7 મુસ્લિમ દેશોના નાગરિકો પરના 'પ્રવેશ પ્રતિબંધ' પર ટ્રમ્પ કરશે પીછેહઠ! - Sandesh
NIFTY 10,605.15 +91.30  |  SENSEX 34,924.87 +261.76  |  USD 67.7750 -0.57
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Main News
  • 7 મુસ્લિમ દેશોના નાગરિકો પરના ‘પ્રવેશ પ્રતિબંધ’ પર ટ્રમ્પ કરશે પીછેહઠ!

7 મુસ્લિમ દેશોના નાગરિકો પરના ‘પ્રવેશ પ્રતિબંધ’ પર ટ્રમ્પ કરશે પીછેહઠ!

 | 9:24 am IST

અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મુસ્લિમ બહુમતી ધરાવતા સાત દેશોના નાગરિકો પર અમરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો કાર્યકારી આદેશ પસાર કર્યો જેનાથી વિશ્વભરમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો. જો કે ટ્રમ્પે બહુ જલ્દી આ આદેશમાં ફેરફાર કરવાનો ફેસલો કર્યો છે. ટ્રમ્પ સરકાર દ્વારા કોર્ટને અપાયેલા દસ્તાવેજમાં કહેવાયું છે કે આ આદેશ પર લાંબી કાનૂની પ્રક્રિયાની જગ્યાએ તેમાં ફેરફાર કરવામાં આવશે. વધુ સમય પસાર થાય તેના કરતા દેશની સુરક્ષાને ધ્યાનમાં લઈને રાષ્ટ્રપતિ જલદી કોઈ નવો રસ્તો કાઢશે.

એક ફેડરલ કોર્ટના જજે ટ્રમ્પના આ આદેશ વિરુદ્ધ ચૂકાદો આપ્યો હતો જેના પગલે આદેશને લાગુ કરવાની પ્રક્રિયા હાલ રોકી દેવામાં આવી છે. કોર્ટે શરણાર્થીઓ અને સાત મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના નાગરિકો પરના ટ્રમ્પના પ્રતિબંધવાળા આદેશ પરથી રોક હટાવવાનો ઈન્કાર કરી દીધો હતો. ગુરુવારના રોજ ટ્રમ્પ પ્રશાસને આ ફેસલાના વિરોધમાં કહ્યું હતું કે ત્રણેય જજો આ નિર્ણયને ખોટો સમજી રહ્યાં છે. જ્યારે હકીકતમાં એવું નથી. કોર્ટ ઓફ અપીલ્સે પોતાના ચૂકાદામાં કહ્યું હતું કે સરકારે તે સાબિત કર્યું નથી કે તેમની અપીલમાં દમ છે અને એવું પણ સાબિત કરી શક્યા નથી કે રોક હટાવવાથી મોટુ નુકસાન થશે.

અત્રે જણાવવાનું કે ટ્રમ્પે 27 જાન્યુઆરીના રોજ ઈરાન, ઈરાક, લીબિયા, સોમાલિયા, સૂડાન, સીરિયા અને યમનના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર હંગામી પ્રતિબંધ લગાવી દીધો હતો. ટ્રમ્પ સરકારે ત્યારે એવો તર્ક રજુ કર્યો હતો કે સુરક્ષા સંબંધી ફેસલા પર નિર્ણય લેવાનો અધિકાર કોર્ટ પાસે નથી જેને કોર્ટે ફગાવી દીધો હતો. આ આદેશનો વિશ્વભરમાં વિરોધ થઈ રહ્યો છે. અમેરિકાના અનેક શહેરો અને એરપોર્ટ્સ પર લોકો ટ્રમ્પના આ આદેશ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

નોંધનીય છે કે ટ્રમ્પે આ આદેશને પોતાના ચૂંટણી પ્રચારનો ભાગ પણ બનાવ્યો હતો. આદેશ જારી કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે ઈસ્લામિક સ્ટેટ જેવા ખતરનાક આતંકી સંગઠનોના હુમલાથી અમેરિકાની સુરક્ષાને ધ્યાનમાં લઈને તેઓ આ પગલું લઈ રહ્યાં છે. નાગરિકો માટે આ પ્રતિબંધ 90 દિવસો માટે અસ્થાયી રીતે હતો. જ્યારે સીરિયાને છોડીને અન્ય દેશોના શરણાર્થીઓ માટે 120 દિવસ સુધી પ્રતિબંધ હતો જ્યારે સીરિયાના નાગરિકો માટે અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ લાગુ કરાયો હતો.