શું તમે જાણો છો સંસારમાં પહેલો રાજા કોણ બન્યો હતો, જાણી લો આ માહિતી - Sandesh
  • Home
  • Videos
  • શું તમે જાણો છો સંસારમાં પહેલો રાજા કોણ બન્યો હતો, જાણી લો આ માહિતી

શું તમે જાણો છો સંસારમાં પહેલો રાજા કોણ બન્યો હતો, જાણી લો આ માહિતી

 | 11:51 am IST

સતયુગના પ્રારંભમાં પૃથ્વી પર તમામ જીવો પર શાસન કરવા કોઈ રાજા નહોતો. તમામ લોકો ધર્મકાર્યો જેવા કે હવન, વેદોના પાઠ કરતા હતા. તેથી દેવો પણ ઈન્દ્ર વિના પોતાની ઈચ્છા અનુસાર જ પોતાનું કાર્ય કરતા. અર્થાત તે સમયમાં મનુષ્ય અને દેવો વચ્ચે કોઈ નિયમો નહોતા. સત્ય અને ધર્મના પ્રભાવથી તમામ જીવ પોતાના કર્તવ્યનું નિર્વાહ કરતા હતા. જોકે આવી સ્થિતિમાં ઘણી વાર સમસ્યાઓ પણ પેદા થતી. બ્રહ્માજી જ સ્વયં સંસાર પર નજર રાખતા હતા. કારણ કે સતયુગના તપસ્વી અને દૈત્ય એટલા શક્તિશાળી હતા કે દેવોએ પણ ક્યારેક તપસ્વીઓના કહ્યા પ્રમાણે કાર્ય કરવું પડતુ. તો વળી દૈત્યો દેવોને ડરાવીને પોતાના કાર્યો કરાવતા.

ત્યારે બ્રહ્માજીએ દેવતાઓ પર અંકુશ રાખવા અને તેમની રક્ષાહેતુ દેવાતઓના રાજાનું પદ બનાવ્યુ, એ પદ પર રાજાના રુપમાં એક દેવતાની વરણી કરી. જે સંસારમાં ઈન્દ્ર દેવ તરીકે પૂજાવા લાગ્યા. ત્યારબાદ તમામ દેવો પણ ઈન્દ્રના આધિન રહીને નિયમપૂર્વક કાર્ય કરવા લાગ્યા. જા કોઈ તપસ્વી કે દૈત્ય દેવાને પોતાની શક્તિથી પરાજિત કરવા માંગે ત્યારે ઈન્દ્ર દેવોની રક્ષા કરતા.

પૃથ્વીવાસીઓએ જોયુ કે સ્વર્ગમાં દેવોનો કોઈ રાજા છે જેનાથી અન્ય દેવો પણ શક્તિશાળી થયા છે. આ જોઈને પૃથ્વીવાસીઓએ બ્રહ્માજીને પ્રાર્થના કરી કે સ્વર્ગની જેમ જ મૃત્યુલોક માટે પણ તમામ જીવોના હિતમાં કાર્ય કરે તેવા કોઈ રાજાની વરણી કરો. ત્યારે બ્રહ્માજીએ ઈન્દ્ર, વરુણ, કુબેર અને યમ આ ચારેય લોકપાલોને બોલાવ્યા અને તેમના તેજનો એક એક અંશ માંગ્યો. બ્રહ્માજીની આજ્ઞા મુજબ ચારેય લોકપાલોએ પોતાના તેજનો અંશ આપ્યો.

આ તેજપુંજ જ્યારે બ્રમ્હાજીના હાથમાં હતો ત્યારે જ તેમને છીંક આવે છે, જેમાંથી ક્ષુપ નામના એક પુરુષનું અવતરણ થાય છે. આ પુરુષમાં જ બ્રહ્માજીએ તમામ તેજપુંજ સ્થાપિત કર્યા અને સંસારના રાજા તરીકે તેની વરણી કરી. ક્ષુપમાં ચારેય લોકપાલોનો અંશ હતો અર્થાત ઈન્દ્રના તેજાભાગથી તે જગત પર શાસન કરવા યોગ્ય બન્યો, વરુણના તેજાભાગથી તે પ્રજાનુ પોષણ કરવા અને કુબેરના તેજાભાગથી ધન સંપત્તિનો સ્વામી બની શક્યો તથા યમના તેજાભાગથી અપરાધીઓને દંડ આપવાની સત્તા તેણે પ્રાપ્ત કરી.