Do not ignoreDo not ignore psoriasis nor will it be heavy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સોરાઇસિસને ન કરશો ઇગ્નોર, નહીંતર પડશે ભારે 

સોરાઇસિસને ન કરશો ઇગ્નોર, નહીંતર પડશે ભારે 

 | 12:11 pm IST

ફિટનેસ :- કથા રાવલ

દરેક વ્યક્તિ જેટલી કાળજી પોતાના સ્વાસ્થ્ય માટે લેતી હોય છે તેટલી જ કાળજી પોતાની ત્વચા માટે પણ લેવી જોઇએ. કેમ કે ઘણીવાર એવું બનતું હોય છે કે ત્વચા માટે જાગૃતિ ન હોય તો ત્વચાને લગતી કેટલી ગંભીર બીમારી ઘર કરી જતી હોય છે. શરીર ઉપર અલગ-અલગ જગ્યાએ લાલ ધબ્બા દેખાવા લાગે, અને તેમાં સતત ચળ આવતી હોય તો તેનો તરત ઇલાજ કરાવો. કેમ કે આ સોરાઇસિસ પણ હોઇ શકે છે. સોરાઇસિસ એ લાંબા સમય અથવા તો કહો કે જીવનભર ચાલતો ઓટોઇમ્યુન રોગ છે. ઘણાંને સોરાઇસિસ શરીરના અમુક ભાગમાં જ થતો હોય છે, જ્યારે ઘણાના શરીરની મોટા ભાગની ત્વચા પર સોરાઈસિસ ફેલાઈ જતો હોય છે. અલબત્ત આ રોગ રોગીષ્ટ વ્યક્તિના સંસર્ગમાં આવવાથી ફેલાતો નથી, માટે તેનાથી ડરવાનું કે દૂર રહેવાનું કોઈ કારણ નથી.

આ રોગ જીવલેણ પણ નથી, પરંતુ જેને આ રોગ થયો હોય તેની ત્વચા ખરાબ થઇ જતાં વ્યક્તિ પોતાનો આત્મવિશ્વાસ ખોઇ બેસતી હોય છે. ખાસ કરીને જો મહિલાને આ રોગ થયો હોય તો તે ખૂબ ભાંગી પડતી હોય છે. સમાજમાં પણ તેને ઘણીવાર તકલીફ થતી હોય છે. એવાં સમયે આ રોગ થયેલી વ્યક્તિને પ્રેમ આપવાની તેમજ સમજણથી તેમને ટેકલ કરવાની જરૂર હોય છે. જો કે સાથે સાથે આ રોગ માટે જાગૃતિ કેળવવાની પણ જરૂર છે. કેમ કે જેને પણ સોરાઇસિસની શરૂઆત થતી હોય તે વ્યક્તિ શરૂઆતમાં નાની-મોટી ત્વચાની એલર્જી હશે તેવું માનીને ડોક્ટરને બતાવવા જ નથી જતાં, અને ઊંટવૈદંુ કરીને ઘરે જ દવા લે છે, અથવા કોઇ ક્રીમ કે તેલ લગાવ્યા કરે છે. પરિણામ એ આવે છે કે બીમારી વધતી જાય છે. જો તકલીફ થતાંની સાથે જ ડોક્ટરને બતાવીને પ્રોપર દવા લેવાની શરૂ થઇ જાય તો બીમારી બહુ આગળ નથી વધતી. માટે સોરાઇસિસ બાબતે જાગૃત થઇને તરત તેનો પ્રોપર ઇલાજ કરાવવો ખૂબ જરૂરી છે. અહીં ઉલ્લેખનીય છે કે આ રોગથી જીવ નથી જતો પણ ચામડીની સ્થિતિ બગડી જતાં ઘણીવાર માણસ ભાંગી પડતો હોય છે, અને અમુક કિસ્સામાં ડિપ્રેશન પણ આવી જતું હોય છે.

 શું છે સોરાઇસિસ  

સોરાઇસિસમાં રોગપ્રતીકારક તંત્ર ભૂલથી ત્વચાની સ્વસ્થ કોષીકા ઉપર હુમલો કરી દે છે. જેના કારણે કોષીકાઓની ઉત્પત્તિ વધી જાય છે, અને આ કારણે મૃત સેલ્સ ત્વચાના ઉપરના ભાગમાં જલદી આવવા લાગે છે. જેથી કરીને ત્વચા ઉપર ઠેર ઠેર જાણે ખરજવું થયું હોય તેવા લાલ લાલ ચામઠા થઇ જાય છે. જેમાં ચળ આવે છે, તે ત્વચા સૂકી થવા લાગે છે અને તેમાંથી ફોતરી ઉખડવા લાગે છે. આ રોગ મોટેભાગે કપાળ ઉપર, માથામાં, કોણી ઉપર, ઢીંચણ, હાથ, પગ અને નખ ઉપર થાય છે. સોરાઇસિસ થવા પાછળ ઘણાં કારણો માનવામાં આવે છે. જેમ કે વંશ પરંપરાગત, વધારે પડતાં ટેન્શનથી, તેમજ રોગપ્રતિકાકર ક્ષમતા ઓછી હોવાને કારણે આ પ્રકારની તકલીફ થતી હોય છે. સોરાઇસિસના ત્રણ પ્રકાર છે. શરીરના ત્રણ ટકા ભાગમાં જો તે થયો હોય તો તેને હળવો સોરાઇસિસ કહે છે. ૧૦ ટકા જેટલાં ભાગમાં થયો હોય તો તેને ચેતી જવા જેવો માનવામાં આવે છે, જ્યારે દસથી વધારે ટકા સોરાઇસિસ હોય તો તેને ગંભીર લક્ષણ જણાવવામાં આવે છે.

સોરાઇસિસનાં લક્ષણો  

સોરાઇસિસમાં આમ તો વ્યક્તિ વ્યક્તિ પ્રમાણે અલગ-અલગ લક્ષણ હોય છે. તેમ છતાં જો કોઇ કોમન લક્ષણોની આપણે વાત કરી રહ્યાં હોઇએ તો આ રોગ થતો હોય તે પહેલાં ત્વચા એકદમ અચાનક ડ્રાય થઇ જતી હોય છે, ત્વચા ઉપર ક્રેક પડવા લાગે છે, અને ઘણાં કેસમાં તે ક્રેકમાંથી થોડું લોહી પણ નીકળતું હોય છે. વળી ત્વચા ઉપર સતત ચળ આવવા લાગે છે. પગમાં સોજો ચડે છે, અને સૌથી મોટું લક્ષણ ત્વચા ઉપર લાલ ચામઠા પડી જાય છે, તેમજ ફોતરી ઉખડવા લાગે છે.

સોરાઇસિસ થતાંની સાથે વ્યક્તિ પોતાની ત્વચા ખરાબ થતાં ડિપ્રેશનમાં જવા લાગે છે, તે તેના વિશે વધારે પડતાં સજાગ થઇ જાય છે અને ચિંતા કરવા લાગે છે, જેને કારણે આ રોગમાં વધારો થાય છે. માટે આ કોઇ જીવલેણ રોગ નથી એમ વિચારી બને ત્યાં સુધી ચિંતાથી દૂર રહેવું. વારંવાર ત્વચાની સાફસફાઇ કરતા રહેવી, પેટમાં કચરો જાય તેવો ખોરાક ખાવાને બદલે સારો ખોરાક, હેલ્ધી ખોરાક લેવો. પૂરતી ઊંઘ કરવી, અને બને તેટલું વધારે પ્રમાણમાં પાણી પીવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન