do end of Shravan maas this way, it will bring all happiness
  • Home
  • Astrology
  • શ્રાવણ માસની પૂર્ણાહૂતિ કરો આ રીતે, શિવજીની મળશે અનંત કૃપા

શ્રાવણ માસની પૂર્ણાહૂતિ કરો આ રીતે, શિવજીની મળશે અનંત કૃપા

 | 6:23 pm IST

શ્રાવણ માસ રવિવારે પૂરો થઈ રહ્યો છે. એક મહિનાથી મંદિરોમાં અવિરત વહેતો ભક્તિનો સેલાબ હવે થંભી જતો જોવા મળશે. સામાન્ય રીતે મોડર્ન લાગતા અને વ્યાવસાયિક તેમજ અત્યંત વ્યસ્ત લાગતા લોકો મંદિરોમાં જઈને કલાક બેસો તો ખબર પડે કે કેટકેટલાં લોકો મંદિરમાં શિવઆરાધના માટે આવે છે. અવિરતપણે વહેતો એ જન સેલાબ એ જ મહાદેવનું વિશેષ મહત્વ દર્શાવે છે. ભક્તો યથાશક્તિ શિવ આરાધના કરીને ધન્યતા મેળવે છે. હવે જ્યારે તમે શ્રાવણ મહિનો દરરોજ મંદિર જઈને શિવજીને પાણી ચડાવી અને ભક્તિભાવ પૂર્વક પૂજા વિધિ કરી કર્યો છે તો ઉજવણી પણ એટલી જ ભવ્ય રીતે કરો. જો શ્રાવણ માસની ઉજવણી આ રીતે કરવામાં આવે તો ચોક્કસપણે તમને તેનું ખુબ સારું પરિણામ મળશે. જો કે અનેક લોકો એવા પણ હોય છે કે જેમને ફળની કોઈ આશા નથી. બસ એક જ શબ્દ મનમાં હોય છે. બાપજી.. ધ્યાન રાખજો. શિવ જીવ માત્રનું એમ જ પણ કલ્યાણ કરનારા દેવ છે. તે તમારી ભક્તિ અને સ્તુતિની શી રીતે અવગણના કરી શકે. આમછતાં શાસ્ત્ર પ્રમાણે એવું વિધિ વિધાન છે કે આ રીતે શ્રાવણ માસની પૂર્ણાહૂતિ કરવાથી શિવની કૃપા ઉતરે છે.

અમાસના દિવસે વહેલી સવારે નિત્ય કર્મ પતાવી દૈનિક સેવા પૂજા કરવી. તે પછી મહાદેવજીના પ્રસાદ માટે થાળ માટે ભોજન બનાવવું. યથા શક્તિ રીતે લાડુ કે ખીર કે પછી કોઈપણ મીઠાઈ અને એ ઉપરાંત આપ થાળમાં જે કાંઈ બનાવવા માંગતા હોય તે બનાવી લેવું. શિવ મંદિરે જઈને શિવજીની પૂજા- અભિષેક – પ્રાર્થના કરવી. ઘણાં જ લોકો મંદિરમાં અમાસના દિવસે રુદ્રી કરાવે છે. ભોળાનાથ ભાવના ભૂખ્યા છે. પૂર્ણ શ્રદ્ધા અને આસ્થાથી કરેલી નાનકડી પૂજા પણ ફળીભૂત થયા વગર રહેતી નથી. આ તો મહાદેવ છે. યથા શક્તિ યથાશક્તિ પૂજન કરીને પછી મહાદેવજીને થાળ ધરાવવો અને સપરિવાર પ્રસાદ આરોગવો.. ઘણાં લોકો મહિનાના ઉપવાસ કર્યા હોવાથી બ્રહ્મભોજન કરાવે છે. પછી આર્થિક સ્થિતિ પ્રમાણે દાન -દક્ષિણા કરે છે. ઘણાં લોકો વસ્ત્ર દાન કરે છે તો ઘણાં લોકો રોકડ દાન કરે છે. ઘણાં લોકો અમાસના દિવસે સાંજે મંદિરમાં સીધુ આપી આવે છે. ઘણાં લોકો મહાદેવજીને પણ વસ્ત્ર ચઢાવે છે. તો ઘણાં લોકો એ દિવસે ગરીબ લોકોને દાન કરે છે તો કોઈ ગરીબને ઘરનું રાશન ભરી આપે છે. તો ઘણાં નાના બાળકોને પ્રિય વસ્તુ હોય તે પ્રસાદ તરીકે વહેંચે છે.

શિવ મહિમાનો પાર પામી શકાતો નથી. ઘણી જગ્યાએ ભજન પણ કરવામાં આવે છે. મધુર કંઠે ગવાતા ભજનો અને તબલાની રમઝટથી સુંદર માહોલ રચાય છે. જાણે કે સમસ્ત પ્રકૃતિ શિવમય થઈ ગઈ હોય તેવું લાગે છે.  તો અનેક લોકો મહિમ્ન સહિતની શિવસ્તુતિ કરે છે.

ઘણાં લોકો પોતાની બહેન દીકરીઓને જમાડીને દાન- દક્ષિણા કરે છે. તો ઘણાં લોકો ગાયને ઘાસ નાંખે છે. તો અનેક લોકો કીડીયારું પુરે છે. તો અનેક લોકો પક્ષીઓને ચણ નાંખે છે.

આમ આવી રીતે કરેલી શ્રાવણ માસની પૂર્ણાહૂતિ અનંત પૂણ્યની પ્રાપ્તિ કરાવે છે. તમે પણ કરો આ રીતે ભાવપૂર્ણ શ્રાવણ મહીનાની પૂર્ણાહૂતિ.. શિવજીની અનંત કૃપા મેળવીને અંતે શિવલોકમાં સ્થાન મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન