Do hair growth grow on the onion ? How beneficial it is
  • Home
  • Fashion & Beauty
  • શું કાંદા લગાડવાથી વાળનો ગ્રોથ થાય? કેવી રીતે લાભદાયી

શું કાંદા લગાડવાથી વાળનો ગ્રોથ થાય? કેવી રીતે લાભદાયી

 | 12:29 pm IST

હેર ટિપ્સ : હેતા પટેલ

કલાકોના કલાકો સુધી પ્રદૂષણમાં રહીને, અત્યંત સ્ટ્રેસફુલ જીવન જીવીને, કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સ વાપરીને તેમજ ખોરાકમાં પણ યોગ્ય કાળજીના અભાવને કારણે આપણી ત્વચા તો બગડે જ છે સાથે સાથે વાળ પણ ખરાબ થાય છે. પરિણામે વાળ ખરવાની સમસ્યા થવા લાગે છે. આ સમસ્યા માત્ર સ્ત્રીઓને જ નહીં પણ પુરુષોમાં પણ જોવા મળે છે. આપણી આ જ તકલીફનો લાભ મોટી મોટી કંપનીઓ લઇને મોંઘા ભાવનાં શેમ્પૂ, કંડિશનર બજારમાં મૂકે છે, તેની લલચામણી, લોભામણી જાહેરખબરો જોઇને આપણે તેમાં અઢળક પૈસા વાપરી નાખીએ છીએ પણ પરિણામ કશું જ મળતું નથી.

તેના બદલે આપણાં રસોડામાં જ એવા કેટલાંય ખાદ્ય પદાર્થો છે કે જેનો ઉપયોગ કરીને તમે વાળને ખરતાં અટકાવી શકો છો. આપણે એવા કેટલાંય ઘરેલુ નુસખા આપણાં દાદી અને નાની પાસેથી સાંભળ્યા હશે કે જેને ઉપયોગમાં લઇને આપણે આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. જેમ કે, આપણે અનેકવાર સાંભળી ચૂક્યા છીએ કે વાળને ખરતાં અટકાવવા હોય અને ગ્રોથ વધારવો હોય તો કાંદાનો ઉપયોગ કરવો જોઇએ. કાંદા ખરેખર વાળ માટે ફાયદાકારક છે કે નહીં તે વિશે વાત કરી લઇએ.

કાંદા કઈ રીતે વાળ માટે લાભદાયી?  

કાંદામાં વધારે માત્રામાં સલ્ફર મળી આવે છે. સલ્ફર વાળમાં ભળે એટલે તે વાળને તૂટતાં અને ખરતાં અટકાવે છે. આપણી ત્વચા અને વાળ બંને માટે ડાયટરી સલ્ફર ખૂબ જ જરૂરી છે. કાંદામાં રહેલી તેની ભરપૂર માત્રા તેને આપણાં વાળ માટે ગુણકારી સાબિત કરવા સક્ષમ છે. વાળના ગ્રોથ માટે પણ કાંદા ઉપયોગી એ માટે છે, કેમ કે સલ્ફર વાળના ગ્રોથને પણ વધારવાનું કાર્ય કરે છે. વળી તેમાં એન્ટિ ફંગલ અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે, તેથી જ સલાડમાં પણ કાંદા ખાવા ઉપર ભાર મૂકવામાં આવે છે. કાંદાનો પલ્પ અને જ્યૂસ જો વાળમાં નિયમિતપણે લગાવવામાં આવે તો તેનાથી માથાનું બ્લડ સર્ક્યુલેશન વધે છે ને વાળનો ગ્રોથ પણ આપોઆપ વધવા લાગે છે.

બ્લડ સર્ક્યુલેશન વધતાં નવા વાળ ઊગવાની શરૂઆત થવા લાગે છે. ઘણાં લોકોના વાળ એટલા નબળા હોય છે કે તે આખા ઊતરવાની સાથે વચ્ચેથી પણ ઘણાં તૂટીને ઊતરી જતાં હોય છે. કાંદાનું તેલ કે જ્યૂસ આને પણ રોકે છે અને તમારા વાળને મૂળથી જ મજબૂત બનાવે છે. એક શોધ મુજબ જો વાળનો ગ્રોથ વધારવાની સાથે સાથે તેમાં શાઇનિંગ લાવવી હોય તો નિયમિતપણે કાંદાના તેલને વાળમાં માલીશ કરવાનું રાખવું જોઇએ. તેનાથી વાળમાં નેચરલ સાઇન આવશે અને સતત ત્રણ મહિના સુધી તમે તેલ નાખીને બંધ કરશો તો પણ વાળ મજબૂત અને શાઇની જ રહેશે.

કેવી રીતે વાળમાં કાંદાનો ઉપયોગ કરવો?  

કાંદાને ક્રશ કરી તેના જ્યૂસને ગાળીને કોઇ તેલમાં મિક્સ કરીને લગાવો. કાંદાનો સીધો રસ લગાવશો તો તેનાથી વાળમાં ગંદી વાસ આવશે, માટે નાળિયેર તેલ, બદામનું તેલ કે તલના તેલમાં તેને મિક્સ કરીને વાળમાં માલિશ કરવું. અઠવાડિયામાં એકવાર દહીં, નાળિયેર તેલ અને કાંદાના રસને મિક્સ કરીને માથામાં હળવે હાથે માલિશ કરીને લગાવી દસ મિનિટ રાખ્યા બાદ ધોઇ નાખવાથી પણ શ્રેષ્ઠ રિઝલ્ટ મળશે. કાંદાના જ્યૂસને તેલમાં મિક્સ કરશો તો પણ થોડી વાસ તો આવવાની જ. તે વાસને ઓછી કરવા તેમાં અડધા લીંબુનો રસ નાખવાથી ઓછી થઇ જશે. માત્ર એક મહિનો અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ અજમાવવાથી તમને તરત જ તમારા વાળમાં ફેર દેખાવા લાગશે. જેટલું તેલ માથામાં લગાવવા માગતાં હોવ તેટલો જ કાંદાનો રસ કાઢવો અને માથામાં પણ એક રાત પૂરતું જ તેલ લગાવવું. તેનાથી વધારે સમય કાંદાવાળું તેલ માથામાં ન રાખવું.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન