દહેજનું દૂષણ ક્યાંય ગયું નથી, માત્ર સ્વરૂપ બદલાયું છે   - Sandesh
  • Home
  • Columnist
  • દહેજનું દૂષણ ક્યાંય ગયું નથી, માત્ર સ્વરૂપ બદલાયું છે  

દહેજનું દૂષણ ક્યાંય ગયું નથી, માત્ર સ્વરૂપ બદલાયું છે  

 | 2:47 am IST

પ્રાસંગિક : રમેશ દવે

સુપ્રીમ કોર્ટના વિદ્વાન ન્યાયાધીશો ક્યારેક સરકારને એવા સરસ સૂચન કરે છે કે આપણને એમના પ્રત્યે માન થઈ જાય. હમણાં સુપ્રીમે એક કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને લગ્નના ખર્ચની જાહેરાત ફરજિયાત બનાવવા સૂચન કર્યું છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓના મતે સમાજમાં પ્રવર્તતા દહેજનાં દૂષણ પર અંકુશ મૂકવા વર અને કન્યા બંને પક્ષોએ મેરેજ ઓફિસર સમક્ષ લગ્નના ખર્ચનો ભેગા મળીને હિસાબ મૂકવો જોઈએ. ન્યાયમૂર્તિઓએ એ સંબંધમાં કાયદો ઘડવા કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે. જે કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમની બેન્ચે ઉક્ત સૂચન કર્યું છે એ પણ દહેજને લગતો લાક્ષણિક કેસ છે. પત્નીએ પોતાના પતિ અને સાસરા પક્ષ પર દહેજની માગણીનો આરોપ મૂક્યો છે જ્યારે સાસરા પક્ષે એ નકારી કાઢયો છે. અદાલતના મતે લગ્નના ખર્ચની વિગતો જાહેર કરવાનું ફરજિયાત કરાય તો દહેજના ખોટા કેસો ઘટશે. મોદી સરકારે આ એક કરવા જેવું કામ છે. તમામ રાજકીય પક્ષોએ પાર્ટી પોલિટિક્સને બાજુએ રાખી સરકારને આવો કાયદો ઘડવામાં સહકાર આપવો જોઈએ. આઝાદીના ૭ દાયકા પછી સમાજ લગ્ન પ્રથામાં આટલા સુધારાની અપેક્ષા તો રાખી જ શકે.

આપણા સમાજમાં અમુક અપવાદરૂપ જ્ઞાતિઓને બાદ કરતાં મોટાભાગે લગ્નના ખર્ચનો બોજ કન્યાના પિતા પર જ હોય છે. મધ્યમ કે ગરીબ વર્ગનો બાપ દીકરીને પરણાવ્યા પછી રીતસરનો બેવડ વળી જાય છે. વર પક્ષ અને સમાજની અપેક્ષા પર ખરા ઊતરવા એણે દેવું કરીને દીકરીને પરણાવવી પડે છે. આજે ૨૧મી સદીમાં પણ સમાજની આ વરવી વાસ્તવિકતા છે. વળી, દહેજનું દૂષણ કદાચ ઘટયું હશે તો પણ એ સાવ નામશેષ નથી થયું. દહેજ કે વાંકડાની પ્રથા હજુ યથાવત્ છે પણ એનું સ્વરૂપ બદલાયું છે. પહેલાં વરપક્ષ કન્યાપક્ષ પાસેથી રોકડમાં કે સોના-ચાંદીમાં દહેજ માગતો. હવે નોકરી કરતી શિક્ષિત યુવતી પરણીને સાસરે જાય પછી થોડા દિવસના સુષ્ટુ સુષ્ટુ વ્યવહાર બાદ એનો પતિ અને સસરા એની બેન્ક પાસબુક ચેક કરે છે. યુવતીએ જોબમાં જોડાયા પછી ક્યાં કેટલો ખર્ચ કર્યો એનો હિસાબ મગાય છે. મિડલ ક્લાસના જ નહીં શ્રીમંત પરિવારોમાં પણ પુત્રવધૂની ઇન્કમનું કસીને ઓડિટિંગ થાય છે. સ્વાભાવિક છે કે પરણેતરે લગ્ન પહેલાં પોતાના પિત્રિયા પાછળ થોડો ઘણોય ખર્ચ કર્યો હોય તો સાસરામાં મહેણાંટોણાં શરૂ થઈ જાય છે. આ દહેજનું મોર્ડન સ્વરૂપ છે. મેરેજ પહેલાં પોતાને એકદમ પ્રોગ્રેસિવ અને લિબરલ માઇન્ડેડ ગણાવતો પતિ ચારફેરા લીધા પછી બદલાઈ જાય છે. ઘરમાં કોઈ લગ્નપ્રસંગ હોય કે મોટો ખર્ચ આવી પડે ત્યારે એ પત્ની પાસેથી એની ઇચ્છા કે અનિચ્છાએ અડધોઅડધ ખર્ચ પડાવે છે. પાછો પત્નીને એમ સંભળાવે પણ ખરો કે એમાં તે કોઈ નવાઈ નથી કરી, મોટા ખર્ચમાં ફાળો આપવાની ઘરની વહુ તરીકે તારી ફરજ છે.

છોકરા-છોકરીનું સગપણ નક્કી થાય ત્યારે કન્યાના માતા-પિતા એક વણલખ્યા રિવાજ તરીકે વરપક્ષને એવું પૂછે છે કે અમારી પાસેથી તમારી અપેક્ષા શું છે? મોટાભાગે આ પ્રશ્નનો જવાબ છોકરાની ‘અતિ સમજુ, ડાહી અને વ્યવહારકુશળ’ મમ્મી જ આપે છે. એ બહુ વિનમ્રભાવે હાથ જોડીને કન્યાના મા-બાપને કહે છે, ‘અમારી કોઈ અપેક્ષા નથી. તમે માત્ર ચોખા અને ચૂંદડી આપી દીકરીને વળાવશો તો પણ ચાલશે. લગ્ન પછી તમારી દીકરી અમારી દીકરી છે.’ માત્ર ચોખા-ચૂંદડી? માય ફૂટ! આવા દંભી જીવો જ્યારે લગ્ન લેવાય ત્યારે ખરું પોત પ્રકાશે છે. લગ્નનો બધો બોજ કન્યાના બાપની કેડે હોય એટલે વરપક્ષના આમંત્રિત મહેમાનોની યાદી લંબાતી જાય છે. છેક લગ્નના આગલા દિવસ સુધી મુરતિયાના મા-બાપ એમાં ઉમેરો કરતાં રહે છે. બિચારો કન્યાનો બાપ એમની હામાં હા મિલાવવા સિવાય કંઈ કરી શકતો નથી. વરની મા પાછી કન્યાની માતાને પહેરામણીનું લાંબુલચક લિસ્ટ પકડાવવાનું પણ ચૂકતી નથી. પોતે ભલે દીકરીના લગ્નમાં પહેરામણી ન કરી હોય પણ વહુના પિયર પાસેથી પહેરામણી લેવાનો આગ્રહ રાખવાનો જ. આવા પારકે પાદર પહોળા થતાં લોકોને સીધાદોર કરવા સરકારે લગ્નના ખર્ચનો હિસાબ ફરજિયાત કરતો કાયદો ઘડવો જોઈએ. કાયદામાં એક કલમ ખાસ ઉમેરવી જોઈએ કે લગ્નનો ખર્ચ વર અને કન્યા પક્ષ અડધો-અડધો વહેંચી લેશે. એને લીધે દીકરીના મા-બાપને મોટો હાશકારો થશે.

કાયદા અન્વયે લગ્નના ખર્ચનો હિસાબ આપવાનું ફરજિયાત થશે એટલે શ્રીમંતોની શાદીઓમાં થતાં બેફામ ખર્ચ ઉપર લગામ તણાશે. એટલા માટે કે એમને લખલૂટ ખર્ચના નાણાં ક્યાંથી આવ્યા એ સરકારને જણાવવું પડશે. આમ કાળા નાણાંના જોરે થતો તમાશો બંધ થશે. એને પગલે ગરીબ અને મધ્યમ વર્ગ પણ માલેતુજારોની દેખાદેખીથી મેરેજમાં ભપકો લાવવા ખોટો ખર્ચ કરવાથી દૂર રહેશે. ટૂંકમાં આવો કાયદો ઘડવાથી એક વિષચક્ર રોકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;