Do you know which deities will be pleased with which flower
  • Home
  • Astro
  • શું તમને ખબર છે કયું ફૂલ ચડાવવાથી કયાં દેવી-દેવતા પ્રસન્ન થશે?

શું તમને ખબર છે કયું ફૂલ ચડાવવાથી કયાં દેવી-દેવતા પ્રસન્ન થશે?

 | 3:49 am IST
  • Share

  • શિવજીનાં અર્ધાંગિની માતા પાર્વતીને બધાં જ પુષ્પો પ્રિય છે

  • સરસ્વતીને પ્રસન્ન કરવા સફેદ કે પીળા ફૂલ ચડાવવાં

  • સુંદર, કોમળ, સુગંધિત ફૂલોને સકારાત્મક ઊર્જાનાં પ્રતીક પણ  છે

 ધાર્મિક અનુષ્ઠાન, પૂજન, આરતી વગેરે કાર્ય ફૂલ વગર અધૂરાં માનવામાં આવે છે. દેવીદેવતાઓના પૂજનમાં ફૂલપાન અર્પણ કરવાં શુભ મનાય છે. વળી સુંદર, કોમળ, સુગંધિત ફૂલોને સકારાત્મક ઊર્જાનાં પ્રતીક પણ માનવામાં આવે છે. જ્યારે ભગવાનને પુષ્પ અર્પણ કરવામાં આવે છે ત્યારે વ્યક્તિની અંદરની તમામ નકારાત્મક્તા ફૂલના માધ્યમથી ભગવાનનાં ચરણોમાં અર્પિત થઈ જાય છે. આમ કરવાથી વ્યક્તિનું મગજ અને મન એકદમ શાંત થઈ જાય છે. જે ઘરમાં ફૂલ હોય છે ત્યાં નકારાત્મક ઊર્જા ટકતી નથી. ફૂલોના ઉપયોગથી તમે તમારા જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર વધારી શકો છો. ફૂલો અંગે શારદા તિલક નામના પુસ્તકમાં લખ્યું છે કે, ‘દેવસ્ય મસ્તકં કુર્યાત્કુસુમોપહિતં સદાઅર્થાત્ દેવતાનું મસ્તક હંમેશાં પુષ્પોથી સુશોભિત રહેવું જોઈએ.  

પૂજન દરમિયાન ફૂલ ચડાવવાની આપણી પરંપરા પાછળ કેટલીક માર્મિક બાબતો પણ રહેલી છે. જેમ કે, ફૂલ મનુષ્યની શ્રાદ્ધા અને ભાવનાનું પ્રતીક છે. વળી, ફૂલ વ્યક્તિની માનસિક સ્થિતિ વિશે પણ જણાવે છે. ફૂલોના અલગઅલગ રંગ અને સુગંધ અલગ પ્રકારનો પ્રભાવ પેદા કરે છે. તે આપણા જીવનને રંગોથી ભરી દે છે. આપણાં શાસ્ત્રોમાં દેવીદેવતાઓને પ્રસન્ન કરવા માટે કયાં ફૂલ ચડાવવાં અને કયાં ફૂલનો નિષેધ છે તે અંગે વર્ણન જોવા મળે છે. જેતે દેવીદેવતાને પ્રિય ફૂલ અર્પણ કરવાથી વ્યક્તિ પર સુખસૌભાગ્યના આશીર્વાદ વરસે છે. વળી, કયા ભગવાનની પૂજા કયા ફૂલથી કરવી તે પણ પૂજાવિધિનો એક મહત્ત્વનો ભાગ છે. દેવીદેવતાની પ્રસન્નતા માટે કેવાં ફૂલ ચડાવવાં તેના વિશે જાણીએ :  

ભગવાન ગણેશ

આચાર ભૂષણ ગ્રંથ અનુસાર ગણપતિજીને તુલસીદળ બાદ કરતાં તમામ પ્રકારનાં ફૂલ ચઢાવી શકાય છે. પદ્મ પુરાણ આચાર રત્નમાં પણ વર્ણન છે કે, ‘ન તુલસ્યા ગણાધિપમઅર્થાત્ તુલસીથી ગણપતિજીનું પૂજન ક્યારેય ન કરવું. ગણેશજીને પારંપરિક રીતે દૂર્વા ચડાવવામાં આવે છે, કારણ કે તેમને દૂર્વા અતિ પ્રિય છે. ગણેશજીને લાલ રંગ પ્રિય છે, તેથી તેમને લાલ રંગનું ગુલાબ કે અન્ય ફૂલ ચડાવવામાં આવે છે.  

શિવજી

શિવજી તો અવધૂત છે. તેમને ધતૂરો, હરસિંગાર, નાગકેસર, કુસુમ, આકડો, કુશ વગેરે જેવાં વનવગડાનાં પુષ્પો પ્રિય છે. તેમાંય સૌથી પ્રિય તો ધતૂરાનું ફૂલ છે. આ સિવાય તેમને બીલીપત્ર અને શમી પત્ર પણ ચડાવાય છે. શિવજીને કદંબ, કેવડો, માલતી, જૂહી, માધવી વગેરે ફૂલો ચડાવવાનો નિષેધ છે.  

ભગવાન વિષ્ણુ

તેમને કમળ, જૂહી, કદંબ, કેવડો, ચંપો, ચમેલી, માલતી, વાસંતી, વૈજયંતી, અશોકનાં વૃક્ષ ખૂબ જ પ્રિય છે. તેમને પીળાં પુષ્પો પણ પસંદ છે. ભગવાન વિષ્ણુને તુલસીપત્ર ચડાવવાથી અતિશીઘ્ર પ્રસન્ન થાય છે. કારતક મહિનામાં ભગવાન નારાયણનું પૂજન કેતકીનાં ફૂલોથી કરવું શુભ ફળદાયક છે, પરંતુ તેમને ક્યારેય ધતૂરો, શિરીષ, ઊંબરો (ગૂલર) ન ચડાવવો. તેમના પર અક્ષત પણ ન ચડાવવા જોઈએ.  

શ્રીકૃષ્ણ

ભગવાન વિષ્ણુના જ અવતાર શ્રીકૃષ્ણ પોતાને પ્રિય ફૂલોનો ઉલ્લેખ કરતા મહાભારતમાં યુધિષ્ઠિરને કહે છે, ‘મને કુમુદ, કરવરી, ચણક, માલતી, નંદિક, પલાશ અને વનમાલાનાં ફૂલ પ્રિય છે.’ શ્રીકૃષ્ણ પીળા રંગનું કોઈ પણ પુષ્પ ચડાવવાથી પ્રસન્ન થાય છે.  

હનુમાનજી

રામભક્ત હનુમાનજીને લાલ અથવા પીળા રંગનાં ફૂલો ચડાવવાં જોઈએ. જેમાં ગુલાબ, કમળ, ગલગોટો વગેરે ચડાવી શકાય. આકડાના ફૂલની માળા ચડાવવાથી પણ હનુમાનજી પ્રસન્ન થાય છે.  

શનિ મહારાજ

શનિ દેવતાને નીલા રંગના લાજવંતીનાં પુષ્પો ચડાવવામાં આવે છે. તેમને કોઈ પણ નીલા અથવા ઘાટા રંગનાં પુષ્પ ચડાવવાં શુભ મનાય છે.  

સૂર્ય દેવ

તેમની પૂજામાં કરેણ, આકડો, કમળ, ચંપો, પલાશ, અશોક, માલતી, કુટજ (કડવો ઈન્દ્રજવ) વગેરે પુષ્પ અર્પણ કરાય છે. ભવિષ્ય પુરાણ અનુસાર જો સૂર્ય પર એક આકડાનું પુષ્પ ચડાવવામાં આવે તો દસ સોનામહોર ચડાવવા જેટલું ફળ મળે છે. સૂર્ય દેવને લાલ રંગનાં પુષ્પો પ્રિય છે.  

લક્ષ્મીજી

ધનનાં દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય તો વ્યક્તિને સુખસમૃદ્ધિ, ઐશ્વર્ય અને સૌભાગ્ય આપે છે. માતા લક્ષ્મીને સૌથી વધારે પ્રિય પુષ્પ કમળ છે. કમળ જળમાં ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મીની ઉત્પત્તિ પણ જળ એટલે કે સાગરમાંથી થઈ હતી. તેથી જ કમળ તેનું આસન પણ છે. લક્ષ્મીજીને રોજ એક લાલ ગુલાબનું ફૂલ અર્પણ કરવું જોઈએ. ભગવાન વિષ્ણુનાં અર્ધાંગિની હોવાને કારણે તેમને પીળાં ફૂલ પણ અર્પણ કરી શકાય.  

માતા પાર્વતી

શિવજીનાં અર્ધાંગિની માતા પાર્વતીને બધાં જ પુષ્પો પ્રિય છે જે ભોળાનાથને ચડાવાય છે. આ સિવાય તેમનું પૂજન સફેદ કમળ, પલાશ અને ચંપાનાં ફૂલોથી પણ કરાય છે.  

દુર્ગા માતા

તેમને લાલ રંગનાં ફૂલો વિશેષ પ્રિય છે. તેમાં ગુલાબ અને જાસૂદ વિશેષ છે. નવરાત્રી અને શુક્રવારે માતા દુર્ગાને લાલ ગુલાબ અથવા લાલ જાસૂદની માળા ચડાવવી શુભ માનવામાં આવે છે. આ સિવાય તેમને અશોક, માધવી, કેવડો, અમલતાસનાં ફૂલો પણ ચડાવાય છે. તેમને મંદાર કે આકડાનાં ફૂલો ચડાવવાનો નિષેધ છે.  

મહાકાળી

માતા મહાકાળીને નીલા અપરાજિતાનાં ફૂલ ચડાવવાનું વિધાન છે. પિૃમ બંગાળમાં દિવાળી પર થતી કાલી પૂજામાં અપરાજિતાનાં ફૂલો ખાસ અર્પણ કરાય છે.  

માતા સરસ્વતી

વિદ્યાનાં દેવી માતા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે સફેદ અથવા પીળા રંગનાં પુષ્પો ચડાવવાં જોઈએ. સફેદ ગુલાબ, કરેણ અથવા પીળા ગલગોટાના ફૂલથી પૂજન કરવામાં આવે તો માતા સરસ્વતી પ્રસન્ન થાય છે.  

દરેક ફૂલનું વિશેષ ફળ    

ગલગોટો

પીળા રંગનું ગુચ્છાદાર પાંદડીઓવાળું આ ફૂલ ભગવાન વિષ્ણુને પ્રિય છે. આનાથી તેમનું પૂજન કરવામાં આવે તો જ્ઞાન અને સન્માન મળે છે, તેથી જેમને તેની ઇચ્છા હોય તેમણે પૂજનમાં ગલગોટાનું ફૂલ જરૂર અર્પણ કરવું.  

ગુલાબ

ફૂલોમાં સૌથી વધારે સુંદર હોવાનું ગૌરવ ગુલાબને જાય છે. તેથી જો તમે પ્રેમ, શક્તિ, ધન, વિવાહ, સંતાન વગેરેની ઇચ્છા રાખતા હો તો તમારા ઇષ્ટદેવને ગુલાબ ચડાવો, ઇચ્છા જરૂર પૂરી થશે.  

કમળ

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને આ ફૂલ પ્રિય છે. તેને ભગવાનનાં ચરણોમાં અર્પણ કરવાથી તમને યશ, શિક્ષણ અને ધનની ઊણપ ક્યારેય નહીં વર્તાય.  

ચમેલી

કલા અને જ્ઞાનના ઉપાસકોએ માતા સરસ્વતીનાં ચરણોમાં ચમેલીનું ફૂલ અર્પણ કરવું. તેમના આશીર્વાદ મળશે.  

જાસૂદ

આ ફૂલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. નિરોગી રહેવા ઇચ્છતા હોય તેમણે માતા દુર્ગાઅંબાની પૂજામાં આ ફૂલ વિશેષ અર્પણ કરવું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો