Will Deny Immigrant Visas to Those Who Can’t Pay for Health Care
  • Home
  • Featured
  • અમેરિકા જનારા હજારો ભારતીયો માટે નવી મુસીબત ઉભી થઈ, ટ્રમ્પ સરકારે લીધો આકરો નિર્ણય

અમેરિકા જનારા હજારો ભારતીયો માટે નવી મુસીબત ઉભી થઈ, ટ્રમ્પ સરકારે લીધો આકરો નિર્ણય

 | 9:32 pm IST

નવેમ્બરના પ્રારંભથી અમેરિકામાં ઇમિગ્રેશન વિઝા પર કાયમી વસવાટ કરવા જવા ઇચ્છતા હજારો ભારતીયો પર જોખમ તોળાઈ રહ્યું છે. જે ભારતીયો પાસે આરોગ્ય વીમો નહીં હોય અથવા તો જે લોકો પોતાની મેડિકલ સારવારનો ખર્ચ ઉઠાવવામાં સક્ષમ છે તેવું પુરવાર કરવામાં નિષ્ફળ જશે તેમને ઇમિગ્રેશન વિઝા અપાશે નહીં. અમેરિકાની આરોગ્ય સેવાઓ પર ઇમિગ્રન્ટ્સને બોજો બનતો અટકાવવા શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા આ જાહેરાત કરાઈ છે. નવો નિયમ વિદેશમાંથી અમેરિકામાં કાયમી વસવાટ માટેના ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરનારા પોતાના નિકટના સગા દ્વારા સ્પોન્સર કરાતા તમામ વિદેશી નાગરિકોને લાગુ થશે. જોકે, અમેરિકી નોકરીદાતાઓ દ્વારા જેમની ગ્રીનકાર્ડ માટેની અરજીઓ સ્પોન્સર કરાઈ છે તેવા એચ-૧બી વિઝાધારકોના સગાંને આ નિયમ લાગુ થશે નહીં. આ આદેશનો અમલ 3 નવેમ્બરથી શરૂ કરાશે.

શુક્રવારે જારી કરાયેલા આદેશમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા આવતા ઇમિગ્રન્ટ્સે તેમની મોંઘી સારવાર માટે અમારી આરોગ્ય સેવાઓ અને અમેરિકી કરદાતાઓ પર બોજારૂપ બનવું જોઈએ નહીં. ટ્રમ્પે આ આદેશ પ્રેસિડેન્શિયલ ઓથોરિટી અંતર્ગત જારી કર્યો છે. અગાઉ ટ્રમ્પે આજ અધિકાર અંતર્ગત ચોક્કસ દેશોમાંથી અમેરિકા આવતા મુસ્લિમો પર પ્રતિબંધ લાદ્યો હતો.

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, અમેરિકન નાગરિકોને ઉપલબ્ધ થતી આરોગ્ય સેવાઓના લાભો સુરક્ષિત રાખવા પ્રમુખે આ આદેશ જારી કર્યો છે. અમેરિકા આવતા ઇમિગ્રન્ટ્સમાં અમેરિકન નાગરિકો કરતાં 3 ગણો આરોગ્ય વીમાનો અભાવ હોય છે. છેલ્લા 10 વર્ષમાં વણચૂકવાયેલા સારવાર ખર્ચનો અમેરિકી સરકાર પર 35 અબજ ડોલરનો બોજો પડી ચૂક્યો છે. મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો અમેરિકાની આરોગ્ય સેવાઓનો લાભ લેતાં હોય છે.

વર્ષે 27,000 ભારતીયો પર નવા નિયમની અસર થશે

ઓબામા સરકારમાં વ્હાઇટ હાઉસમાં ઇમિગ્રેશન અધિકારી રહી ચૂકેલા ડૌગ રેન્ડે જણાવ્યું હતું કે, નવા નિયમને કારણે ઓછામાં ઓછા 27,000 ભારતીયો પર અસર થશે. બની શકે કે તેમને વિઝાનો ઇનકાર ન કરાય પરંતુ આ નવા નિયમને કારણે તેમના પર અસર જરૂર પડશે. દર વર્ષે પરિવાર દ્વારા સ્પોન્સર કરાતા 35,000 ભારતીય અમેરિકા પહોંચે છે. તેમાંથી એક તૃતીયાંશ જેટલા ભારતીય તો ગ્રીનકાર્ડ માટે અરજી કરે છે ત્યારે અમેરિકામાં જ હોય છે. બાકીના ભારતથી અમેરિકા જાય છે.

અમેરિકામાં પ્રવેશ પછીના 30 દિવસમાં આરોગ્ય વીમાનું કવચ મેળવી લેશે તેવો આગોતરો પુરાવો આપવો પડશે

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરનારે અમેરિકામાં પ્રવેશ પછીના 30 દિવસમાં આરોગ્ય વીમાનું કવચ મેળવી લેશે તેવો આગોતરો પુરાવો રજૂ કરવો પડશે. જે આરોગ્ય વીમો ન લે તેવા અરજકર્તાએ અમેરિકામાં મેડિકલ સારવારનો ખર્ચ ઉઠાવવા સક્ષમ છે તેવો પુરાવો આપવો પડશે. આ પુરાવા વિઝાની પ્રક્રિયા થાય તે પહેલાં રજૂ કરવા પડશે. અમેરિકા પહોંચતી વખતે કે પહોંચ્યા બાદ પુરાવો રજૂ કરી શકાશે નહીં.

આ વીડિયો પણ જુઓ : જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ગ્રેનેડથી આતંકી હુમલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન