Do you watch out for work from home due to corona virus?
  • Home
  • Corona live
  • કોરોના વાઇરસના કારણે ઘરેથી કામ કરતી વખતે શું તકેદારી રાખશો?  

કોરોના વાઇરસના કારણે ઘરેથી કામ કરતી વખતે શું તકેદારી રાખશો?  

 | 6:15 am IST

કોરોનાના લીધે દુનિયાભરમાં લોકડાઉન છે, અનેક કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા કહ્યું છે. ઘણા એવા લોકો છે જે પહેલીવાર ઘરેથી કામ કરી રહ્યા છે. ઘણી કંપનીઓ એમના સ્ટાફને આ રીતે ઘરેથી કામ કરવા માટે જણાવી રહી છે. કદાચ ઘરેથી કામ કરવાનું છે એવું વિચારીને કર્મચારીઓ એમ વિચારતા હશે કે ઘરમાં બેસીને ઓફિસમાં પહેરવા પડતા સૂટ નહીં પહેરવા પડે, ઘરે પાયજામો પહેરીને પણ કામ થઈ શકશે, કિચનના કપ્બોર્ડમાંથી કંઈક ખાવાનું લઈને ખાઈ શકાશે. વળી ઘરે બેઠાં હોઈશું એટલે ઓનલાઇન શોપિંગ કરી શકાશે અને સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો-સંબંધીઓ સાથે સંપર્કમાં રહી શકાશે.  ના, વર્ક ફ્રોમ હોમમાં આવું કઈ જ હોતું નથી. ઘરેથી જ્યારે કામ કરવાનું હોય ત્યારે વધારે પડતી સાવચેતી રાખવી પડે છે. ઓફિસમાં તો ૧૦થી સાંજે પાંચ વાગ્યા સુધીની ડયૂટી હોય પણ જ્યારે ઘરેથી કામ કરતા હોઈએ ત્યારે કદાચ એનાથી પણ વધારે સમય આપવો પડે એમ છે. ઘરેથી કામ કરવાનું આવે ત્યારે નીચે મુજબની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.

નોર્મલ કામ કરો

ઘરેથી કામ કરવાનું થાય ત્યારે સૌથી પહેલાં તમારી જાતને આ માટે રાજી કરો. ઓફિસ જવાનું હોય ત્યારે જે સમયે ઊઠો છો એ સમયે ઊઠી જાવ અને સવારના તમામ નિત્યકર્મ પરવારી લો. ઓફિસમાં જતા હોવ એવાં કેઝયુઅલ કપડાં પહેરી લો. એવી તૈયારી રાખો કે તમારે સ્કાઇપ, ઝૂમ, ફેસટાઇમ કે ગૂગલ હેન્ગઆઉટ દ્વારા વર્ક મિટિંગ એટેન્ડ કરવાની છે. જો તમારા ઘરમાં જો જગ્યા હોય તો એક ખૂણાને પસંદ કરો જ્યાં બેસીને તમે શાંતિથી કામ કરી શકો. શક્ય હોય તો બેડરૂમમાંથી કે બેડ પર બેસીને કામ કરવાનું ટાળો. તમારી ઓફિસમાં જેવું ઓફિસ ટેબલ હોય એવો સેટ અપ તમારા ઘરમાં ઊભો કરો. તમારો માઇન્ડસેટ કામ કરવા માટે તૈયાર થશે. તમે જ્યાં બેઠા છો એની પાછળનું બેકગ્રાઉન્ડ નોર્મલ રાખો જેથી વીડિયો કોલ વખતે ખરાબ લાગે નહીં. તમે ઓફિસ સાથે કનેક્ટેડ રહેવા માટે સોફ્ટવેર અને એપનો ઉપયોગ કરો. તમારા ઘરેથી જ્યારે તમે કામ કરશો ત્યારે ડેટાનો ઉપયોગ વધારે થશે. આથી તમારા ઘરના વાઇ-ફાઇની સ્પીડ વધારી દો અથવા ડેટા કે ટેલિકોમ કંપનીને આની જાણ કરી દો. કેટલીક કંપનીઓ કસ્ટમરોને કોઈ પણ પ્રકારની ફી લીધા વિના અપગ્રેડેશન કરી આપે છે.

માનસિક આરોગ્ય જાળવો  

ઘરેથી કામ કરીએ એટલે માનસિક આરોગ્ય પર એની અસર થતી હોય છે. આથી ઘરેથી કામ કરતી વખતે સાઇકોલોજિકલ આરોગ્યની પણ જાળવણી કરવાનું ખૂબ મહત્ત્વનું છે. કોરોના વાઇરસના ચેપના કારણે ઘરેથી કામ કરતી વખતે ક્યારેક એવું લાગશે કે તમારો સામાજિક સંપર્ક તૂટી ગયો છે. માનવી સામાજિક પ્રાણી છે અને તેથી સામાજિક સંપર્ક ઘણો જરૂરી છે. તમારા મિત્રો અને સંબંધીઓને ફોન કરો અને એમની સાથે વાતચીત કરો. ઘરેથી કામ કરતી વખતે ઓફિસમાં જેમ કલીગ્સ સાથે લંચ કે કોફી બ્રેક લેતા હોય એમ સામાજિક ફોન કે વીડિયો કોલ કરી લેવો જોઈએ. એનાથી રૂટિન કામમાંથી થોડો બ્રેક મળશે. થોડી વાર માટે એવું લાગશે કે તમે કલીગને મળ્યા છો અને એની સાથે લાંબી વાત કરી છે. તમે જ્યાં બેસીને કામ કરો છે એ ડેસ્કની ઉપરથી ઊભા થઈને થોડું ફરી આવો.  ઘરમાંથી કામ કરતી વખતે ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું ભૂલશો નહીં. ગાર્ડન કે બાલ્કનીમાં જાવ. બહારની ચહલપહલ જુઓ. કોરોનાનો ચેપ લાગે એવી શક્યતા ન હોય તો તમે તમારા વિસ્તારની દુકાનમાં જાવ અને શાકભાજી ખરીદી લાવો. તમારા પેટને ફરવા લઈ જાવ.

યોગ્ય પ્લાન બનાવો

તમે રોજ વીડિયો કોન્ફરન્સિંગથી મિટિંગના શેડયૂલ નક્કી કરો. સ્ટાફ સાથે આ માધ્યમથી સંપર્કમાં રહો. તમારે જે કામ સૌથી પહેલાં કરવાના છે એનો પ્લાન બનાવો અને એ કામ સૌથી પહેલાં પૂરા કરવાની કોશિશ કરો. તમે જે કામ કરવાના છો એના વિશે તમારા સુપરવાઇઝર સાથે ચર્ચા કરો. તમે એ પણ નક્કી કરો કે કંપની તમારી પાસેથી હાલમાં શું કામ ઇચ્છી રહી છે. તમારે કોઈને રિમાઇન્ડર મોકલવાના હોય તો એ દિવસની શરૂઆતમાં જ મોકલી આપો જેથી સાંજ સુધીમાં એનો જવાબ મળી જાય. જો તમે કોઈ એક મોટી ટીમનો હિસ્સો હોવ તો એ જાણી લો કે તમારી ટીમના દરેક મેમ્બર પાસે શું કામ છે અને એ ક્યાં સુધીમાં પૂરું કરવાનું છે. આ કામના સંદર્ભના ફોન કોલ અને ઇમેલનું સતત ફોલોઅપ કરતા રહો. જો ઘરે બેસીને તમને તમારું કામ કરવામાં મુશ્કેલી પડતી હોય તો સુપરવાઇઝરનું ધ્યાન દોરી લેજો. એ યાદ રાખજો કે કામ અંગે મુશ્કેલી હોય તો ફોન કે વીડિયો કોલ દ્વારા ચર્ચા કરો. મલ્ટિપલ ઇમેલ કરવાનું ટાળો.

વર્ક લાઇફ બેલેન્સ  

ઘર અને ઓફિસ બેઉનું વાતાવરણ અલગ હોય છે. ઘરમાં વ્યક્તિ એકદમ રિલેક્સ હોય છે પણ જ્યારે એ ઓફિસમાં કામ કરે છે ત્યારે એ જીવનના શ્રેષ્ઠ કલાકો ત્યાં આપે છે. ઘરમાં જ જ્યારે ઓફિસનું કામ કરવાનું થાય ત્યારે થોડી મુશ્કેલી આવે છે. ઘરેથી કામ કરતા હોઈએ ત્યારે કામ પ્રતિ જરાપણ બેદરકારી દાખવવી જોઈએ નહીં. એના કારણે તમારી ટીમનું કામ બગડે અને નામ પણ બગડે છે. ઘરમાં હોઈએ એટલે ઘરના સભ્યોની પણ કેટલીક ડિમાન્ડ રહેશે પણ એ કામની આડે આવવી જોઈએ નહીં. ઘરમાં હોઈએ એટલે ઘરનું કામ ઓફિસના સમય દરમિયાન ટાળી દેવું જોઈએ. આ માટે પાર્ટનર સાથે પણ વાતચીત કરી લેવી બહેતર છે. જ્યાં સુધી ઓફિસનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ઘરના કામોને પ્રાધાન્ય આપો નહીં. ઘરમાં બેસીને ઓફિસનું કામ પણ સમયસર પૂરું કરો અને પછીનો સમય પરિવારને આપો. ઓફિસમાં જવા માટે ટ્રાવેલિંગનો જે સમય બચ્યો છે એનો સદુપયોગ કરો.

ઘરેથી કામ કરવાના છો તો આ રહી અગત્યની ૬ ટિપ  

એક સાથે ઘણું કામ કરવાનું ટાળો

  • ઘરેથી કામ કરતા હોવ ત્યારે કામ પર જ ફોકસ રાખો, એક સાથે બે કામ હાથમાં ન લો. મૂળ કામ માટે જ પૂરતો સમય આપો.

વર્કફ્લો, પ્રાયોરિટી નક્કી કરો  

  • સવારે જ્યારે કામ શરૂ કરો ત્યારે સૌથી પહેલાં જે કામ કરવાના છે એની પ્રાયોરિટી નક્કી કરો.

વર્ક ટાઇમ-પર્સનલ ટાઇમને અલગ રાખો

  • તમે ઘરેથી કામ કરતા હોવ ત્યારે કામકાજના કલાકોને લંબાવો નહીં. જેટલું કામ પ્લાન કર્યું હોય એટલું કામ પતાવી દો. પછી બીજી વાતો માટે સમય આપો.

રૂમમાં કોઈને આવવા ન દો  

  • જે રૂમમાં બેસીને કામ કરો છો એમાં બાળકો, તમારા પાળેલા પ્રાણી કે પાર્ટનરને આવવા ન દો. આમ કરવાથી તમારું ફોકસ કામ પર રહેશે.

તમે ખુદના ચોકીદાર બનો  

  • તમે જાતે જ તમારા ચોકીદાર બનો, હોમ ઓફિસને સ્વચ્છ રાખો અને કામ પર ફોકસ કરો, એનાથી પ્રોડક્ટિવિટી વધશે

ઘરમાં પણ નિયમિત બ્રેક લો  

  • ઘરમાં જ બેસીને કામ કરતી વખતે થોડીવાર બાદ બાલ્કનીમાં જઈને રાઉન્ડ મારો. આના લીધે તમારી કામ કરવાની શક્તિમાં વધારો થશે અને તમે વધુ સારી રીતે કામ કરી શકશો. તમે તમારી કામ કરવાની પદ્ધતિ બદલી નાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન