જોકોવિચ અને ડેલ પોટ્રો યુએસ ઓપનની ફાઇનલમાં ટકરાશે - Sandesh
  • Home
  • Newspaper
  • જોકોવિચ અને ડેલ પોટ્રો યુએસ ઓપનની ફાઇનલમાં ટકરાશે

જોકોવિચ અને ડેલ પોટ્રો યુએસ ઓપનની ફાઇનલમાં ટકરાશે

 | 1:18 am IST

। ન્યૂયોર્ક ।

વિશ્વના નંબર વન ખેલાડી રફેલ નડાલે ઈજાને કારણે વચ્ચેથી મેચ છોડતાં આર્જેન્ટિનાના જુઆન માર્ટિન ડેલ પોર્ટો યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચી ગયો છે જ્યાં તેનો સામનો સર્બિયાના જોકોવિચ સામે થશે.

નડાલ સામે ડેલ પોટ્રોએ ૭-૬, ૬-૨થી પ્રથમ બે સેટ જીતી લીધા હતા. તે વખતે નડાલે કોણીની ઈજાને કારણે મેચમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો. નડાલે મેચ પડતી મૂકી તે પહેલાં બે વખત મેડિકલ ટાઇમ આઉટ લીધો હતો. નડાલે મેચમાંથી ખસી ગયા બાદ કહ્યું કે, મને અસહ્ય દુઃખાવો થઈ રહ્યો હતો જેને કારણે મેચમાં રમવું મુશ્કેલ બની ગયું હતું. મને મેચમાંથી ખસી જવું ગમતું નથી પરંતુ ઈજાને કારણે કોઈ છૂટકો નહોતો. આ સાથે ડેલ પોટ્રો નવ વર્ષ બાદ યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો છે. આ પહેલાં ૨૦૦૯માં પોટ્રોએ રોજર ફેડરરને હરાવી યુએસ ઓપનનું ટાઇટલ જીત્યું હતું.

અન્ય એક સેમિફાઇનલમાં નોવાક જોકોવિચે જાપાનના કેઈ નિશિકોરીને ૬-૩, ૬-૪, ૬-૨થી પરાજય આપી ૨૩મી વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકોવિચે ડેલ પોટ્રોને ૨૦૦૭ અને ૨૦૧૨માં બે વખત એકેય સેટ ગુમાવ્યા વિના પરાજય આપ્યો છે. જોકોવિચે યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચવાની સાથે વર્ષના અંતે યોજાતી એટીપી ફાઇનલ્સમાં ૧૧મી વખત ક્વોલિફાઈ કરી લીધું છે. જોકોવિચનો નિશિકોરી સામે જીત-હારનો રેકોર્ડ હવે ૧૫-૨ થ ઈ ગયો છે. જોકોવિચ આ સાથે સૌથી વધુ વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચનાર ત્રીજો ખેલાડી બન્યો છે. રોજર ફેડરર ૩૦ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચ્યો છે જ્યારે નડાલે ૨૪ વખત ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે.

પુરુષ ડબલ્સમાં અમેરિકાના માઇક બ્રાયન અને જેક સોકની અમેરિકન જોડીએ લુકાસ કુબોટ અને માર્સેલો મેલોની જોડીને ૬-૩, ૬-૧થી હરાવી ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. માઇક બ્રાયને કારકિર્દીનું ૧૮મું ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. તેનો ભાઈ બોબ બ્રાયન ઈજાગ્રસ્ત હોવાને કારણે માઇકે સોક સાથે જોડી બનાવી હતી.