Donald Trump Visit in Ahmedabad: Stage Will Be build in the middle of the ground
  • Home
  • Ahmedabad
  • વેલકમ ટ્રમ્પ! સ્ટેડિયમની મધ્યે વિશાળ ઊંચું સ્ટેજ, 150 કેમેરાની બાજ નજર, આગમન સમયે મોબાઈલ થશે બંધ

વેલકમ ટ્રમ્પ! સ્ટેડિયમની મધ્યે વિશાળ ઊંચું સ્ટેજ, 150 કેમેરાની બાજ નજર, આગમન સમયે મોબાઈલ થશે બંધ

 | 6:50 am IST

ગુજરાત સરકારે ૨૪ ફેબ્રુઆરીએ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના પત્ની મેલેડિયાની સૂચિત અમદાવાદ વિઝિટના સંદર્ભમાં ૧૮ આઈએએસ, ૩ ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ ઉપરાંત અન્ય બે અધિકારીઓને વિવિધ કામગીરીની સોંપણી કરી છે, જેમાં મોટેરા સ્ટેડિયમ ખાતેની સૌથી મહત્ત્વની ઇવેન્ટની સમગ્ર સંકલનની તથા સ્ટેડિયમના પ્રેક્ષકોને લગતી તમામ જવાબદારી સિનિયર અધિક મુખ્ય સચિવ પંકજકુમારના હાથોમાં સોંપવામાં આવી છે. એમને આ કામગીરીમાં સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ કમલ દયાણી મદદરૂપ બનશે.

રાજ્યના માર્ગ-મકાન સચિવ સંદીપ વસાવા તથા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને સૌથી વધુ કામગીરી સોંપાઈ છે. ટ્રમ્પ જે રૂટ ઉપરથી પસાર થવાના છે તેની તથા એરપોર્ટ બ્રાન્ડિંગની જવાબદારી આ બંને અધિકારીઓ સંભાળશે, સાબરમતી આશ્રમ ખાતે વિવિધ વ્યવસ્થાઓનું કાર્ય સંદીપ વસાવા સંભાળશે, તદુપરાંત સ્ટેડિયમ ખાતે વિવિધ પાર્કિંગની સોંપણી સાથે એરપોર્ટ ખાતે રેડ કાર્પેટ સ્વાગત અને વિદાયમાનની કામગીરી પણ સંદીપ વસાવા જીએડી અધિકારી કમલ દયાણી સાથે નિભાવશે. વિજય નેહરાને રોડ-શો, પાર્કિંગથી સ્ટેડિયમ સુધી સાઇનેજીસ મૂકવાની તેમજ સ્ટેડિયમ-પાર્કિંગ વિસ્તારમાં પીવાના પાણીની અને કામચલાઉ ટોઇલેટ્સ મૂકવાની કામગીરી સંભાળશે.

ટ્રમ્પના કાર્યક્રમમાં સરકારી યોજનાના લાભાર્થીઓને ભેગા કરવા કસરત શરૂ

વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે, ૨૪મી ફેબ્રુઆરીના સોમવારે બપોરે ચાર વાગ્યે સ્ટેડિયમનું ઉદ્ઘાટન થવાનું છે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર કરવા માટે ભાજપ સરકારે ભાજપ સંગઠન ઉપરાંત વહીવટી તંત્રને પણ કામે લગાડયું છે. હવે અમદાવાદના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરે પણ મોટેરાના કાર્યક્રમ હાજર રહેવા માટે તેમના તાબા હેઠળના કર્મચારીઓ-અધિકારીઓ ઉપરાંત લોન મેળવનારી સહકારી મંડળીઓ-સરકારી યોજનાના લાભાર્થીઓ-આગેવાનોને પણ પત્રો મોકલી કાર્યક્રમમાં હાજર રખાવવા કસરત શરૂ કરી છે.  જિલ્લા ઉદ્યોગ બચત ભવન કેન્દ્ર દ્વારા મોટેરામાં ટ્રમ્પના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા કસરત શરૂ કરી છે, ૧૩મી ફેબ્રુઆરી સાંજ સુધીમાં ઈ-મેઈલ કરવા માટે વિનંતી કરી હતી. ભલે છેલ્લી તારીખ ૧૩મી ફેબ્રુઆરી રખાઈ હોય પણ મોડેથી મેઈલ કરનારાને પણ મોટેરા લઈ જવાશે તેમ સૂત્રો કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ સંગઠન મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમ માટે ૧.૦૨ લાખ કાર્યકરોને એકત્ર કરવા કામે લાગ્યું છે, પરંતુ અત્યારે ભાજપના સંગઠનમાં અંદરો અંદર જોરદાર ખેંચતાણ જામી છે, જૂથવાદનો સડો વકરી રહ્યો છે, અંદરો અંદર અસંતોષનો ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે તેવા સંજોગોમાં ભાજપના મોવડીઓને પણ ખબર છે કે, એક લાખથી વધુ કાર્યકરો એકઠા કરવા ખૂબ મુશ્કેલ છે, આ સ્થિતિનો તાગ મેળવીને જ હવે વહીવટી તંત્રને પુરજોશથી કામ કરવા સૂચનાઓ આપી છે.

સ્ટેડિયમની મધ્યે વિશાળ ઊંચું સ્ટેજ, ગ્રાઉન્ડમાં VVIPને બેસવા માટેની વ્યવસ્થા કરાશે

સ્ટેડિયમમાં મોટાભાગે મધ્યે વિશાળ ઊંચું સ્ટેજ બનાવશે અને એની ફરતે ગ્રાઉન્ડમાં વીવીઆઈપીઓને બેસાડવાની વ્યવસ્થા થશે, એમાં વિદેશી મહેમાનો, વિદેશી રાજદૂતો, કોર્પોરેટ કેપ્ટન્સ, કેન્દ્રીય પ્રધાનો, ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત મહાનુભાવો, રાજ્યનું મંત્રીમંડળ, ભાજપના સાંસદો-ધારાસભ્યો તેમજ અન્ય મહેમાનો સામેલ થશે. આ બધા આમંત્રિતો માટે પાર્કિંગ પાસ સહિત કાર્ડ તૈયાર થઈ રહ્યા છે.

૧૫૦ કેમેરાની સ્ટેડિયમમાં બાજ નજર રહેશે

સ્ટેડીયમની અંદર અને બહારના વિસ્તારમાં ૧૫૦ જેટલા કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. આ કેમેરાનો એક કન્ટ્રોલ રુમ બનાવી દેવામાં આવ્યો છે તેમામ કેમેરાનું છેલ્લા પાંચેક દિવસથી મોનિટરિંગ સ્ટેડીયમમાં થઇ રહ્યું છે. ૧૫૦ કેમેરાની બાજ નજરથી રાખવામાં આવશે. નાનામા નાની વસ્તુઓ પર નજર રાખવામાં આવશે અને અત્યારથી જ આ કેમેરા દ્વારા કન્ટ્રોલ રુમમાંથી નજર રાખવામાં આવી રહી છે.

US અધિકારીઓએ ગાંધી આશ્રમ, સ્ટેડિયમની મુલાકાત લીધી

ગુરુવારે US અધિકારીઓ અને શહેરના ઉચ્ચ અધિકારીઓએ ગાંધીઆશ્રમ, રિવરફ્રન્ટ અને મોટેરા સ્ટેડિયમની મુલાકાત લઈ રુટ સહિત તમામની સમીક્ષા કરી હતી આ સમીક્ષાની રોજે રોજનું અપડેટ યુએસ એમ્બેસી તથા એસપીજીને અપાય છે.

પ્રેસિડેન્ટના ગાર્ડ ‘૧૦ મિનિટ મેડિસિન’ માટે તાલીમબદ્ધ

યુએસ પ્રેસિડેન્ટ ક્યાંય પણ મુલાકાતે જાય ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી જેમના માથે છે તે સિક્રેટ સર્વિસ આ સ્થળથી ફક્ત દસ જ મિનિટના જ અંતરે ટ્રોમા હોસ્પિટલ હોય તે નિશ્ચિત કરે છે. સિક્રેટ સર્વિસ એજન્ટ્સને ‘ટેન મિનિટ મેડિસિન’ માટે તાલીમબદ્ધ હોય છે. કારણ કે, ઈમરજન્સીની સ્થિતિમાં ટ્રોમા હોસ્પિટલ પહોંચતા દસ મિનિટ થાય ત્યાં સુધી પ્રેસિડેન્ટને કોઈપણ સંજોગોમાં જીવંત રાખવાની તેમની જવાબદારી હોય છે.

પ્રેસિડેન્ટના કાફલામાં જ તેમના ગ્રૂપનું બ્લડ તૈયાર રખાય

મુલાકાતના સ્થળની નજીકની તમામ હોસ્પિટલ્સમાં તો પ્રેસિડેન્ટના ગ્રૂપના બ્લડનો જથ્થો તૈયાર રખાય જ છે, પરંતુ આત્યંતિક ઈમરજન્સીના સંજોગોને ધ્યાને રાખી પ્રેસિડેન્ટના મોટર કાફલામાંના એક વાહનમાં પણ તેમના ગ્રૂપના બ્લડનો પૂરતો જથ્થો સાથે રખાય છે.

સ્ટેડિયમમાં ટ્રમ્પના આગમનના સમયે મોબાઇલ બંધ

મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પ હાજર હશે તે સમયે લોકોના મોબાઇલ ચાલશે નહી. ટ્રમ્પના આગમન સાથે જ મોબાઇલના ટાવરના સિગ્નલ જતાં રહેશે.

આ વીડિયો પણ જુઓઃ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઈને ગાંધી આશ્રમ ખાતે તૈયારીઓ શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન