ડો. રાધાકૃષ્ણનજીનાં જન્મદિને એક શિક્ષકનો પ્રેમપત્ર!   - Sandesh
  • Home
  • Columnist
  • ડો. રાધાકૃષ્ણનજીનાં જન્મદિને એક શિક્ષકનો પ્રેમપત્ર!  

ડો. રાધાકૃષ્ણનજીનાં જન્મદિને એક શિક્ષકનો પ્રેમપત્ર!  

 | 12:58 am IST

રિવરફ્રન્ટની પાળેથી

આદરણીય સર્વપલ્લી ડો. રાધાકૃષ્ણનજી,

વંદન!

આમ તો હું તમને ‘નમસ્કાર’ શબ્દથી સંબોધન કરવાનો હતો, પણ ડાઉટ એ હતો કે કોંગ્રેસવાળા નાહકના નારાજ થઈ જાય. આમેય અત્યારે એમનો ‘ના-રાજયોગ’ તો ચાલી જ રહ્યો છે, વધારે નારાજ કરવામાં મજા નહીં. એમ તો હું ‘નમસ્તે’ શબ્દનો પ્રયોગ કરીને પણ તમને સંબોધન કરી શક્યો હોત, તો પેલા પ્યોર ભાજપવાળા તો નહીં, પણ સંઘમિશ્રિત ભાજપવાળા ચોક્કસ મારાથી મોં મચકોડીને બેસી જાત. છતાંય મોં મચકોડીને બેસે તો એમનું મોં છે, ભલેને મચકોડે, પણ ડાઉટ એ હતો કે ક્યાંક મારો હાથ કે પગ મચકોડાઈ જાય તો ઉપાધિ ને?

રાધાકૃષ્ણનજી, આપનો જન્મદિવસ દર વર્ષે ‘શિક્ષક દિન’ તરીકે ઊજવાય છે એનો આનંદ ભલા કોને ન હોય? શિક્ષકોને તો આવો આનંદ જન્મજાત હોય કેમ કે શિક્ષકો જન્મે છે, બનતા નથી! આવો અંદરનો આનંદ પણ જન્મે છે, એ ચાઇનીઝ નથી હોતો. આવું હું જાતઅનુભવથી કહું છું, કેમકે હું પણ એક સમયે શિક્ષક હતો જોકે આજેય છું, પણ ફરક એટલો સાહેબ કે પહેલાં હું ભણાવતો’તો આજે હું ભણી રહ્યો છું.

આજના પરમ પવિત્ર દિવસે આપને email મોકલવા પાછળનાં બે કારણો હું સ્પષ્ટ કરી દઉં. પહેલું કારણ એ સાહેબ, કે આમ તો હું આપને પત્ર જ લખવાનો હતો, પણ તમને એ જાણીને ખુશી થાય અને એ વાતે ગર્વ લઈ શકો કે તમારા ભારત દેશનો ભારતીય શિક્ષક, ટેક્નોલોજીનો ઉપયોગ કરતો થઈ ગયો અને શિક્ષણની પ્રાચીન પરંપરામાંથી હેમખેમ બહાર નીકળી ગયો! અને એ રીતે, ન્યૂ ઇન્ડિયા બનવા થનગની રહેલા આજના ભારતને એક શિક્ષક પોતાનો સહયોગ પૂરો પાડી શક્યો! બીજું કારણ એ સાહેબ, કે હવે અમે બ્લેકબોર્ડ, ગ્રીનબોર્ડ કે બ્લૂ બોર્ડ જેવા બોર્ડમાંથી બહાર નીકળી ગયા છીએ! બસ, હવે તો અમારે બે જ બોર્ડ  નગરપાલિકા લેવલે સ્કૂલબોર્ડ અને સ્ટેટ લેવલે શિક્ષણ બોર્ડ! બસ, બોર્ડ ભણાવે એ અમારે ભણવાનું! હા સાહેબ, હવે અમારે ભણવાનું! વિદ્યાર્થીઓના ભાગમાં અને ભાગ્યમાં તો એકાદ એવો નસીબદાર દિવસ બચી ગયો હોય તો જ અમે એમને ભણાવી શકીએ!

રાધાકૃષ્ણનજી, પહેલાં તો ટાઇમટેબલ પ્રમાણે શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવી શકતા’તા સત્રના પ્રત્યેક દિવસે આઠે આઠ પિરિયડ ભણાવી શકતા’તા, આજે હવે એ એક સપનું બની ગયું છે! આજનું શિક્ષણ મંત્રાલય, શિક્ષણકારો (ખબર નથી પડતી કે આ બધા કહેવાતા અને પોતાને એ રીતે ઓળખાવતા શિક્ષણકારો ખરેખર શિક્ષણના કોઈ આકાર-પ્રકારમાં આવતા હશે કે કેમ? એવા શિક્ષણવિકારો) અને સરકારજન્ય અધિકારીઓ જ હવે તો અમને છાસવારે ને છાસવારે નાના-મોટા કે સાચા-ખોટા ઉત્સવો અને મહોત્સવો દ્વારા કંઈક ને કંઈક ‘ભણાવતા’ રહે છે. આમ કરવામાં એ બધાંને મજા આવે છે હોં સાહેબ! મજા એ વાતની કે એ લોકોને લાગે છે કે શિક્ષકોને અમે કેવા એન્ગેજના એન્ગેજ રાખી શકીએ છીએ! શિક્ષકોને સતત ને સતત ‘આ રીતે’ સખત ને સખત કામ કરતા રાખીને આ લોકો એ સાબિત કરવા માગે છે કે કામ કરતી સરકારમાં અમે અધિકારીઓ પણ કશુંક પ્રદાન કરી રહ્યા છીએ!

સાહેબ, સરકાર ભલે કામ કરતી રહે, પણ વિદ્યાર્થીઓના શિક્ષણનો ભોગ ધરાવીને એ કામ રકતી રહે એનો કોઈ અર્થ ખરો? ગુજરાતના છેવાડાના ગામના પ્રાથમિક શિક્ષકથી લઈને સ્માર્ટ સિટી બનવા જઈ રહેલા શહેરોની હાઇસ્કૂલોના ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધીના સૌ શિક્ષકોની એક જ ફરિયાદ છે કે અમારે અમારા વિદ્યાર્થીઓને ભણાવવા છે, અમને ભણાવવા દો. એમને ભણાવવા માટે અમને ફાળવેલા અમારા સમયમાં ઉત્સવો-મહોત્સવોના નામે ગાબડાં ન પાડો… પણ શિક્ષકનું સાંભળે કોણ? ગરીબ કી જોરુ સબકી ભાભી! છેલ્લાં કેટલાંય વર્ષોથી શિક્ષણ માટે એક ક્ષણ એવી બચી નથી કે શિક્ષક ભણાવી શકે અને વિદ્યાર્થી બીચારો ભણી શકે. અમને તો એ જ સમજાતું નથી સાહેબ, કે આને શિક્ષણનો વિકાસ કહેવો કે રકાસ?

રાધાકૃષ્ણનજી, આપણા એક શિક્ષણવિદ્ અને સાચા કેળવણીકાર નાની પાલખીવાલાએ કહ્યું છે : Education is the rock on which India must build her political salvation. Our country will be built on enlightenment. અમારા કેટલાક નેતાઓ, જે ‘દૂ….ર દૃષ્ટિ’ વાળા કહેવાય છે એ અને કેટલાક અધિકારીઓ પોતાની પર્સનલ ‘દૂ…ર દૃષ્ટિ’ રાખીને નાની પાલખીવાલા સાહેબના આ વિધાનને નજરઅંદાજ કરતા રહ્યા છે. આની પાછળ એ પણ કારણ હોય કે પાલખીવાલા સાહેબે જે ‘પોલિટિકલ સેલ્વેશન’ની વાત કરી, એ શાયદ આ લોકોને હજમ નથી થઈ! આ સૌ મહાનુભાવોને એવો ડર પણ હોય કે બાળકોને એવા શિક્ષણથી દૂર જ રાખો કે જેથી આવતીકાલે મોટા થઈને આપણને ‘રાજકીય મોક્ષ’ અપાવી દે! આજે શિક્ષણ સંસ્થાઓની ઇમારતોનું મહત્ત્વ વધી ગયું છે અને ઈમાનદારીનું ઘટી ગયું છે. આજે પૂજા બિલ્ડિંગની થાય છે સાહેબ, બ્રેઇનની નહીં!

અરે હા, એક વાત કહેવાની તો રહી ગઈ, જે જાણીને તમને જ નહીં ઓરિજિનલ ચાણક્યને પણ થશે કે વાહ, મારો શિક્ષક તો શિક્ષક ઉપરાંત ઉત્તમ આયોજક, ઉત્તમ સંયોજક, ઉત્તમ પ્રયોજક, ઉત્તમ નિયોજક, ઉત્તમ સહાયક, એવો સર્વોત્તમ કર્મચારી બની ગયો છે! સરકારી આયોજને શિક્ષકને સર્વાંગપણે કાર્યક્ષમ બનાવી દીધો છે! ચૂંટણીનું કામ, આધારકાર્ડ બનાવી આપવાનું કામ, સ્કોલરશિપ માટે વિદ્યાર્થીઓને બેન્ક એકાઉન્ટ ખોલી આપવાનું કામ, વસતી ગણતરીનું કામ, ટૂંકમાં શિક્ષણબોર્ડને જે કોઈ કામ કરાવવાનાં સપનાં આવે એ તમામ કામ કરાવીને શિક્ષણને અને શિક્ષકને સાવ તમામ કરી દેવાનું અભિયાન ધમધોકાર ચાલી રહ્યું છે! શિક્ષકે તો બસ વહીવટીય કામ કરતા રહેવાનું અને એમાંથી જો ભૂલેચૂકેય ટાઇમ બચે તો એ બચેલા ટાઇમમાં બાળકોને ભણાવવાના અને ટાર્ગેટ મુજબ પાછું રિઝલ્ટ તો લાવી જ આપવાનું! બોલો સાહેબ, તમારા શાસનમાં શિક્ષકને તમે આટલી હદે કાર્યક્ષમ બનાવી શક્યા’તા? આ માટે તો વિઝન જોઈએ સાહેબ વિઝન! પેલા ઓરિજિનલ ચાણક્ય એ તો બિચારાએ એટલું જ કહ્યું’તું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા! એ જ ચાણક્ય જો આજે આવે અને શિક્ષકને જુએ તો એને ચોક્કસ ચક્કર આવે કે અરે, આ શું? મેં તો ફક્ત એટલું જ કહેલું કે ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’, પણ આજની સિસ્ટમે તો શિક્ષકને કેટલો બધો અસાધારણ બનાવી દીધો છે!

હમણાં એક શિક્ષણાધિકારીને મળવાનું થયું. અમે એમને સહેજ વ્યંગ્યમાં પૂછયું કે સાહેબ, તમે આટલા સફળ શિક્ષણાધિકારી કેવી રીતે બન્યા? ત્યારે એમણે કહ્યું કે હું શિક્ષક તરીકે એકસોને એક ટકા નિષ્ફળ નીવડેલો! ‘ઉપરવાળા’ની કૃપાએ આજે હું ‘શિક્ષકોએ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવાય?’ એ અંગેની ટ્રેઇનિંગ કમિટીનો ચેરમેન પણ છું અને હોદ્દાની રૂએ હું શિક્ષકોને ટ્રેઇનિંગ પણ આપી રહ્યો છું!

રાધાકૃષ્ણનજી, જોયું સાહેબ! આજનો શિક્ષક કેવા કેવા નેતાઓ અને અધિકારીઓના પ્રતાપે શિક્ષક મટીને માત્ર કર્મચારી બની ગયો છે!

લ્યો ત્યારે આજના શિક્ષક દિને ‘જય શિક્ષક!’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન