Do the hair in the way of growing age
  • Home
  • Fashion & Beauty
  • વધતી ઉંમરે વાળની આ રીતે કરો માવજત

વધતી ઉંમરે વાળની આ રીતે કરો માવજત

 | 12:36 pm IST

હેર ટિપ્સ : હેતા પટેલ

જેમ જેમ ઉંમર થતી જાય તેમ તેમ વાળની ક્વોલિટી બગડતી જતી હોય છે. એમાંય આજકાલ પ્રદૂષણના અખૂટ ભંડારની દુનિયામાં આપણે રહીએ છીએ તો વાળ ખરાબ થવા એ હવે સામાન્ય બાબત બનતી ગઇ છે. વળી જેમ જેમ ઉંમર વધે તેમ તેમ આપણાં શરીરમાં હોર્મોન્સમાં પણ ફેરફાર થતાં રહેતાં હોય છે તો તે કારણે પણ વાળ ડેમેજ થઇ જતાં હોય છે. વળી વધતી ઉંમરે વાળ સફેદ થઇ જતાં તેને કલર કરાવવો પડે છે, અને આ કારણે પણ વાળ ખરાબ થઇ જતા હોય છે. ઉંમર વધતા વાળ સફેદ થાય તે પણ સ્વાભાવિક વાત છે.

પહેલાંના સમયે સ્ત્રી પચાસથી સાંઇઠની ઉંમરે પહોંચે ત્યારે માંડ થોડા થોડા વાળ સફેદ થતાં જણાતા હતા. જ્યારે હવેના સમયે તો ૨૫ કે તેથી નાની ઉંમરે જ ઘણાંને સફેદ વાળ આવી જતા હોય છે. એકવાર આવેલાં સફેદ વાળ કાળા થવાની તો કોઇ શક્યતા જ નથી, સિવાય કે તમે તેને કલર કરાવો તો તે થોડા સમય માટે કાળા થાય. પણ કલર કરાવવામાં પણ મુશ્કેલી એ નડે છે કે કલર કરાવવાથી વાળની ક્વોલિટી બગડી જાય છે. માટે એકવાર વાળ સફેદ થાય અને આપણે કલર કરાવવાનું શરૂ કરીએ ત્યારે આપણાં હાથમાં માત્ર એક જ વસ્તુ રહેતી હોય છે કે કલર દ્વારા વાળ ખરાબ થાય છે તેને સુરક્ષા આપવી. તેને ખરાબ થતાં અટકાવવા. આ માટે શું કરવું જોઇએ તે વિશે નીચે મુજબ વાત કરીએ.

લગભગ દરેક સલૂનમાં તમે કલર કરાવવા જાવ ત્યારે તમને કહેવામાં આવે કે પરમેનેન્ટ કલર કરાવી લો, પછી ખાસ્સા સમય સુધી શાંતિ થઇ જશે. આ વાત માત્ર અને માત્ર લાલચ જ છે. કેમ કે પરમેનેન્ટ કલર કરાવીએ તો પણ વાળ મૂળમાંથી બહાર આવે તે તો સફેદ જ રહેવાના. અલબત્ત નીચેના વાળ કલરવાળા રહેશે, પણ નવા આવેલા વાળ તો સફેદ જ આવતા હોય છે. પરિણામ એ આવે છે કે ફરીથી આપણે ટચપ કરાવવું પડે છે. જેને કારણે વાળ વધારે ડેમેજ થાય છે. આમ ન થાય તે માટે પરમેનેન્ટ કલરના બદલે થોડા સમય માટે રહે તેવો કલર કરાવવો.

કલર કરતાં પહેલાં માથામાં સારું તેલ નાખીને સરખી માલિશ કરો અને ત્યારબાદ સારા શેમ્પૂથી વાળ ધોઇને કલર કરાવવા જાવ. કલર કરાવીને આવો ત્યારે પણ વાળમાં ફરીથી તેલ નાખી દો, અને બીજે દિવસે સવારે તેને વોશ કરીને કાઢી નાખો. આમ કરવાથી વાળની માવજત થશે.

કલરથી થતાં વાળના ડેમેજને અટકાવવા અઠવાડિયામાં બે વાર ગરમ તેલ કરીને નાખો. આમ વાળની કરો માવજત. સફેદ વાળને કઇ રીતે ડેમેજ થતાં અટકાવી શકાય તે વિશે વધુ આવતા અંકમાં વાત કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન