દરવાજાના હેન્ડલને અડતાં તણખો કેમ ઝરે છે? - Sandesh
  • Home
  • Kids Corner
  • દરવાજાના હેન્ડલને અડતાં તણખો કેમ ઝરે છે?

દરવાજાના હેન્ડલને અડતાં તણખો કેમ ઝરે છે?

 | 12:09 am IST

જ્ઞાન-વિજ્ઞાન :- માખન ધોળકિયા

ઘણા બાળકોએ અનુભવ કર્યો હશે કેઃ તમે લોખંડના કબાટને ખોલવા માટે એનું હેન્ડલ પકડવા જાઓ કે લોખંડના પલંગને સ્પર્શ કરો ત્યારે અચાનક તડ… એવો અવાજ થાય અને તમારા હાથ અને હેન્ડલ અથવા પલંગના પાયા વચ્ચે એક તણખો પ્રગટે છે.

આવું ખાસ કરીને શિયાળામાં વધારે થાય છે. આવું થાય ત્યારે મનમાં સવાલ જાગે છે કે આપણા શરીરમાં વીજળી હોય છે? કે પછી લોખંડના કબાટ કે પલંગમાં વીજળી હોય છે જે તણખો પ્રગટાવે! સવાલનો જવાબ ખરેખર રસપ્રદ છે. આપણા શરીરમાં અને લોખંડના કબાટ તથા પલંગમાં બધે જ વીજળી હોય છે. તેને સ્થિર વીજળી કહે છે.

આપણે જાણીએ છીએ કે દરેક પદાર્થ અણુઓનો બને છે. જેમ ઈંટો વડે ઈમારત ચણાય એમ એક એક અણુ જોડાઈને કોઈપણ પદાર્થ બનાવે છે. કબાટ અને પલંગનું લોખંડ અણુઓનું બનેલું છે અને આપણું શરીર પણ કોષ નામના અણુઓનું બનેલું છે. દરેક અણુમાં પ્રોટોન, ઈલેક્ટ્રોન અને ન્યૂટ્રોન એમ ત્રણ પરમાણુ હોય છે.

ન્યૂટ્રોનમાં કોઈ વીજળી હોતી નથી. વીજળીને આપણે કરન્ટ એટલે કે પ્રવાહ તરીકે જ સમજીએ છીએ. પરંતુ વીજળીનો સૂક્ષ્મ ભાગ વીજભાર કહેવાય છે. તો ન્યૂટ્રોનમાં કોઈ વીજભાર હોતો નથી. પ્રોટોનમાં પોઝિટિવ (ઘન) વીજભાર હોય છે. અને ઈલેક્ટ્રોનમાં નેગેટિવ(ઋણ) વીજભાર હોય છે. ન્યૂટ્રોન અણુના કેન્દ્રમાં સ્થિર હોય છે. પ્રોટોન અને ઈલેક્ટ્રોન એની ફરતે ગોળાકારે પ્રકાશની ઝડપે ફરતા રહે છે. ગોળાકાર એટલે દડા જેવો આકાર. પ્રોટોન અને ઈલેક્ટ્રોન આ દડાની બહારની સપાટી ઉપર દોડાદોડ કરતા રહે છે. એમની દોડાદોડથી વીજચુંબકીય બળ જન્મે છે. એ બળ અણુના આ ત્રણેય પરમાણુને એકબીજા સાથે જોડી રાખે છે. એક અણુને બીજા અણુ સાથે પણ જોડી રાખે છે. આમ ગોળા જેવા અણુના પ્રોટોન અને ઈલેક્ટ્રોન પ્રકાશની ઝડપે દોડતા હોવા છતાં સ્થિર રહે છે.

દરેક અણુમાં પોઝિટિવ અને નિગેટિવ વીજભાર સરખા રહે તો એ સ્થિર હોય છે. પરંતુ જો એમાં ઘન કે ઋણ વીજભાર ઉમેરાય અથવા ખેંચાઈ જાય તો એ અસ્થિર બને છે. આ તફાવત સર્જાય ત્યારે પદાર્થમાં સ્ટેટિક ઈલેક્ટ્રિસિટી સર્જાઈ કહેવાય છે.

ઘન એટલે કે વધારે વીજભાર ધરાવતા પદાર્થમાંથી ઋણ એટલે કે ઓછા વીજભાર ધરાવતા પદાર્થ તરફ ઈલેક્ટ્રોન પ્રકાશની ઝડપે દોડી જાય છે. એને વીજકરન્ટ (વીજળીનો પ્રવાહ) કહે છે. એ સ્ટેટિક ઈલેક્ટ્રિસિટીનો ડિસ્ચાર્જ એટલે કે નિકાલ હોય છે.

શિયાળામાં આપણે સ્વેટર પહેરીએ તે આપણા શરીર સાથે ઘસાતું રહે છે. પરિણામે ઈલેક્ટ્રોન અસ્થિર બનતા રહે છે. અને આપણા શરીરમાં સ્ટેટિક ઈલેક્ટ્રિસિટી બનતી રહે છે. ઊનના વસ્ત્રો પહેરી પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠા હોવ તો શરીરમાં વધારે સ્ટેટિક ઈલેક્ટ્રિસિટી બને છે. એ પછી ઊભા થઈને કોઈપણ લોખંડની વસ્તુને સ્પર્શ કરવા જઈએ તો હજી એને અડીએ એ પહેલાં જ આપણા શરીરમાં સંગ્રહાયેલી વીજળી લોખંડ તરફ દોડી જાય છે. પરિણામે હવામાં તણખો પ્રગટે છે અને તડ… એવો અવાજ થાય છે.

આ ઈલેક્ટ્રિસિટીને સમજવી હોય તો નોટબુકના કાગળના નાના-નાના ટુકડા કરી ટેબલ ઉપર મૂકી દો. પછી એક ફુલાવેલો ફુગ્ગો લઈ તેને તમારા સુતરાઉ અથવા જિન્સના પેન્ટ પર ઘસો. એ ફુગ્ગાને તરત ટેબલ ઉપરના કાગળના ટુકડાઓ નજીક લઈ જાઓ. કાગળના ટુકડા આપોઆપ ખેંચાઈને ફુગ્ગા પર ચીટકી જશે. કારણ કે ફુગ્ગામાં સર્જાયેલા ઈલેક્ટ્રોનના ઘટાડાના કારણે તે કાગળમાં રહેલા ઈલેક્ટ્રોનને ખંેચે છે. કાગળ સાવ હલકો હોવાથી ઈલેક્ટ્રોનની સાથે એ પણ ફુગ્ગા બાજુ ખેંચાઈ જાય છે.

[email protected]