સ્વપ્નદોષ બાદ આ તકલીફ સતાવે છે... શું કરવું?   - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • સ્વપ્નદોષ બાદ આ તકલીફ સતાવે છે… શું કરવું?  

સ્વપ્નદોષ બાદ આ તકલીફ સતાવે છે… શું કરવું?  

 | 12:09 am IST

મૂંઝવણ :- ડો. અક્ષરકુમાર શર્મા

પ્રશ્ન : નમસ્કાર સર, મારી ઉંમર ૨૨ વર્ષ છે. આજ સુધી મેં ક્યારેય સેક્સ નથી કર્યું. નથી હસ્તમૈથુન કર્યું. મેં વિચાર્યું હતું કે હું મારું ભણવાનું પતાવી દઉં અને કરિયર સેટ કરી લઉં પછી જ એ વિશે વિચારીશ. મારે મારું ધ્યાન ભટકાવવું નહોતું. પણ છેલ્લા ઘણા સમયથી મારી સાથે એક વસ્તુ બની રહી છે. હવે છેલ્લા ઘણા સમયથી મને અમુક અમુક સમયે રાત્રે ઊંઘમાં જ વીર્ય સ્ખલન થઇ જાય છે. મેં વાંચ્યું છે કે આને સ્વપ્નદોષ કહેવાય. મને વીર્ય સ્ખલન થાય પછી થોડીવાર માટે લિંગમાં ખૂબ જ બળતરા થાય છે અને તે બળતરાના કરણે મારી ઊંઘ ઊડી જાય છે. જોકે થોડા સમય બાદ તે બળતરામાં સારું થઇ જાય છે. મને આનો કોઇ ઉપાય જણાવશો. તે સિવાય મારી ત્વચા આજકાલ ખૂબ જ ઓઇલી થતી જાય છે. તે ખૂબ જ ચીકણી થઇ ગઇ છે. હું વારંવાર મોઢું ધોઉં છું, તેમ છતાં તે ખૂબ જ ઓઇલી રહે છે. મને આનો પણ કોઇ ઉપાય જણાવશો. શું સ્વપ્નદોષને કારણે ત્વચામાં આવું થતું હશે?

જવાબ : તમે તમારી કરિયર બાબતે સજાગ છો એ ખૂબ જ સારી બાબત છે. તમને હાલ થઇ રહ્યું છે તેને સ્વપ્નદોષ જ કહેવાય, પણ સ્વપ્નદોષ થયા પછી લિંગમાં થોડી બળતરા થવી ઘણીવાર સામાન્ય બાબત છે પણ વધારે બળતરા થતી હોય તો બને કે કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થયું હશે. આ અંગે કોઇ ઘરેલુ ઉપાય અયોગ્ય રહેશે. તે વણજોઇતી મોટી મુશ્કેલીને નોતરવા જેવી બાબત ગણાશે. માટે આ અંગે કોઇ સારા ડોક્ટરની સલાહ લઇને ઇન્ફેક્શનની પ્રોપર દવા લો. રહી વાત તમારી ત્વચા તૈલી છે તેની તો એ સ્વપ્નદોષને કારણે નથી. અમુક ઉંમર બાદ છોકરાઓની ત્વચામાં બદલાવ આવતો જ હોય છે. આ માટે તમને બ્યુટી ક્વેરી સેગમેન્ટમાં જવાબ મળી જશે કે કઇ રીતે ત્વચાનું ઓઇલ કંટ્રોલમાં કરવું.

પ્રશ્ન : મારી ઉંમર ૨૬ વર્ષની છે. મારાં લગ્નને બે વર્ષ થઇ ગયાં છે. અમારી સેક્સલાઇફ આમ તો સારી છે પણ છેલ્લા ઘણાં દિવસથી યુરિન લાગે તો સરખી યુરિન પાસ નથી થતું. મતલબ યુરિનમાં સરખો સંતોષ નથી થતો. જોકે યુરિનમાં કોઇ બળતરા નથી થતી. વળી, પત્નીનું માસિક પણ રેગ્યુલર નથી. ત્રણ મહિનાથી તેને માસિક નથી આવ્યું. ટેસ્ટ કર્યો તો ટેસ્ટ નેગેટિવ આવ્યો. અમારે શું કરવું જોઇએ?

જવાબ : યુરિન ઇન્ફેક્શન થયું હોય તો પણ ઘણીવાર આવું થતું હોય છે. જોકે તમને બળતરા નથી થતી એટલે ઇન્ફેક્શન થવાની સંભાવના ઓછી છે. પાણી વધારે પ્રમાણમાં પીવાનું રાખો. શ્રેષ્ઠ સલાહ એ જ રહેશે કે તમે કોઇ સારા ડોક્ટરને એક વાર બતાવી દો. રહી વાત માસિકની, તો ઘણીવાર ઘરે પ્રેગ્નન્સી ટેસ્ટ કિટથી ટેસ્ટ કરો તો તેમાં નથી બતાવતું. જો તમારે હાલ બાળક ન જોઈતું હોય તો આ માટે ગાયનેકને બતાવી દેવું જોઇએ.

પ્રશ્ન : મારી ઉંમર ૩૭ વર્ષ છે. મારી સમસ્યા એ છે કે મને સેક્સમાંથી રસ ઓછો થવા લાગ્યો છે. મારા પતિને હજી પણ સેક્સ કરવું ગમે છે. તે મને ઉત્તેજિત કરવા પ્રયત્ન કરે ત્યારે મારી અંદર એક અણગમો ઉત્પન્ન થાય છે. આવું કેમ થાય છે તેની મને નથી ખબર પડતી. મને આ અંગે યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ : તમને આવું કેમ થાય છે તેનો ખરો જવાબ તમે જ આપી શકો બહેન, કેમ કે ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક અંગત કારણસર પણ સેક્સજીવનમાં તણાવ ઉત્પન્ન થતો હોય. તમારા પતિની કોઇ વાત તમને ન ગમતી હોય અથવા સેક્સ સમયે પીડા થતી હોય, ઘરની કોઇ ચિંતા હોય, બાળકોની ચિંતા હોય અથવા બીજી કોઇપણ પ્રકારની મુશ્કેલી હોય તો પણ સેક્સ પ્રત્યે અણગમો ઉત્પન્ન થાય. આ સામાન્ય બાબત છે. ઘણી સ્ત્રીઓને આ ઉંમરે હોર્મોન્સ ચેન્જ થતાં હોય અથવા તો મેનોપોઝ સમય નજીક હોય ત્યારે પણ આવું બનતું હોય છે. માટે કોઇ સારા ડોક્ટરની મુલાકાત લો. સેક્સ કરતાં પહેલાં પતિ સાથે થોડી રોમેન્ટિક ચર્ચા કરો.

પ્રશ્ન : મારી ઉંમર ૪૨ વર્ષ છે. મારી પત્નીની ઉંમર ૪૦ વર્ષ છે. મારી પત્નીને મેનોપોઝ આવી ગયો છે કે નહીં તે વિશે અમે અસમંજસમાં છીએ, કેમ કે છેલ્લાં બે વર્ષથી તેનું માસિક અનિયમિત છે. પાંચછ મહિને એકવાર આવે અને તે પણ ડાઘ જ પડતાં હોય છે. વળી તે સમયગાળો પણ ખૂબ જ ટૂંકો હોય છે. કોઇવાર એક કે બે દિવસ માંડ આવું થાય. અમારે એક જ સંતાન છે, તેથી પત્નીએ બાળક ન થાય એવું ઓપરેશન નથી કરાવડાવ્યું. હવે માસિકની અનિયમિતતાને કારણે સેક્સ કરતાં ડર લાગે છે. કદાચ પત્નીને ગર્ભ રહી જાય તો? આ અંગે કોઇ યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ : હાલ તમારી પત્નીને જે થઇ રહ્યું છે તે જોતાં તેમનો મેનોપોઝ નજીક હોવાની શક્યતા જણાઈ રહી છે. આ સમયગાળામાં ધ્યાન રાખવું પડતું હોય છે. તમે નિરોધનો ઉપયોગ કરો. નિરોધના ઉપયોગથી ચિંતા વગર સેક્સ માણી શકશો. તે સિવાય તમારી પત્ની ઇચ્છે તો કોપર ટી પણ લગાવડાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન