Does Face mask really protect against air pollution?
  • Home
  • Featured
  • ફેસમાસ્ક શું વાયુ પ્રદૂષણથી ખરેખર બચાવ કરે છે ?

ફેસમાસ્ક શું વાયુ પ્રદૂષણથી ખરેખર બચાવ કરે છે ?

 | 10:30 am IST

ગ્લોબલ ટ્રેકર

સંશોધનો કહે છે કે વાયુ પ્રદૂષણનો થોડા સમય માટે કે પછી લાંબા સમય માટે સામનો કર્યો હોય પરંતુ વાયુ પ્રદૂષણ ફેફસાં, હૃદય અને મગજની ક્ષમતાને પ્રભાવિત કરે જ છે. એક અહેવાલ મુજબ લોકો ઘરબહાર જે પ્રદૂષણનો સામનો કરે છે તેને પગલે વિશ્વભરમાં પ્રતિવર્ષ ૩૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે. આવી સ્થિતિઓને નાથવા વાયુ પ્રદૂષણને નાથવા સંખ્યાબંધ શહેરોએ નીતિઓ ઘડીને તેનો અમલ શરૂ કર્યો છે. લંડન આ હેતુસર કોગ્નેશન ર્ચાિજસ વસૂલે છે તો પેરિસ બાઇક શેરિંગ કરે છે. બેઇજિંગમાં તો પર્યાવરણ પોલીસ દળ તૈનાત રહે છે.

વાયુ ગુણવત્તા સુધારવાની નેમ સાથે ઘડી કાઢેલી નીતિના અમલીકરણ અને તેની અસર થવામાં પણ હકીકતે સમય લાગે છે. તે સંજોગોમાં પગપાળા કે સાઇકલ સવારી કરી રસ્તા પર નીકળનારા કેટલાક લોકો પ્રદૂષણના જોખમથી બચવા માસ્ક કે પછી એવા કોઇ ઉપકરણનો ઉપયોગ કરતા હોય છે. કેટલાક લોકો સરળ પેપર ડસ્ટ તો કેટલાક લોકો ક્લીન એર પૂરી પાડતા માસ્ક સહિતના વિકલ્પોનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને કાર્ય કરવાના અતિ પ્રદૂષિત જોખમી સ્થાને ક્લીન એર પૂરી પાડતા વિકલ્પનો ઉપયોગ થતો હોય છે. ઘર બહાર આવા વાયુ પ્રદૂષણનો સામનો કરવા લોકો આ બંને વિકલ્પ વચ્ચેની રેન્જના વિકલ્પોનો પણ ઉપયોગ કરતા હોય છે.

જોખમો અને જોખમોમાં ઘટાડો 

વાયુ પ્રદૂષણ તે સૂક્ષ્મ રજકણ અને વિવિધ પ્રકારના ગેસથી સર્જાય છે. જે ગેસથી વાયુ પ્રદૂષણ સર્જાતું હોય છે તેમાં ઓઝોન, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ ,સલ્ફર ડાયોક્સાઇડ તેમજ વિવિધ જૂથના રસાયણોનો પણ સમાવેશ થાય છે. વિવિધ ગેસ જોખમી પ્રભાવ ધરાવે છે. જોકે સંશોધકોનું કહેવું છે કે ૨.૫ માઇક્રોન્સ કદના સૂક્ષ્મ રજકણ તંદુરસ્તી પર સૌથી ખરાબ પ્રભાવ સર્જતા હોય છે.

તો શું ફેસમાસ્ક વાયુ પ્રદૂષણથી વ્યક્તિનો અસરકારક બચાવ કરવાની ક્ષમતા ધરાવે છે? ફેસમાસ્કની જોખમોથી બચાવની ક્ષમતા વાયુમાં કયા પ્રકારનું પ્રદૂષણ પ્રવર્તી રહ્યું છે અને માસ્ક પોતે કેવી ગુણવત્તા ધરાવે છે અને તેનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવે છે તેના પર આધારિત છે. વાયુ પ્રદૂષણથી બચાવ માટે માસ્કનો ઉપયોગ થતો હોય છે. પરંતુ કેટલાક પ્રદૂષણ એવા હોય છે કે જેને માસ્ક પણ નાકમાં પ્રવેશતાં રોકી શકતું નથી. માની લઇએ કે માસ્ક ચહેરા પર ખૂબ ફિટપણે લગાવવામાં આવ્યું છે તો માસ્ક માત્ર ૧૦ ટકા પ્રદૂષણકર્તા પરિબળોથી તમારો બચાવ કરી શકે છે.

વાયુ પ્રદૂષણના જોખમો ઘટાડવાની જ વાત કરવી હોય તો સરળ પેપર ડસ્ટ માસ્ક સદંતર બિનઉપયોગી છે. જોકે કેટલાક મોંઘા એચઇપીએ ફિલ્ટર માસ્ક કેટલીક હદે પ્રદૂષણ ફેલાવતા રજકણોને રોકવામાં સફળ થતા હોય છે. તેઓ પાંચ ટકા જેટલા પ્રદૂષિત રજકણોને ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ ૦.૩ માઇક્રોન્સથી નાના કદના રજકણોના જોખમ સામે તે માસ્કની ઉપયોગિતા પણ ઘટી જાય છે. તે માસ્કને એન૯૫ માસ્ક પણ કહેવામાં આવે છે. બેક્ટેરિયાનું કદ મોટું હોય છે પણ વાયરસનું કદ સૂક્ષ્મ હોય છે તે રીતે મોટર વ્હીકલના ધુમાડા જે રજકણો મુક્ત કરે છે તેનું કદ સૂક્ષ્મ હોય છે. એન૯૫ માસ્ક વાયુમાંથી જોખમી વાયુને ફિલ્ટર કરવાની ક્ષમતા ના ધરાવતા હોવાથી તે માસ્કનો ઉપયોગ એક્ટિવેટેડ ચારકોલ સાથે કરવામાં આવે તો ગેસનું જોખમ ઘટી શકે છે. ગેસને ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવતા આ માસ્ક વધુ મોંઘા હોય છે અને તે માસ્ક કયા ગેસને કેટલી અસરકારક રીતે ફિલ્ટર કરે છે તેને ધ્યાને લઇને તે માસ્કની મદદ લેવી જોઇએ.

સંશોધન શું કહે છે 

વાયુ પ્રદૂષણના કારણે આરોગ્ય પર થનારી વિપરીત અસરમાં ઘટાડો કરવાની ફેસમાસ્કની ક્ષમતા વિષે મર્યાદિત અભ્યાસ જ થયા છે. તે અભ્યાસના તારણોનું અર્થઘટન પણ કાળજીપૂર્વક થવું જોઇએ. ચીનમાં આ વિષયમાં ત્રણ અભ્યાસ થયા છે અને તે પૈકી બે અભ્યાસના તારણમાં કહેવામાં આવ્યું છે કે બેઇજિંગની શેરીઓમાં માસ્ક ધારણ ના કર્યા વિના નીકળવાને બદલે એન૯૫ ફેસમાસ્ક ધારણ કરીને નીકળવામાં આવે તો બ્લડ પ્રેશર નીચું નોંધાતું હતું. આ અભ્યાસમાં ભાગ લેનારા તંદુરસ્ત લોકો અને હૃદયરોગથી પીડિત લોકો એમ બંનેના કિસ્સામાં બ્લડ પ્રેશર નીચું રહેવાની ઘટના સમાન રહી હતી. એન૯૫ માસ્ક ધારણ કરીને બહાર નીકળેલા હૃદયરોગીઓના કિસ્સામાં સામે આવ્યું હતું કે રુધિર પ્રવાહ તેમજ હૃદયને મળતા પ્રાણવાયુના પુરવઠાની સ્થિતિ પણ બહેતર નોંધાઇ હતી. તો શાંઘાઇ ખાતે થયેલા ત્રીજા અભ્યાસના તારણમાં કહેવામાં આવ્યું હતું કે એન૯૫ માસ્ક ધારણ કરનારા તંદુરસ્ત લોકોના કિસ્સામાં પણ લોહીનું દબાણ નીચું નોંધાયું હતું. આ ત્રણેય અભ્યાસ સૂચવે છે કે હવામાં રહેલા રજકણોને ફિલ્ટર કરી શકે તેવા માસ્કનો ઉપયોગ ટૂંકા ગાળા માટે હૃદય અને હૃદયને પ્રાણવાયુ પૂરો પાડતા રક્તમાં રહેલા કણોનો શહેરી વાયુ પ્રદૂષણથી બચાવ કરે છે.

આ તારણોનું અર્થઘટન કાળજીપૂર્વક કરવાનું કારણ એ કે અભ્યાસમાં ભાગ લઇ રહેલા લોકો પહેલેથી જ એ જાણતા હતા કે તેઓ માસ્ક ધારણ કર્યા પછી ફિલ્ટર્ડ એર શ્વાસમાં લઇ રહ્યા છે. જોકે ફેસમાસ્ક પ્રદૂષણની ફેફસાં પર પડતી અસરોને રોકી શકે છે કે નહીં અને લાંબા ગાળા સુધી વાયુ પ્રદૂષણનો સામનો કર્યાની સ્થિતિમાં પણ આ ફેસમાસ્ક તેની વિપરીત અસરોને ખાળી શકે છે કે નહીં તિ વિષયે હજી કોઇ સંશોધન હાથ નથી ધરાયા.

આવા સંશોધનોમાં વધુ વિશ્વાસ મૂકી શકાય તે હેતુસર વાયુ પ્રદૂષણની ફેફસા અને હૃદય એમ બંને પર પડતી અસરના મુદ્દે વધુ સંશોધનો થાય અને આવા પ્રયોગ અભ્યાસમાં ભાગ લઇ રહેલા લોકો ફેસમાસ્ક ધારણ કર્યા પછી તે ફિલ્ટર્ડ એર શ્વાસમાં લઇ રહ્યાની વાતથી સભાન ના હોય તે પણ જોવું રહ્યું. બીજું આપણે એ પણ જાણવું જોઇએ કે ફેસમાસ્ક પ્રદષિત વાયુને ફિલ્ટર્ડ કર્યા ઉપરાંત બીજા કોઇ લાભ પણ કરે છે કે કેમ તે વિષે પણ જાણવું રહ્યું. ચીનમાં તાજેતરમાં આ સંબંધે પણ અભ્યાસ થઇ ચૂક્યો છે અને ટૂંકસમયમાં તેનું પ્રકાશન થશે.

ફેસમાસ્કની મર્યાદાઓ 

વાયુ પ્રદૂષણનો સામનો કરવા ફેસમાસ્ક ધારણ કરવામાં પણ કેટલાક લોકો મુશ્કેલી અનુભવે છે. તેમને ફેસમાસ્ક ધારણ કરવું અનુકૂળ નથી લાગતું અને તેમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે. વળી ફેસમાસ્ક તો જ અસરકારક રહી શકે કે જ્યારે તે ચહેરાની ફરતો સીલ કરતા હોય. જે લોકો ચહેરા પર દાઢી ધરાવતા હોય તેમના નાક અને મુખ પર માસ્ક ફિટ બેસતું પણ નથી.

આમ તો ખાસ કરીને ઘર બહાર નીકળવાના કિસ્સામાં આપણે વાયુ પ્રદૂષણના જોખમોનો વધુ સામનો કરતા હોઇએ છીએ, બીજી વાત એ કે આપણે મોટાભાગનો સમય બંધ બારણે જ પસાર કરતા હોઇએ છીએ. પરંતુ વ્યક્તિ ઇનડોર પણ કેટલાક પ્રદૂષિત ગેસ અને રજકણોના પ્રદૂષણનો સામનો કરતી જ હોય છે. લોકો ઘરમાં કે ઇનડોર ફેસમાસ્કનો ઉપયોગ નથી જ કરતા, પરંતુ ઇનડોર એર ક્લીનરનો ઉપયોગ કરીને ઇનડોરના પ્રદૂષિત વાયુથી પણ રક્ષણ મેળવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન