ટ્રમ્પને મળવા કિમનું સુરક્ષિત રીતે સિંગાપુર પહોંચવું ઉત્તર કોરિયા માટે સૌથી મોટો પડકાર - Sandesh
  • Home
  • Featured
  • ટ્રમ્પને મળવા કિમનું સુરક્ષિત રીતે સિંગાપુર પહોંચવું ઉત્તર કોરિયા માટે સૌથી મોટો પડકાર

ટ્રમ્પને મળવા કિમનું સુરક્ષિત રીતે સિંગાપુર પહોંચવું ઉત્તર કોરિયા માટે સૌથી મોટો પડકાર

 | 10:44 pm IST

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સિંગાપુર ખાતે પહોંચીને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શિખર બેઠકમાં ભાગ લેવાના છે, પરંતુ ઉત્તર કોરિયા કાફલા સાથે વિમાનમાર્ગે સિંગાપુર સુધી પહોંચીને પ્રમુખ સુરક્ષિત સ્થાને રોકાણ કરી શકે તેની સુરક્ષાને મુદ્દે પણ ઉત્તર કોરિયા અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે.

ટ્રમ્પ સાથે સિંગાપુર ખાતેની શિખર માટે પહોંચવા મોટી સંખ્યામાં સુરક્ષાગાર્ડ અને અન્ય સ્ટાફને સાથે લઈ જવાનો થાય, તે ઉપરાંત સોવિયેત કાળનાં માલવાહક વિમાનમાં તેમની લિમોસિન કારને પણ સિંગાપુર પહોંચાડવાની થાય, પરંતુ આ તમામ મુદ્દે ઉત્તર કોરિયા સમસ્યાનો સામનો કરી રહ્યો છે, જોકે ૧૨ જૂનના રોજ સિંગાપુર ખાતે યોજાનારી શિખર બેઠક માટે વિશ્વ આશાવાદી છે.

અનેક પાસાંની વિચારણાને અંતે શિખર માટે સિંગાપુર પર પસંદગી ઉતારવામાં આવી છે. પ્યોંગયોંગથી તેનું અંતર ખૂબ દૂર નથી અને ફ્લાઇટ-ટાઇમ મહત્તમ રીતે મર્યાદિત છે.

વર્ષ ૨૦૧૧માં ઉત્તર કોરિયાના પ્રમુખ બન્યા પછી કિમ હજી હમણાં એક જ વાર વિદેશપ્રવાસ ખેડી ચૂક્યા છે. ચીનનાં દેલિઅન ખાતે પ્રમુખ શી જિનપિંગને મળવા તેઓ પહોંચ્યા હતા. આ પ્રવાસ વખતે ઉત્તર કોરિયાના પ્રમુખે પોતાનાં અંગત વિમાન ઇલ્યુશીન-૬૨એમ જેટ વિમાનમાં પ્રવાસ ખેડયો હતો. તેમની લિમોસિન કારને લઈને માલવાહક વિમાન પહોંચ્યું હતું.

માલવાહક વિમાનને ઈંધણ માટે માર્ગમાં ઉતરાણ કરવું પડે

જાણકાર વર્તુળોનું કહેવું છે કે પ્યોંગયોંગથી સિંગાપુર સુધીનું ૪,૭૦૦ કિ.મી.નું અંતર તો કિમનાં અંગત વિમાનની રેન્જમાં છે. માર્ગમાં ઈંધણ ભર્યા વિના તે અંગત વિમાન સિંગાપુર પહોંચી શકશે, પરંતુ સોવિયેતકાળનું ચાર એન્જિન ધરાવતું માલવાહક વિમાન એક ઉડાનમાં માત્ર ૩,૦૦૦ કિ.મી. અંતર કાપવાની ક્ષમતા ધરાવે છે, આથી તે વિમાનને સિંગાપુર પહોંચવું હોય તો વિયેતનામમાં ઉતરાણ કરીને ઈંધણ ભરવું પડે તેવી સ્થિતિ છે. ટ્રમ્પ શિખર માટે કિમે આ વ્યવસ્થા પણ કરાવવી પડે. આ સોવિયેતકાલીન માલવાહક વિમાન સુરક્ષાસંબંધી કેટલાક પ્રશ્નો પણ ધરાવે છે, તે વિમાનમાં જ સિંગાપુર સંદેશાવ્યવહાર અને સુરક્ષાઉપકરણો અને કિમ માટેનાં અંગત ટોઇલેટને સિંગાપુર પહોંચાડવાના પડકારો પણ ખરા.

ઈંધણના પુરવઠાના પ્રશ્નો

કિમનાં બે વિમાન સિંગાપુર જઈને પાછાં ફરે તે હેતુસર ૫૦ મેટ્રિક ટન વિમાની ઈંધણની આવશ્યકતા રહે. ઉત્તર કોરિયાને મુખ્યત્વે ચીન વિમાની ઈંધણ પહોંચાડે છે. માર્ચમાં મહિનામાં ત્રણ ટન પુરવઠો પૂરો પાડયા પછી બે મહિનાથી ચીને ઉત્તર કોરિયાને કોઈ પુરવઠો પૂરો પાડયો નથી, જોકે નિષ્ણાતોનું માનવું છે કે મિસાઇલ કાર્યક્રમ ચાલતો હોવાથી ઉત્તર કોરિયાએ ઈંધણના પુરવઠાનો સંગ્રહ કરેલો છે.

કિમે ત્રણ અમેરિકન્સને મુક્ત કરતાં હકારાત્મક સંકેત : પોમ્પિઓ

અમેરિકી વિદેશપ્રધાન માઇક પોમ્પિઓએ શનિવારે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ આ સપ્તાહે ત્રણ અમેરિકી નાગરિકોને મુક્ત કર્યાની ઘટના બેઠકની સફળતાના સંકેત આપે છે. ત્રણ અમેરિકી મુક્ત થતાં વાટાઘાટો માટે યોગ્ય વાતાવરણ ઊભું થયું છે.