દારૂના પીઠાનો એક માલિક કથા સાંભળવા આવ્યો અને- Sandesh
  • Home
  • Columnist
  • Chini Kam
  • દારૂના પીઠાનો એક માલિક કથા સાંભળવા આવ્યો અને-

દારૂના પીઠાનો એક માલિક કથા સાંભળવા આવ્યો અને-

 | 4:32 am IST

ચીની કમ

દારૂબંધી એ ગુજરાતની એક આગવી ઓળખ છે. તાજેતરમાં અમદાવાદના છારાનગર વિસ્તારમાં દારૂના પીઠાવાળાઓ પર દરોડા પાડવા ગયેલી પોલીસ ટુકડીને એક નવો જ અનુભવ થયો. છારાનગરની લાચાર મહિલાઓએ પોલીસ અધિકારીને કહ્યું : ”દારૂ તો અમે વેચીશું. દારૂ વેચવાથી જ અમારું ઘર ચાલે છે. દારૂ નહીં વેચીએ તો ખાઈશું શું ?”

છારાનગરની મહિલાઓની આ લાગણીને કાયદાની દૃષ્ટિએ નિહાળવા કરતાં તેમની આર્થિક-સામાજિક પરિસ્થિતિના દૃષ્ટિકોણથી જોઈને તેમને દંડવાને બદલે તેમની આવકના વિકલ્પો આપવા આપણે આજ સુધીમાં શું કર્યું તેનું આત્મચિંતન કરવું જોઈએ. ભાષણો કરવાથી કે કડક કાયદાઓ કરવાથી નશાબંધીનો અમલ કદી કરી ના કરી શકાય. સાચી વાત એ છે કે, દારૂબંધી એ આવકાર્ય નીતિ હોવા છતાં દારૂબંધીના કારણે પોલીસમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. એટલે કે પોલીસની રહેમનજર હેઠળ દારૂના અડ્ડા ચાલતા રહ્યા. બીજા શબ્દોમાં દારૂની બદી પણ ચાલુ રહી અને ભ્રષ્ટાચારની બદી પણ વધી. પરમિટથી દારૂ પીનારાઓ પર ટેક્સ વધારવાથી બુટલેગરોને પ્રોત્સાહન મળશે. આ એક કડવી વાસ્તવિકતા છે. ક્યારેક તો એમ લાગે છે કે, રાજ્ય સરકાર વિપક્ષના એક-બે નેતાઓની કહેવાતી ઝુંબેશના દબાણ હેઠળ નિર્ણયો લેતી હોય તેમ લાગે છે. દારૂબંધી અંગેના કાનૂનો જરૂરી છે પરંતુ બુટલેગરોને પ્રોત્સાહન આપનારા ના હોવા જોઈએ.

પોલીસને મજા પડી ગઈ

દારૂબંધીનો કાયદો કડક કરવાથી પોલીસને કેવી મજા પડી ગઈ છે તે તંત્ર જાણે છે. આંતરરાષ્ટ્રીય વિમાનમાંથી અમદાવાદ એરપોર્ટ પર ઊતરી સાથે જાણે-અજાણે એક બોટલ લઈ આવનારને બહાર પોલીસ પકડે છે તે પછી એક બોટલ કેટલામાં પડે છે તેની બધાને ખબર છે. જેલની સજાના બદલે બોટલધારક પ્રવાસી રૂ. ૫૦ હજારથી પણ મોટી રકમ આપી દેવાનું પસંદ કરે છે. દારૂ એ માનવીને શારીરિક રીતે, નૈતિકતાની દૃષ્ટિએ અને આર્થિક રીતે નષ્ટ કરી દે છે તે વાતથી લોકોને એજ્યુકેટ કરવાનો વિષય છે.

ભાગવત કથા

આ પરિપ્રેક્ષ્યમાં વર્ષો પહેલાં વ્યસનમુક્તિ અને ભાગવત કથાનો એક પ્રયોગ કલ્યાણયાત્રામાં બુદ્ધિધનભાઈ લ. ત્રિવેદીએ વર્ણવ્યો છે. તેમના જ શબ્દોમાં વાંચો :

રાવોલ, તા. ઈડર, જિ. સાબરકાંઠા મારું વતન-જન્મસ્થાન. એ વખતે દારૂની બદી દૂર કરવા સામાજિક આંદોલન ચાલતું. ચુનીભાઈ વૈદ્ય સાથે શામળાજી, રતનપુરના દારૂના બાર બંધ કરાવવા માટેનો સત્યાગ્રહ, ૧૯૭૫-૭૬ની એ ઘટનાઓ સૌથી યાદગાર છે.

૨૦૧૨માં કેટલાક કાર્યકરોએ વતનમાં નશાબંધી અંગે પ્રત્યક્ષ કામગીરી આદરી. અમારા વડીલબંધુ ક્રીપાશંકર પાઠકની સ્મૃતિમાં તેમના સુપુત્રો બિપીન અને કુમુદે (સી.એન.પી.ટી.સી.નો વિદ્યાર્થી શિક્ષક) શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન કર્યું. ગાંધીજીનાં રચનાત્મક કાર્યો પૈકી નશાબંધીનું કાર્ય આ દિવસોમાં કરવું તેમ મનમાં નક્કી કરી હાજરી આપી વતન ગયા.

ટેકરી પર અડ્ડો

બીજે દિવસે બે નિમંત્રણ પત્રિકાઓ લીધી અને વહેલી સવારે ૫ વાગે ખેડૂત શિવાભાઈને મોટરસાઈકલ લઈ બોલાવ્યો, તે આવ્યો. પાછળ બેસી રસ્તો બતાવ્યો કે ગોલવાડા ગામને રસ્તે જવું છે અને ગયા. ટેકરી ઉપર જ્યાં મારે કામ કરવાનું હતું ત્યાં નજીક લઈ જવા શિવાભાઈને કહ્યું. શિવાભાઈ બોલ્યા, ”મોટાભાઈ આ ટેકરી પર ન જવાય, હું પણ નહીં આવું અને તમને પણ નહીં જવા દઉં, આ ખતરનાક એરિયા છે, તમે ન જાઓ અને ચાલો પાછા ઘરે.” શિવાભાઈ આ બધું બોલે તે પહેલાં તો હું સડસડાટ ટેકરી ઉપર ચડી ગયો. ખાટલા ઉપર દારૂના પીઠાનો માલિક બેઠો હતો. તેના બે દીકરા દારૂ વેચવાનું કામ કરતા હતા અને બાજુમાં દારૂની થેલી લેનારાઓની લાઈન હતી. પીઠાના માલિક ઊભા થયા.

કથાનું નિમંત્રણ

મેં શ્રીમદ્ ભાગવત કથાની નિમંત્રણ પત્રિકા જેમાં દારૂના પીઠાવાળાના પરિવાર માટે કથા શ્રવણનું-ભોજન સહિત સાત દિવસનું નિમંત્રણ હતું. મેં વિનયપૂર્વક તેમના હાથમાં મૂક્યું. અમે હાથ અત્યંત પ્રેમ.થી મૂક્યો અને કોઈ પણ શિખામણ કે કાયદા વગેરેની વાતો સિવાય નિતાંત પ્રેમ વરસાવી આગ્રહ કર્યો કે, બોલો, સહકુટુંબ કથામાં ક્યારે આવો છો? ભોજન-ચા- પાણી ત્યાં જ લેવાના છે.

પીઠાના માલિક ગળગળા થયા. તેમનાં બાળકો-પત્ની પગે લાગ્યાં અને ટેકરી ગ્રાહક વગરની સૂમસામ થઈ. પીઠાના માલિકને બાથમાં લઈ, નમસ્તે કરી ટેકરી ઊતર્યો. ખેડૂત-શિવાભાઇને તો ડર હતો કે પીઠાવાળો અમને મારશે, ઝઘડો કરશે, બાથે પડશે, પરંતુ એવું કંઈ થયું નહીં. અમે ટેકરી નીચેથી શિવાભાઈને અને મોટર સાઈકલને સાથે લઈ જ્યાં કથા હતી ત્યાં પરત થયા.

પીઠાવાળો કથામાં આવ્યો

કથાના વ્યવસ્થાપકને ૮ જણની ભોજન વ્યવસ્થા બીજા દિવસેથી કરવા કહ્યું. બીજા દિવસે પીઠાના માલિકનો પરિવાર સમયસર આવ્યો. ચા, પાણી, નાસ્તો કરી કથામાં બેઠા. ભોજન સાથે જ લીધું અને તે પોથી પર બેઠેલા મહેમદાવાદના વિદ્વાન પંડિતજી જે મુખ્ય હતા તેમની પાસે ગયો. માથું ખોળામાં મૂક્યું અને ઈશારે સમજાવ્યું કે ”હું નશાનું પાપ કરું છું.” તેમણે મારા સામું આંગળી કરી કહ્યું : ‘એમના પ્રતાપે આવ્યો છું.’ તે પછી આંસુ સાથે દારૂ વેચવાનું ઓછું કરવાની તેમણે પ્રતિજ્ઞાા લીધી અને ૧૦૦ રૂપિયાની નોટ પોથી પર મૂકી. પીઠાના માલિક કુટુંબ સાથે પરત થયા. તે પછી ક્યારે એકલા આવતા-મળતા- વાતો અને કોઈ પણ ઉપદેશ-ચર્ચા- ધાક-ધમકી વગર ગામમાં આવતી પોટલીઓ ઓછી થઈ ગઈ.  બે વર્ષ પછી જવાનું થયું ત્યારે સમાચાર મળ્યા કે પીઠાવાળા સ્વર્ગસ્થ થયા છે. એ ટેકરી પર આજે નશાની પોટલીનું વેચવાનું કામ નહીંવત્ થઈ ગયું છે.

આ સાંભળી આત્મમંથન કરતા ખાતરી થઈ કે મારી ભાગવત કથા ફળી. દારૂની બદી આ રીતે પણ ઓછી કરી શકાય છે.