Koteshwar Dham Mahadev temple, Zolapur, Spiritual,Astrology
  • Home
  • Astrology
  • રાજુલામાં પણ આવેલા છે સ્વયંભૂ કોટેશ્વર મહાદેવ, કરો દર્શન

રાજુલામાં પણ આવેલા છે સ્વયંભૂ કોટેશ્વર મહાદેવ, કરો દર્શન

 | 4:59 pm IST

શ્રાવણ માસ એટલે શિવ ઉપાસનાનુ શ્રેષ્ઠ પર્વ. ત્યારે અમે આજે આપને એક એવા શિવાલયના દર્શન કરાવીએ કે જેની કથા સોમનાથ મન્દિર સાથે જોડાયેલ છે અને આ શિવલીંગનો ઇતિહાસ અનોખો પણ છે. તો આવો દર્શન કરીએ રાજુલા તાલુકાના ઝોલાપુર ગામે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિના..

રાજુલા તાલુકાના ઝોલાપુર ગામે બિરાજમાન છે કોટેશ્વર મહાદેવ. તેમનો ઇતિહાસ અનેરો જ છે. આજથી પાંચસો વર્ષ પહેલા એક ઉંડા ખાડામાં આ શિવલીંગ જોવા મળ્યું હતું ત્યારે ગામલોકોએ આ શિવલીંગને ઉપર લેવા ખોદકામ શરુ કરેલું. ઉંડુ ખોદવા છતાં તેનું તળ બહાર ન આવતા આખરે ત્યાં જ તે શિવલિંગની વિધિવત સ્થાપના કરી દેવામાં આવી. પુરા કદના  આ શિવલીંગની પુજા કરવામાં આવતી હતી.

લોક કથા મુજબ જ્યારે મહમદ ગઝનીએ સોમનાથનુ મન્દિર તોડ્યું ત્યારબાદ તેની સેના ઝોલાપુર ગામે આવી ચડી હતી. શિવલીંગને તલવાર જેવા હથીયારોથી તોડતા એમાંથી લોહી નિકળવા લાગ્યું હતું અને ભમરાઓ ઉત્પન્ન થતાં સૈનિકોને ભાગવું પડ્યું હતું. તે આ શિવલિંગ હોવાનું મનાય છે. આજે પણ આ શિવલીંગ ઉપર એ તલવારના ઘા નો વાઢ સ્પષ્ટ નજરે પડે છે.

કાળ ક્રમે આ શિવાલયનો જિર્ણોધ્ધાર થતો ગયો. આજે આ ચમત્કારીક કોટેશ્વર મહાદેવના દર્શને દૂર દૂરથી હજારો શિવભક્તો દાદાના દરબારમાં માથું ટેકવવા આવે છે. દાદો તેમની તમામ મનોકામનાઓ પુરી કરે છે. આ શિવાલયની એક ખાસ વિષેશતા એ છે કે શ્રાવણ માસમાં અહિંયા અલગ જ દિપમાળા કરવામાં આવે છે, જેમા સવાપાંચ કિલો ઘીની  સવાપાંચસો કોડીયાની દિપમાળા કેળના થભને કોતરીને ડીઝાઈન બનાવી આરતી કરાય છે.

બીજી વિશેષતા એ છે કે અહિંયા મન્દિરમાં આઠ ઘંટ અને દેશી ઝાલરો તેમજ શંખ અને નગારુ છે જેના નાદથી આખુંયે શિવાલય ગુંજી ઉઠે છે. અહિંયા આરતી સમયે ગામના વડીલો બાળકો સહિત મહિલાઓની પણ મોટી સંખ્યામા હાજરી હોય છે. આ કોટેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાચિન કલાકૃતિથી સજ્જ ગણપતિજી હનુમાનજી, માતા પાર્વતિ અને નંદી તેમજ કાચબો પણ છે. આમ દાદાના દરબારમાં આવનારા ભક્તજનોની મનોકામનાઓ પુર્ણ કરે છે.

ઝોલાપુર ગામે આવેલા આ કોટેશ્વર મહાદેવના દર્શને આવનાર શિવભક્તોની દરેક મનોકામનાઓ પુરી થતી હોય, લોકો શ્રાવણ માસમાં આસપાસના ગામડેથી ખાસ દર્શને આવે છે.
ત્યારે આ સ્વયંભુ કોટેશ્વર દાદાની ગામ ઉપર અસીમ કૃપા છે જેના કારણે ગામ સુખી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

આ શિવલીંગ સ્વયંભુ પ્રગટ થયેલું હોવાથી અહિંયા મહિલાઓ પણ ખાસ માનતાઓ કરીને આવે છે. ખાસ કરીને નિઃસંતાન બહેનો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીમા પણ અનેરી આસ્થા જોવા મળે છે. અને આખુ ગામ આ મંદિરનો અનેરો મહિમા જાણતું હોવાથી અહિંનું મહાત્મ વિશેષ રીતે જોવાય છે.

ઝોલાપુર ગામે આવેલા આ વિરાટ સ્વયંભુ કોટેશ્વર મહાદેવના અનેરા ઐતિહાસીક મહાદેવ મંદિરે આવનારા લોકોની આસ્થા દિન પ્રતિદિન વધતી જતી હોય હવે આ એક નાનકડું યાત્રાધામ બની રહ્યું છે. જેની વિશેષ નોધ લેવી ઘટે..