શું કરતારપુર કોરિડોર ખાલિસ્તાની તાકાતોને ફરી સક્રિય કરશે? - Sandesh
  • Home
  • Columnist
  • શું કરતારપુર કોરિડોર ખાલિસ્તાની તાકાતોને ફરી સક્રિય કરશે?

શું કરતારપુર કોરિડોર ખાલિસ્તાની તાકાતોને ફરી સક્રિય કરશે?

 | 2:24 am IST

ઓવર વ્યૂ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક કરતારપુર કોરિડોર ખૂલે તેના બે દિવસ પહેલાં પાકિસ્તાનની સરકારે એક વીડિયો જારી કર્યો છે. તેમાં ખાલિસ્તાની ભાગલાવાદી આંદોલનના બેનર અને માર્યા ગયેલા ત્રણ ભાગલાવાદીઓની તસવીરો બતાવવામાં આવી હતી.

પાકિસ્તાની સરકાર દ્વારા આ પ્રસંગે જારી થયેલા વીડિયોનો હેતુ તો કોરિડોર ખૂલવા પ્રસંગે ઉત્સવ મનાવવાનો છે. પરંતુ વીડિયોમાં ખાલિસ્તાની ભા।ગલાવાદી આંદોલનના બેનર અને સુરક્ષા દળો દ્વારા હણવામાં આવેલા ત્રણ ભાગલાવાદી બતાવવામાં આવતાં સમગ્ર પ્રોજેક્ટ સામે સવાલ ઊભા થયા છે.

ચાર મિનિટ લાંબા વીડિયોમાં કેટલાક શીખ શ્રદ્ધાળુ પાકિસ્તાનમાં એક તરફ ગુરુદ્વારા જતા દેખાય છે અને તેમની પૃષ્ઠભૂમિમાં દેખાતા પોસ્ટરમાં ‘ખાલિસ્તાન ૨૦૨૦ ‘લખેલું છે. એ જ પોસ્ટરમાં ખાલિસ્તાની ભાગલાવાદી જર્નેલસિંહ, મેજર જનરલ શાબેગસિંહ અને અમરિકસિંહ ખાલસાની તસવીરો જોવા મળે છે.

ભિંદરાનવાલે ડમડમી ટકસાલ નામના સંગઠનનો વડો હતો. તેણે શીખો માટે એક અલગ દેશની માગણી કરી રહેલા આંદોલનને હિંસક રૂપ આપ્યું હતું. મેજર જનરલ શાબેગસિંહ ભારતીય સૈન્યના અધિકારી હતા અને તેઓ ભિંદરાનવાલે સાથે જોડાઈ ગયા હતા. અમરિકસિંહ પણ આ આંદોલનના જ એક નેતા હતા.

પાકિસ્તાને અચાનક કરતારપુર કોરિડોર ખોલવાની વાત કરી તો ભારતના લોકો ચોંકી ગયા હતા. આ પ્રોજેક્ટ પ્રતિ શંકાની નજરે પણ જોવાતું હતું. ભારતમાં આવેલા પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે પણ ખાલિસ્તાન આંદોલનને ફરી ચાલુ કરવાની પાકિસ્તાનની આ ચાલ હોવાનું જણાવ્યું હતું. જોકે, બંને દેશો અને પછીથી તો મુખ્યપ્રધાન અમરિન્દરસિંહ પણ કોરિડોર પ્રોજેક્ટને આગળ વધારવા હાથ ધરવામાં આવેલા પરામર્શમાં સામેલ થઈ ગયા. જોકે, નવો વીડિયો સામે આવતાં તેઓ ફરી પોતાની દોહરાવવા લાગ્યા અને લોકોને સાવધ રહેવા અપીલ કરવા લાગ્યા.

ભૂતપૂર્વ વિદેશ સચિવ શશાંકે ડોચબે જણાવ્યું હતું કે, અમરિન્દરસિંહ જાણકાર છે. સ્થિતિઓને ખૂબ સારી રીતે સમજે છે, તેથી તેમની વાતને નકારી ના શકાય. તેમણે કહ્યું કે,’ ભારતે સાવધાન રહેવું જોઈએ. પણ શીખ સમુદાયની ભાવનાને પણ ધ્યાને લેવી જોઈએ. પાકિસ્તાન જરૂર ઇચ્છશે કે તે વિશ્વભરના શીખ સમુદાયના લોકોનો તે ભારત વિરુદ્ધ ઉપયોગ કરે. પરંતુ પાકિસ્તાન દ્વારા થતા તમામ પ્રયાસનો ભારત નકારાત્મક જવાબ પણ ના આપી શકે.’ કેટલાક સમીક્ષકો આ સમગ્ર પ્રોજેક્ટને જ પીડાદાયક માની રહ્યા છે અને કહી રહ્યા છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આ માટે હા જ નહોતી પાડવી જોઈતી. ભારત-પાકિસ્તાન બાબતના જાણકાર અને ઓબ્ઝર્વ રિસર્ચ ફાઉન્ડેશનના વરિષ્ઠ અધિકારી સુશાંત સરીન આવા સમીક્ષકો પૈકીના એક છે. તેમણે ડોયચે વેલે સાથેની વાતચીતમાં કહ્યું કે, તેઓ આરંભથી જ આ યોજનાના આલોચક રહ્યા છે કેમ કે તે વાત પૂરી રીતે સ્પષ્ટ છે કે, પાકિસ્તાન વીતેલા કેટલાક વર્ષોથી ખાલિસ્તાની ચળવળને હવા આપવાનું કામ કરી રહ્યો છે. સરીને કહ્યું કે , ‘બ્રિટન,કેનેડા, અમેરિકા જેવા દેશોમાં પાકિસ્તાન ખાલિસ્તાની તાકાતોને વીતેલા ૨૦-૩૦ વર્ષથી પ્રોત્સાહન આપી રહ્યો છે. વીતેલા કેટલાક વર્ષોમાં પણ તો આ પ્રયાસ વેગવંતા થયા છે.’ તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ વિષે શંકા સેવવાનું એક વધુ કારણ એ છે કે, કોરિડોર પ્રોજેક્ટની જાહેરાત અચાનક કરવામાં આવી હતી. પાકિસ્તાની વિદેશપ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ પણ નિવેદન આપ્યું હતું કે કરતારપુર કોરિડોરના રૂપમાં પાકિસ્તાને એક ગુગલી દડો ફેંક્યો હતો અને ભારત સરકાર તે ગુગલી દડાને રમીને ખુલ્લી આંખે પાકિસ્તાનની જાળમાં આવી ગયો.

ખાલિસ્તાન આંદોલન ભારતના સૌથી ખતરનાક આંદોલન પૈકીનું એક રહ્યું છે. તે આંદોલને પંજાબમાં હિંસાની એવી આગમાં ધકેલી દીધું હતું કે તે ૭૦,૮૦ અને ૯૦ના દાયકા સુધી તે આગમાં શેકાતું રહ્યું. તે હિંસાઓ હજારો જીવ લીધા. પૂર્વ વડા પ્રધાન ઇંદિરા ગાંધી પણ તેમાં સામેલ હતા. ઇંદિરા ગાંધીની હત્યા થતાં સમગ્ર દેશમાં રમખાણો ફાટી નીકળ્યા અને તે રમખાણોએ પાછા વધુ જીવ લીધાં.  ૯૦ના દાયકામાં મોટી મુશ્કેલીથી ભારતે આ આંદોલનને નિયંત્રણમાં લીધું. તેને કારણે જ્યારે પણ ખાલિસ્તાનની વાત થાય છે ત્યારે ભારતના સંરક્ષણતંત્રના કાન સરવા થઈ જાય છે. ખાલિસ્તાન રેફરન્ડમ ૨૦૨૦ તે વિદેશમાં કાર્યરત કેટલાક શીખ સંગઠનોનો કાર્યક્રમ છે. તે કાર્યક્રમની મદદથી ખાલિસ્તાનમાં વિશ્વાસ ધરાવનારા લોકો અવિધિસર રીતે જનમતસંગ્રહમાં ભાગ લેશે.

વરિષ્ઠ પત્રકાર સંજય કપૂરનું કહેવું છે કે, ભારતની સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાન અંગેની દહેશત વ્યક્ત કરી હતી. જે લોકો માની રહ્યા છે કે આ પ્રોજેક્ટ શરૂ કરવા પાછળ પાકિસ્તાન સારો ઇરાદો ધરાવતું નથી તે પણ દહેશત વ્યક્ત કરી રહ્યા છે. સંજય કપૂર કહે છે કે,’તેમને એવું લાગે છે કે, રેફરન્ડમ ૨૦૨૦નું આયોજન થઈ રહ્યું છે તેવામાં પાકિસ્તાન દેશવાસીઓની વચ્ચેની તિરાડનો લાભ લેવા માગે છે.’ આ વાત કેટલીક હદે સાચી પણ છે.  આ તમામ આશંકા અને વિવાદો વચ્ચે કોરિડોર ખુલ્લો મુકાશે. આઠ નવેમ્બરે ભારતનાં વડા પ્રધાન મોદી કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરશે અને પછીના દિવસે પાકિસ્તાન તરફથી પણ વડા પ્રધાન ઇમરાન ખાન ઉદ્ઘાટન કરશે.

તે દરમિયાન કેટલાક મુદ્દે ગતિરોધ પણ બનેલો છે. ભારતનું કહેવું છે કે, પાકિસ્તાન જનારા જે લોકોની યાદી ભારત તરફથી મોકલવામાં આવી હતી, તે યાદી સંબંધમાં પાકિસ્તાન તરફથી હજી મંજૂરી નથી આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન