માનવસભ્યતા વિનાશના આરે, વિશ્વ કયામતના દિવસની વધુ નજીક આવ્યું - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • Offbeat
  • માનવસભ્યતા વિનાશના આરે, વિશ્વ કયામતના દિવસની વધુ નજીક આવ્યું

માનવસભ્યતા વિનાશના આરે, વિશ્વ કયામતના દિવસની વધુ નજીક આવ્યું

 | 8:33 pm IST

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી સમગ્ર વિશ્વ પ્રલયની વધુ નજીક આવી ગયું છે. વૈજ્ઞાનિકો દ્વારા આ વાત જાહેર કરાઈ છે. અમેરિકાનાં બુલેટિન ઓફ ધ એટમિક સાયન્ટિસ્ટના જણાવ્યા મુજબ માનવસભ્યતા આને કારણે 64 વર્ષ પછી પ્રલયની સૌથી વધુ નજીક પહોંચી છે. ડૂમ્સ-ડે ક્લોક માટે ક્લાઇમેટ ચેન્જ અને શસ્ત્રસ્પર્ધા પણ જવાબદાર છે. ટ્રમ્પ યુએસના રાષ્ટ્રપતિ બન્યા તે પછી તેમણે પ્રતિકાત્મક ડૂમ્સ-ડે ક્લોકને એટલે કે પ્રલયની ઘડિયાળને 30 સેકન્ડ આગળ કરાવી છે. ટ્રમ્પનાં અણુહથિયારો અને ક્લાઇમેટ ચેન્જના મુદ્દે આપવામાં આવેલાં નિવેદનોથી વિશ્વમાં વધુ અસુરક્ષા સર્જાઈ છે અને સમગ્ર વિશ્વ પર ખતરો મંડાવા લાગ્યો છે. જે વૈજ્ઞાનિકો અને બુદ્ધિજીવીઓએ આ વાત કરી છે તેમાં 15 નોબલ પુરસ્કાર વિજેતાઓ સામેલ છે.

64 વર્ષ પછી પહેલીવાર પ્રલયનો દિવસ વિશ્વની સૌથી નજીક
ટ્રમ્પ દ્વારા ઘડિયાળના કાંટાને 30 સેકન્ડ ઘટાડવામાં આવ્યો છે આમ પ્રલયનો સમય 30 સેકન્ડ વહેલો આવ્યો છે. પહેલાં ડૂમ્સ-ડે ક્લોક તેનાં કેન્દ્રથી ૩ મિનિટ દૂર હતી. આ અગાઉ 1953 માં રશિયાએ હાઈડ્રોજન બોમ્બનો વિસ્ફેટ કર્યો ત્યારે અમેરિકા અને રશિયા વચ્ચે અણુશસ્ત્રસ્પર્ધા વખતે પ્રલયની ઘડિયાળ માનવીઓની સૌથી વધુ નજીક ગઈ હતી. છેલ્લે આ ઘડિયાના સમયમાં 2015માં ફેરફાર કરાયો હતો, ત્યારે મધરાતે 12 વાગ્યાથી પ્રલયના સમયને ૩ મિનિટ પહેલાનો કરાયો હતો. આ અગાઉ તેને પાંચ મિનિટ વહેલો કરાયો હતો. હવે જે નવો સમય નક્કી કરવામાં આવ્યો છે તે મધરાતથી અઢી મિનિટ પહેલાંનો છે. આમ પ્રલયનો સમય ૩૦ સેકન્ડ વહેલો કરાયો છે, આમ પૃથ્વીનો નાશ ૩૦ સેકન્ડ વહેલો થશે. ટ્રમ્પ અને પુતિનનાં નિવેદનોને આટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું હોય તેવી આ પહેલી ઘટના છે.

ટ્રમ્પનાં નિવેદનો પછી માનવસભ્યતા પ્રલયની વધુ નજીક
ટ્રમ્પ દ્વારા તાજેતરમાં જે આડેધડ નિવેદનો આપવામાં આવ્યાં તેમજ આખી દુનિયામાં જે રીતે કટ્ટરવાદ વધી રહ્યો છે તે પછી માનવસભ્યતા પર પ્રલયનો ખતરો વધ્યો છે. આ બુલેટિનમાં ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેના પરમાણુકરાર અંગે કરવામાં આવેલી શંકા, ઉત્તર કોરિયાનો સામનો કરવા માટે જાપાન તેમજ દક્ષિણ કોરિયાને વધુ અણુશસ્ત્રો હાંસલ કરવા કરાયેલી હાકલ તેમજ અન્ય વિવાદિત નિવેદનોને ટાંકવામાં આવ્યાં છે, જે વિશ્વ માટે ખતરો સર્જનારાં છે. ચીન દ્વારા પાકિસ્તાનને અપાતો અણુસહયોગ તેમજ ભારત સાથે પાકિસ્તાનની શસ્ત્રસ્પર્ધાનો તેમાં ઉલ્લેખ કરાયો છે.

માનવજાત સામે ખતરા માટે ટ્રમ્પ અને પુતિન જવાબદાર
જો કોઈ કારણોસર માનવજાત સામે ખતરો સર્જાશે તો તે માટે ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિન જવાબદાર ગણાશે તેવું આ બુલેટિનમાં કહેવાયું છે. પુતિને પણ રશિયાને વધુ અણુ શસ્ત્રો બનાવવા અને તેનાંથી સજ્જ બનાવવા અનુરોધ કર્યો છે. સીરિયા અને યૂક્રેઇન વચ્ચેનાં યુદ્ધ તેમજ રશિયા અને અમેરિકાનું આ મામલે જડ વલણ પણ જવાબદાર હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

શું છે ડૂમ્સ-ડે ક્લોક?
આ ઘડિયાળ એ વાતની પ્રતીક છે કે માનવતા આ ગ્રહનો વિનાશ કરવાથી કેટલી નજીક છે. ડૂમ્સ-ડે ક્લોક એ એક સાંકેતિક ઘડિયાળ છે જેનો સમય વૈશ્વિક પરિસ્થિતિને આધારે વૈજ્ઞાનિકો દ્વારા સમયાંતરે વધારવામાં કે ઘટાડવામાં આવે છે. 1947થી તેને સતત ચાલુ રાખવામાં આવી છે. સામાન્ય ઘડિયાળની જેમ તેમાં સંકેતો સેટ કરવામાં આવ્યા છે. તેને પ્રલયની ઘડિયાળ પણ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે જો ઘડિયાળમાં 12 વાગી જાય તો તે પૃથ્વીના વિનાશનો સમય હશે. આવો સમય અગાઉ 1953માં આવ્યો હતો જ્યારે મિનિટ કાંટો 12ના આંકથી ફક્ત બે મિનિટ પાછળ હતો. આ પછી 1963માં મિનિટ કાંટાને સૌથી વધુ ૧૨ મિનિટ દૂર લઈ જવાયો હતો. ફરી. 1995માં તે 15 મિનિટ દૂર કરાયો હતો. ઘડિયાળમાં કુલ 19 વખત ફેરફાર કરાયો હતો.