દુશ્મની ભુલી ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનને મળવા રાજી થયા ટ્રમ્પ - Sandesh
  • Home
  • World
  • દુશ્મની ભુલી ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનને મળવા રાજી થયા ટ્રમ્પ

દુશ્મની ભુલી ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનને મળવા રાજી થયા ટ્રમ્પ

 | 8:26 am IST

એકબીજાના કટ્ટર વિરોધી અમેરિકા અને ઉત્તર કોરિયાના સંબંધો સુમેળભર્યા બને તેવા સંકેત મળી રહ્યાં છે. અત્યાર સુધી એકબીજાની ભારે ટીકા કરવાની અને યુદ્ધની ખુલી ધમકી આપવાની એક પણ તક જતી ન કરનારા અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે અગામી મે મહિનામાં મુલાકાત થાય તેવી શક્યતા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કિમને મળવા માટે હા પાડી દીધી છે. બંને નેતાઓ વચ્ચે થનારી આ મુલાકાતને ઐતિહાસિક માનવામાં આવી રહી છે. દક્ષિણ કોરિયાના નેશનલ સિક્યોરિટી ઓફિસના પ્રમુખ ચુંગ એઈયોંગે આ બાબતની જાણકારી આપી હતી.

દક્ષિણ કોરિયાના અધિકારીઓની સોમવારે ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન સાથે યોજાયેલી મુલાકાત બાબતે ટ્રમ્પને જાણકારી આપ્યા બાદ યોંગે વ્હાઈટ હાઉસને જણાવ્યું હતું કે કિમ પરમાણું કાર્યક્રમ રોકવા અને મિસાઈલ ટેસ્ટ રદ્દ કરવા માટે પ્રતિબદ્ધ છે.

અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે દક્ષિણ કોરિયા આગામી કેટલાક સમયમાં ઉત્તર કોરિયાને લઈને મોટું એલાન કરશે. વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે, દક્ષિણ કોરિયા શુક્રવારે સવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવા જઈ રહ્યું છે.જોકે ટ્રમ્પે દક્ષિણ કોરિયા દ્વારા કરવામાં આવનારી જાહેરાત કઈ બાબતને લઈને હશે તે બાબતે કોઈ જ વિસ્તારપૂર્વક જાણકારી આપી ન હતી.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર ચુંગ એઈયોંગ હાલ વોશિંગ્ટનના પ્રવાસે છે. ત્યાં તે અમેરિકા અને તેના સહયોગી દેશોને ઉત્તર કોરિયાના તાજેતરમાં પોતાના અને ઐતિહાસિક પ્રવાસ પર કિમ કોંગ ઉન સાથે થયેલી વાતચીતની જાણકારી આપવા આવ્યા છે.

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પોતાના આક્રમક પરમાણું કાર્યક્રમને લઈને કોરિયાઈ દ્વિપમાં અવાર નવાર તણાવ ઉભો કરતા આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે આક્રમક વાકયુદ્ધ પણ થઈ ચુક્યું છે. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ક્યારેક-ક્યારેક તણાવ એટલી હદે વધી જાય છે કે બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નિકળવાની આશંકાઓ પણ પ્રબળ બની જતી હોય છે. જોકે તાજેતરમાં જ દક્ષિણ કોરિયામાં યોજાયેલી વિંટર ઓલિમ્પિક દરમિયાન બંને કોરિયાઈ દેશો વચ્ચે તણાવ ઘટ્યો છે. ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પોતાની ટીમ મોકલી હતી અને બંને કોરિયાની સંયુક્ત ટીમે ગેમ્સમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ બંને દેશો વચ્ચે અનેક રાઉંડની ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ ચુકી હતી.