આખરે આતુરતાનો અંત આવ્યો, ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે 12 જુને આ સ્થળે યોજાશે બેઠક - Sandesh
  • Home
  • Featured
  • આખરે આતુરતાનો અંત આવ્યો, ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે 12 જુને આ સ્થળે યોજાશે બેઠક

આખરે આતુરતાનો અંત આવ્યો, ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે 12 જુને આ સ્થળે યોજાશે બેઠક

 | 9:11 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે થનારી મુલાકાત કે જેની દુનિયા આખી કાગડોળે રાહ જોઈ રહી હતી તે આતુરતાનો આખરે અંત આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતે જ આ વાતની જાહેરાત કરી છે.

ડૉનાલ્ડ ટ્રમ્પે આજે સાંજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 12 જૂનના રોજ સિંગાપુરમાં તેઓ કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરશે. સાથે જ તેમણે લખ્યું છે કે, તેઓ બંને સાથે મળીને મુલાકાતને વિશ્વ શાંતિ માટે એક ખાસ પ્રસંગ બનાવવાનો પુરતો પ્રયત્ન કરશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉત્તર કોરિયાના નેતા વચ્ચે આ પહેલી શિખર વાર્તા હશે. થોડા દિવસ પહેલા જ ડૉનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું હતું કે, નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે તેમની શિખર વાર્તા સરહદ પર તે પીસ હાઉસમાં યોજાઈ શકે છે, જે બંને કોરિયાઈ દેશોને જુદા પાડે છે. જોકે આ સ્થળને લઈને સહમતિ સધાઈ નથી.

થોડા સમય પહેલા જ નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાની ધરતી પર પગ મુક્યો હતો. આ સાથે જ કોરિયાઈ દ્વીપમાં વ્યાપી રહેલો તણાવ અને યુદ્ધના ભણકારા શાંત થઈ ગયાં હતાં.

હવે નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની આ મુલાકાતમાં શું નિર્ણય લેવાય છે, કે કેવા કરારો થાય છે તેના પર દુનિયાની નજર છે.