઊભેલી જોઉં છું. કદાચ મારી રાહ જોતી, તેના હોઠો ધીરેથી છૂટા પડયા અને પેલું લોહચુંબક જેવું સ્મિત ચમકી ઊઠયું.

હું મહામહેનતે તેની નજીક જાઉં છું. તેના હાથ મારા હાથમાં લઈ હું કહું છું, ‘તને તો લાગતું જ ન હતું કે હું આવીશ. લાગતું હતું?’

તે કોઈ જવાબ આપતી નથી. ફક્ત સ્મિત વેરે છે અને પોતાની નજરમાં મને જકડી લે છે.

અનંતકાળ સુધી જકડી લે છે.

જવાબની આશા વગર હું તેને પૂછું છું: ‘શું મેં તને કશું કહ્યું?’

‘હંઅઅ…’ તે મૃદુતાથી બોલે છે.

હવે થનાર અદ્ભુત વાતની મને લાગણી થતા ચારેતરફ મહેક ફેલાઈ ગઈ.

‘હું તને પ્રેમ કરું છું!’

હું કડાકાભડાકા સાંભળી શક્તો હતો. હું નાજુકાઈથી તેને ભેટું છું, તેના ચહેરાને ઢાંકી દેતા વાળને ઊંચા કરું છું અને તેના ગાલ પર નાજુક ચુંબન કરું છું!

[email protected]