કુખ્યાત ગુંડા ગણાતા ભૂરા મુંજા જિંદગીના પાછલા વર્ષોમાં બન્યા'તા ગરીબોના બેલી, જાણો શું છે કારણ - Sandesh
  • Home
  • Gujarat
  • કુખ્યાત ગુંડા ગણાતા ભૂરા મુંજા જિંદગીના પાછલા વર્ષોમાં બન્યા’તા ગરીબોના બેલી, જાણો શું છે કારણ

કુખ્યાત ગુંડા ગણાતા ભૂરા મુંજા જિંદગીના પાછલા વર્ષોમાં બન્યા’તા ગરીબોના બેલી, જાણો શું છે કારણ

 | 2:30 pm IST

બાપુની જન્મભૂમિ પોરબંદરને ને દાગ લગાડીને શહેરમાં ધાક બેસાડી દેનારા કુખ્યાત ડોનમાં એક અજીબોગરીબ પરિવર્તન જોવા મળ્યું હતું. તેમણે કુખ્યાત ગુંડામાંથી ગરીબોના બેલી થઈને ઉભરી આવી એક આગવી ઓળખ બનાવી હતી. આ ભૂરા મૂંજની કહાણી શું હતી, જાણો અમારા આ ખાસ અહેવાલમાં…

પોરબંદરમાં ભૂરા મુંજાનું નામ પડે એટલે ભલભલાના રુંવાડા ઉભા થઇ જાય પરંતુ તેમના પત્ની હિરલબાનું નામ આવે એટલે સેવાકીય પ્રવૃત્તિની વાત લોકોને યાદ આવી જાય. એક નામચિહ્ન શખ્સની પત્ની હોવા છતાં લોકોમાં આગવી છાપ ઉપસાવનાર આ મહિલાએ સેવાના એવા તો કામણ પાથર્યા કે તેના પતિને પણ તેનો સાથ આપી, ‘વાલિયા લૂંટારા’માંથી ‘વાલ્મિકી’ બનવાની ફરજ પડી. હિરલબાએ પોતાના પતિને ગુન્હાહિત પ્રવૃત્તિમાંથી સેવાકીય પ્રવૃત્તિ તરફ એવા તો વાળી લીધા, આજે તે લોકો તેમને લોકસેવક અને સેવાનો ભેખ પહેરીને ગળાડૂબ સેવા કાર્ય કરનારા તરીકે યાદ કરે છે. આજે ભૂરા મૂંજાના ઘરે સેવા કાર્યોનો ધોધ વહે છે.

૧૯૯૦ના દસકાની જો વાત કરીએ તો પોરબંદરમાં જાડેજા પરિવારનો સુરજ મધ્યાહ્ને તપતો હતો. ભૂરા મુંજા પોતાના જોરે કુતિયાણાના ધારાસભ્ય બન્યા અને રાજકીય ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન અંકિત કર્યું હતું. એ સમય એવો હતો કે ભૂરા મુંજાનું નામ ગુંડા તરીકે જાણીતું હતું. પરંતુ જ્યારથી આનંદપુરના રાજકુમારી હીરાલબા સાથે તેમના લગ્ન થયા ત્યારથી તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવવું શરૂ થયું. અને જાણે કે તોરલને સંગ જેસલની જેમ, ભૂરા મૂંજાએ ગુંડાગીરીની છાપ મિટાવી દઈ અને ગરીબોના બેલી તરીકે પોતાની ખ્યાતિ મેળવી હતી. ભૂરા મૂંજા આજે સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યાં.

ભૂરા મૂંજાના સેવા કાર્યો જાણીને તમે પણ મારશો સેલ્યુટ
પોતાના રાજમહેલ જેવા બંગલામાં જાણે એક નાનું એવું વૃદ્ધાશ્રમ બનાવીને તેમણે અનેક વૃદ્ધોને આશરો આપ્યો. તો સાથે ગરીબ અને વૃદ્ધ લોકો માટે નિઃશુલ્ક તબીબી સારવાર માટે ‘માવતર હોસ્પિટલ’નું પોતાના ઘર આંગણે નિર્માણ કર્યું. જેમાં અનેક દર્દીઓને જરૂરી એવી નાનામાં નાની સ્વાસ્થ્ય અંગેની સેવા નિઃશુલ્ક આજે પણ પૂરી પાડવામાં આવે છે. આ સંસ્થા દ્વારા દિવ્યાંગો માટે વ્હીલચેર લાકડી જેવા યંત્રો નિઃશુલ્ક પુરા પાડવામાં આવે છે.

ભૂરા મંજાના આ અવતાર વિશે તેમના પત્ની હિરલબાનું કહેવું છે કે ભૂરા મુંજા ગુંડાની છાપ ધરાવતા હતા પરંતુ તેમનો અંદરનો આત્મા ઘણો સારો હતો. ધીમે ધીમે હું તેમને સમજી ગઈ હતી. અને તેમની જે ખોટી પ્રવૃત્તિ હતી તેને અલગ રસ્તે વાળવા તે રીતે મેં પ્રયાસ કર્યો. સેવાની શરૂઆત મેં મારા ઘરેથી જ કરી. આને આજે મેં મારા ઘરમાં લગભગ ૧૮થી વધું વૃદ્ધ અને નિઃસહાય લોકોને આશરો આપ્યો. જે મારા ઘરની અંદર એક મકાન બનાવેલું છે તેમાં જ તેઓ રહે છે. તેમને દવાથી લઇ કપડા સુધીની તમામ સુવિધા અહીંથી જ આપીએ છીએ. તેમજ વિના મુલ્યે ‘માવતર હોસ્પિટલ’ શરુ કરી છે. તેમાં પણ અનેક ડોકટરો સેવા આપે છે. વાર તહેવારે ગરીબ લોકોને બે થી ત્રણ હજાર મીઠાઈ બનવવાની કીટ આપીએ છે. તેમજ દિવ્યાંગ લોકોને પણ લાકડી બેરા મીટર વોકર વ્હીલચેર જેવા સાધનો આપીએ છીએ. રાજકીય રીતે મને અનેક ઓફરો આવી પરંતુ મને રાજકારણ કરતા વધું રસ સેવાકીય પ્રવૃત્તિમાં છે. તેથી મેં તે ઓફરો સ્વીકારી નથી.

આજે લોકો પાસે રૂપિયા તો હોઈ છે પરંતુ પુણ્યના માર્ગ વાપરવા માટે જીવ જોઈએ. આવું જીગર જુજ લોકોમાં હોય છે. એક મહિલા તરીલે હિરલબા એ સેવાકીય પ્રવૃત્તિ થકી પોતાના પરિવારની શાખની સાથે લોકોને પણ સદ્માર્ગે ચાલવાની પ્રેરણા પૂરી પાડી છે. દરેક સિક્કાની બે બાજુ હોઈ તેમ દરેક માણસમાં સારા અને નરસા ગુણ હોય છે. ભૂરા મુંજાની માથાભારેની છાપને બદલીને તેમનું ગરીબોના બેલી તરીકેનું વ્યક્તિત્વ ઘડવામાં હિરલબાનું યોગદાન મહત્વનું રહ્યું. રાજપરિવારમાંથી આવતા હોવાને કારણે હીરાલબામાં એક રજપૂતાણીને શોભે તેવા અન્નદાનના સંસ્કાર રહેલા જ હતા. સેવાકીય પ્રવૃત્તિ મારફત ગરીબ લોકોને ભોજન આપવાનું કામ કર્યું.

ભૂરા મુંજા એ શરૂ કરેલા વૃદ્ધાશ્રમમાં આશરો લેનારા વિરાધાર વૃદ્ધા જાન્ઝીબેનનું કહેવું છે કે મારે સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. દીકરી સાસરે છે અને દીકરો દારૂડીયો છે. અને આ મારા પુત્રે મારી ૨૦ વીઘા જમીન પચાવી પાડીને  મને ઘરની બહાર ધકેલી દીધી. ત્યારબાદ મને ભૂરા મુંજાના ઘરે ચાલતા વૃદ્ધાશ્રમમાં આશરો મળ્યો. અહિં મારી ઘરનાથી પણ વિશેષ સંભાળ રાખવામાં આવે છે. સમયે સમયે જરૂરિયાતના સમયે રૂપિયા આપી મારી મદદ કરે છે. તો કપડા દવા સારવાર સહીત મને સેવાઓ તદ્દન ફ્રી મળે છે. ભગવાન તેમને ૧૦૦ વર્ષના કરે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના.

રાજ પરિવારની પુત્રી, સાથે એડવોકેટ અને એક ભૂતપૂર્વ ધારસભ્યની પત્ની હોવા છતાં, હિરલબાએ પોતાના કૌશલ્યનો ઉપયોગ રાજકીય કે આવકના સાધનો બનાવવા માટે નહિ, પણ  સેવા અને ધર્મ બજાવવા માટે કર્યો. જેના પરિણામે આજે હીરલબા ખરા અર્થમાં ગરીબો નિરાધારોના હૃદયના રાણી સાબિત થયા.

અન્ય નિરાધાર મહિલા હર્ષાબેન દવેનું કહેવું છે કે હું એક દુઃખી પરિવારની છું. ભુરાબાપાનાં ઘરે આવી મને આશરો મળ્યો. મારી દીકરીનું કન્યાદાન પણ ભુરાબાપાએ કર્યું. ભુરા મુંજાના નિધન પછી,  હિરલબા એ અમારો હાથ જાલી અને અમોને સહકાર આપ્યો અને તે બાદ પણ અમોને અવિરત સેવાઓ મળી છે.

આજે અનેક વૃદ્ધો અને નિઃસહાય લોકો હીરલબાનો આશ્રય મેળવીને જીવન જીવી રહ્યા છે. વાર તહેવારે દિન દુઃખીયાને મીઠાઈ અને અનાજની કીટોનું વિતરણ કરી આ મહિલાએ લોકોને સેવા નો સાચો માર્ગ બતાવ્યો છે.