Best stuti is Narayan kavach, if done everyday God Vishnu will bless you
  • Home
  • Astrology
  • નારાયણ કવચ એ વિષ્ણુના મંત્રોનું અમોધ કવચ, નિત્ય કરવાથી ઉતરે છે શ્રી વિષ્ણુ કૃપા

નારાયણ કવચ એ વિષ્ણુના મંત્રોનું અમોધ કવચ, નિત્ય કરવાથી ઉતરે છે શ્રી વિષ્ણુ કૃપા

 | 10:21 pm IST

‘કવચ’ એટલે બખ્તર અને ‘નારાયણ’ એટલે શ્રીહરિ સ્વયં. આમ, ભગવાન વિષ્ણુના મંત્રજાપનું અમોધ કવચ દેવોને સ્તુતિરૂપે આપ્યું એટલે દેવો બળવાન થયા અને દાનવો ઉપર તેમણે નારાયણ કવચના બળથી ચડાઈ કરી અને લડાઈમાં દેવોનો વિજય થયો.

શુક્રદેવજી બોલ્યા, ‘હે રાજન! જે કોઈ મનુષ્ય આ દિવ્ય નારાયણ કવચનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરશે અથવા તેનું આદરપૂર્વક શ્રવણ કરશે તે સર્વ ભયથી મુક્ત થશે અને આસુરી શક્તિ ઉપર વિજયી થશે.’

તસ્યાસન્ વિશ્વરૂપસ્ય શિરાંસિ ત્રીણિ ભારત ।
સોમપીંથ સુરાપીથમત્રાદમિતિ શુશ્રુમ ।।

વિશ્વરૂપનું મોસાળ અસુરકુળમાં હતું, આથી એકવાર અસુરો વિશ્વરૂપ પાસે આવ્યા અને બોલ્યા, ‘હે બ્રહ્મદેવ! યજ્ઞામાં તમે અમે આહુતિ આપો.’ વિશ્વરૂપ તો બ્રહ્મદૃષ્ટિ રાખનારા પવિત્ર બ્રાહ્મણ હતા તેઓ રાક્ષસોમાં પણ ઈશ્વરના દર્શન કરતા હતા. વિશ્વરૂપ જીવમાત્રામાં ભેદ નહોતા રાખતા તેમને અભેદભાવ સિદ્ધ થયો હતો. વિશ્વરૂપના રાક્ષસો પ્રત્યેના પ્રતિભાવને કારણે ઈન્દ્રને ચિંતા થઈ. આ ચિંતાથી ગ્રસિત થઈ તેણે એક દિવસ વિશ્વરૂપના ત્રણેય મસ્તક કાપી નાંખ્યા અને ઈન્દ્રના હાથે વિશ્વરૂપનું મૃત્યુ નિપજ્યું. ઈન્દ્રએ વિશ્વરૂપને હણ્યો તો ખરો પણ વિશ્વરૂપ બ્રાહ્મણ હતો આથી ઈન્દ્રદેવને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. ઈન્દ્રએ આ બ્રહ્મહત્યાના પાપને પૃથ્વી, જળ, વૃક્ષ અને સ્ત્રી એમ ચાર ભાગમાં વિભાજીત કરી નાખ્યું.

વિશ્વરૂપના પિતાનું નામ ત્વષ્ટા. ત્વષ્ટાએ જાણ્યું કે ઈન્દ્રએ મારા પુત્રનું મસ્તક કાપી નાખ્યું. આથી ત્વષ્ટા ક્રોધે ભરાયો અને ઈન્દ્રને મારવાનો સંકલ્પ કરી યજ્ઞનો આરંભ કર્યો. ‘ઈન્દ્રશત્રુ વિવર્ધસ્વ’ નામના મંત્રજાપથી યજ્ઞમાં મંત્રનો હોમ કરવાનો હતો પણ ભૂલથી ત્વષ્ટાએ ઈન્દ્રશત્રૂ વિવર્ધસ્વ બોલાઈ ગયું. એટલે કે, હ્રસ્વ ‘ઉ’ દીર્ધ કર્યો આથી તેનો અર્થ પલટાઈ ગયો. વેદમંત્રોમાં ઉચ્ચારનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ નહીંતર તેનો અર્થ બદલાઈ જાય છે અને આપણને વિપરીત ફળ પણ મળવાની સંભાવના છે. આ પ્રમાણે ત્વષ્ટાને ખોટા ઉચ્ચારનું વિપરીત ફળ મળ્યું આથી યજ્ઞના અંતે ઉત્પન્ન થયેલો ભયંકર વૃત્રાસૂરનો ઈન્દ્રના હાથે નાશ થયો.

સ્વામી રામસુખદાસજીએ આની સુંદર સ્પષ્ટતા કરી છે. ત્વષ્ટા દ્વારા કરેલા આ યજ્ઞમાં ઋષિઓએ ‘ઈન્દ્રશત્રું વિવર્ધસ્ય’ મંત્ર સાથે યજ્ઞ કર્યો. ‘ઈન્દ્રશત્રુ’ શબ્દમાં જો ષષ્ઠીતત્પુરુષ-સમાસ હોય તો એનો અર્થ થાય ‘ઈન્દ્રસ્ય શત્રુઃ’ (ઈન્દ્રનો શત્રુ); અને જો બહુવ્રીહિ-સમાસ હોય તો એનો અર્થ થાય-‘ઈન્દ્રઃશત્રુર્યસ્ય’ (જેનો શત્રુ ઈન્દ્ર છે) સમાસમાં ભેદ થવાથી સ્વરમાં પણ ભેદ થઈ જાય છે. જેથી, ષષ્ઠીતત્પુરુષ સમાસમાં ‘ઈન્દ્રશત્રુ’ શબ્દનો ઉચ્ચારણ અન્યોદાત્ત થયું અર્થાત્ અંતિમઅક્ષર ‘ત્રુ’નો ઉચ્ચારણ ઉદાત્ત સ્વરથી થયું. ઋષિઓના ઉદેશ્ય તો ષષ્ઠીતત્પુરુષ-સમાસવાળા ‘ઈન્દ્રશત્રુ’ શબ્દનો અન્ત્યોદાત્ત ઉચ્ચારણ કરવાનો હતો. પરંતુ, તેમણે આદ્યોદાત્ત ઉચ્ચારણ કર્યું. આ પ્રમાણે સ્વરભેદ થવાથી મંત્રોચ્ચારણ જુદુ થઈ ગયું અને તેનું ફળ પણ વિપરીત મળ્યું. જેથી ઈન્દ્ર ત્વષ્ટાના પુત્રનો વધ કરવાવાળા થઈ ગયા.

કહેવાનું તાત્પર્ય એ છે કે યોગ્ય ઉચ્ચરણ સાથે જો ભાવ પૂર્વક ભક્તિ કરવામાં આવે તો ઈચ્છિત પરિણામની પ્રાપ્તિ થાય છે. જો ન ફાવે સંસ્કૃત શ્લોક તો સાદી સ્તુતિ કે પાઠ પણ કરી શકાય છે. વિષ્ણું પૂજા માટે નારાયણ કવચનો પાઠ એ સર્વશ્રેષ્ઠ ફળદાતા છે. તેનો રોજ પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની અનન્ય કૃપા ઉતરે છે.