ડોલર સામે રૂપિયોનું પતન યથાવત્ : ૮૫ પૈસા તૂટીને ૭૨.૫૦ની સપાટી વટાવી ગયો - Sandesh
  • Home
  • Mumbai
  • ડોલર સામે રૂપિયોનું પતન યથાવત્ : ૮૫ પૈસા તૂટીને ૭૨.૫૦ની સપાટી વટાવી ગયો

ડોલર સામે રૂપિયોનું પતન યથાવત્ : ૮૫ પૈસા તૂટીને ૭૨.૫૦ની સપાટી વટાવી ગયો

 | 12:33 am IST

। મુંબઈ ।

આયાતકારો તરફથી ડોલરની મોટી માગને કારણે ડોલર સામે રૂપિયો આજે ભારે ઘટાડાને કારણે સૌપ્રથમ વાર રૂ. ૭૨.૫૦થી પણ નીચલા સ્તરે પહોંચી ગયો હતો, જોકે પાછળથી નીચલા સ્તરેથી રૂપિયામાં ૪૮ પૈસાની રિકવરી થઈ હતી. ડોલર સામે રૂપિયાનો ભાવ રૂ. ૭૨.૧૯ જોવાયો હતો. આ પહેલાં કામકાજ દરમિયાન રૂપિયો ૯૪ પૈસા ઘટી એક ડોલર સામે રૂ. ૭૨.૬૭ થયો હતો. અમેરિકામાં રોજગારીના સંગીન આંકડાઓને કારણે અન્ય દેશોનાં ચલણ સામે ડોલર મજબૂત થયો છે.

અમેરિકી ડોલર સામે રૂપિયો ૩૬ પૈસાના ઘટાડા સાથે રૂ. ૭૨.૧૦ ઉપર ખુલ્યો હતો અને ત્યાર બાદ તેમાં સતત નરમાઈ જોવાઈ હતી. બપોરનાં કામકાજમાં ૮૫ પૈસા ઘટી રૂ. ૭૨.૫૮ સુધી પહોંચ્યો હતો. ક્રૂડતેલના વધતા જતા ભાવ અને રાજકોષીય ખાધ વધવાને કારણે પણ રૂપિયાને અસર થઈ હતી.

રૂપિયો ગઈકાલ રૂ. ૭૧.૭૩ ઉપર બંધ થયો હતો. આ પહેલાં ૬ સપ્ટેમ્બરે ડોલર સામે રૂપિયાનો ભાવ રૂ. ૭૨.૧૧ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ડીલરોએ જણાવ્યું હતું કે આયાતકારો દ્વારા અમેરિકી ડોલરની જોરદાર ખરીદી અને ક્રૂડતેલના વધતા જતા ભાવને કારણે પણ રૂપિયા ઉપર દબાણ રહ્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની તંગદિલીને કારણે અન્ય મુખ્ય વિદેશી ચલણો સામે ડોલર મજબૂત રહ્યો હતો, તેની અસર રૂપિયા ઉપર વર્તાઈ હતી.

ક્રૂડતેલમાં તેજીને કારણે ડોલરમાં મજબુતાઈ અને રૂપિયામાં નરમાઈ જોવા મળી છે. બીજી બાજુએ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર, તુર્કી અને આર્જેન્ટિનાનાં ચલણ સામેનાં સંકટે રૂપિયાની કમર તોડી નાખી છે. છેલ્લા એક મહિનામાં અમેરિકી ડોલર સામે રૂપિયો ૯.૫ ટકા ઘટયો છે.