Drip Irrigation Is Best Method For Farming
  • Home
  • Agro Sandesh
  • ખેતીમાં ટપક પિયત પદ્ધતિનો ઉપયોગ પાણીની બચતનો શ્રેષ્ઠ વિકલ્પ

ખેતીમાં ટપક પિયત પદ્ધતિનો ઉપયોગ પાણીની બચતનો શ્રેષ્ઠ વિકલ્પ

 | 7:00 am IST

ભારતમાં સરેરાશ ૪૦૦ મિલિયન હે.મી. વરસાદનું પાણી મળે છે જેમાંથી સરેરાશ આશરે ૧૬૦ મિલિયન હે.મી. પાણી નદી મારફ્તે દરિયામાં વહી જાય છે, ૭૦ મિલિયન હે.મી. પાણી બાષ્પીભવન અને ૧૮૦ મિલિયન હે.મી. વહી જવાથી વ્યય થાય છે. જેથી આજના આ કપરા સમયમાં આ મર્યાદિત પાણીનો કરકસરપૂર્વક યોગ્ય પિયત પદ્ધતિ દ્વારા કાર્યક્ષમ ઉપયોગ અનિવાર્ય છે.

પિયત પદ્ધતિઓ

જમીનની સપાટી ઉપર, જમીનની અંદર, ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ, રેલાવીને, ચેક બેઝિન (નીક ક્યારા), બેઝિન (રીંગ), બોર્ડર પટ્ટી,  ચાચમાં પાણી આપવું વગેરે પદ્ધતિઓ છે.

ઉપરોક્ત પિયત પદ્ધતિની પસંદગીનો આધાર જમીન તથા જમીનની પ્રાકૃતિક પરિસ્થિતિ, હવામાન, પાણીની ઉપલબ્ધતા, જમીનમાં ભૂગર્ભ જળનું લેવલ, ખેતરનું કદ, ખેડૂતની આર્થિક સ્થિતિ અને પિયત પદ્ધતિ અંગેની જાણકારી પર રહેલો છે.

પિયત પાણીનો મર્યાદિત જથ્થો ઉપલબ્ધ હોય ત્યારે વધારે ઉત્પાદન લેવા તથા વિસ્તાર પિયત હેઠળ આવરી લેવા માટે ટપક પિયત પદ્ધતિ એક શ્રેષ્ઠ ઉપાય છે, પરંતુ ટપક પદ્ધતિ ખેતરમા ગોઠવી દેવાથી ઉત્પાદન આપમેળે વધતું નથી તેનો વ્યવસ્થિત ઉપયોગ, પાકને અનુરૂપ પાણી મળી રહે તેવું આયોજન તથા પાકની પસંદગી વધુ ઉત્પાદન લેવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે.

પાણીનો વ્યય અટકાવી શકાય

ટપક પદ્ધતિથી પિયત આપવાથી પાણીનો સૌથી વધુ કાર્યક્ષમ ઉપયોગ થાય છે.પાણીનો જુદી-જુદી રીતે થતો વ્યય અટકાવી શકાય છે.પિયત પાણી સીધું જ પાકના મૂળ વિસ્તારમાં જરૂરિયાત જેટલું જ આપવામાં આવે છે.

છોડના વિકાસ અને વૃદ્ધિ માટે જરૂરી ઘટકો જેવા કે ભેજ,હવા અને પોષક તત્વો જમીનમાં સમપ્રમાણમાં  સહેલાઇથી મળતા હોવાથી પાકનો વિકાસ સારો,ઝડપી અને વધુ ઉત્પાદન મળે છે. અર્ધસુકા અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ટપક પિયત પદ્ધતિ આશીર્વાદ રૂપ  છે.

સંશોધનના પરિણામ પરથી જણાયુ છે કે જુદાજુદા ખેતીપાકોમાં ટપક પદ્ધતિ દ્વારા પિયત પાણીનો બચાવ અને પાક ઉત્પાદનમાં વધારો જોવા મળેલ છેે.

ટપક પિયત પદ્ધતિના લાભો

પાણીની બચત

આ પદ્ધતિમાં મર્યાદિત જમીન ભીની થતી હોવાથી, સપાટી પરનું ઓછું બાષ્પીભવન, વહી જતા પાણી અને મૂળ વિસ્તાર નીચે ઉતરી જતા પાણી પર સંપૂર્ણ કાબુ મળવાથી પિયત પાણીની કાર્યક્ષમતા ૮૦ થી ૮૫ ટકા મળે છે જે ટપક ક્યારા પદ્ધતિ કરતા ઘણી વધારે છે. પાક,જમીન અને વાતાવરણ પ્રમાણે ૪૦ થી ૭૦ ટકા પાણીની બચત થાય છે.

છોડનો વધુ ઝડપથી વિકાસ અને વધુ ઉત્પાદન

પિયત ઓછુ પરંતુ વારંવાર એટલે કે ઓછા ગાળે આપવામાં આવતું હોવાથી જમીનમાં ભેજ તથા હવાનું પ્રમાણ જળવાઈ રહે છે. જમીનમાં ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને મુળની વધુ સરળ કામગીરીને કારણે છોડને જરૂરી પાણી તથા પોષક તત્વો મળતા રહે છે. જેથી પાકનો વિકાસ ઝડપી અને સારો થાય છે.પરિણામે ઉત્પાદન વધુ મળે છે.

મજૂરીખર્ચ  અને શક્તિનો બચાવ

ટપક પિયત પદ્ધતિ યોગ્ય રીતે પિયત આપવા ચાલુ તથા બંધ કરવા પુરતાં જ  મજુરની જરૂર પડે છે. અન્ય કૃષિ કાર્યો જેવા કે નીંદામણ, ખાતર , આંતરખેડ, દવા છાંટવી, પિયત માટે નીકપાળા બનાવવા વગેરે પણ મર્યાદિત કરવા પડતા હોવાથી મજૂરોની જરૂરિયાત ઓછી રહે છે. આ પદ્ધતિની કાર્યક્ષમતા ખૂબ જ વધારે હોવાથી પિયત માટેનો સમય ઓછો લાગે અને ઓછા દબાણે ચાલતી હોવાથી શક્તિની (વીજળી પાવરની) જરૂરિયાત પણ ઘટે છે.

નબળી જમીનો માટે વધુ અનુકૂળ

રેતાળ, છીછરી, વધુ ઢાળવાળી, અસમતલ અને બિનઉપજાવ જમીનોમાં ચીલાચાલુ પિયત પદ્ધતિ (દેશી) અનુકૂળ આવતી નથી. જયારે ભારે કાળી જમીનનો નિતાર દર ઓછો હોવાથી ફુંવારા પદ્ધતિથી પિયત મુશ્કેલ બને છે. આવી પરિસ્થિતિમાં ટપક પિયત પદ્ધતિ વધુ અનુકુળ આવે છે.

નીંદામણ અને જીવાત-રોગ નિયંત્રક

પાકના થડ વિસ્તાર નજીક જ પિયત આપવામાં આવતું હોવાથી બાકીની જમીન સૂકી રહે છે જેથી નીંદામણ, જીવાતો તથા પાકમાં આવતા રોગોનો ઉપદ્રવ ઘટે છે તેમજ છોડના વિકાસ માટે આપવામાં આવતા ખાતરોની જરૂરિયાત પણ ઘટે છે. સરવાળે નીંદામણ, દવાઓ તથા ખાતર પાછળ થતો ખર્ચ ઘટે છે.

ખાતરોનો અસરકારક ઉપયોગ

ખાતર દ્વારા આપવામાં આવતા પોષક તત્વોને જમીનમાં થતા પાણીના નિતાર દ્વારા તથા પાણીની સાથે વહી જવાથી થતો વ્યય ટપક પિયત પદ્ધતિથી અટકાવી શકાય છે તેમજ પાકને જે જગ્યાએ ટપક પિયત પદ્ધતિમાં પાણી સાથે ખાતર આપવામાં આવતું હોય ત્યાં ખાતરની જરૂરિયાત ઘટે છે.ખાતરના વપરાશથી કાર્યક્ષમતા વધુ મળે છે

ક્ષારીય પાણીનો અસરકારક ઉપયોગ

ગુજરાતમાં ક્ષારીય જમીનનો બહુ મોટો વિસ્તાર છે. જમીનમાં પણ ક્ષારવાળું પાણી હોવાથી પિયત માટે વાપરવું જોખમકારક છે. આવું ક્ષારયુક્ત પાણી ખેતરમાં પિયત તરીકે છુટું રેલાવીને આપવાથી ધીમે ધીમે જમીન ક્ષારવાળી થઇ જાય છે ક્ષાર સહન કરે તેવા જ પાકો લેવાની ફ્રજ પડે છે. આવું ન થાય તે માટે આવું ક્ષારવાળું પાણી પિયત તરીકે ટપક પદ્ધતિથી આપી શકાય છે અને પાકની ઉત્પાદકતા જાળવી શકાય છે.પિયત પાણીમાં રહેલા ક્ષાર મૂળની નીચેના વિસ્તારમાં ઉતરી  મૂળને નુકસાન કરતાનથી.

અન્ય ફયદાઓ

કોઈપણ સમયે ટપક પિયત પદ્ધતિ ચલાવી શકાય છે.જમીનનું ધોવાણ અટકે છે.ટપક પદ્ધતિમાં પિયત માટે જમીનને સમતલ કરવી જરૂરી નથી.રોગ જીવાતનું પ્રમાણ ઘટે,ગુણવત્તાવાળું ઉત્પાદન મળે છે.પાક વહેલો તૈયાર થાય છે તેથી બીજો પાક લેવા સમયસર વાવણી થઇ શકે છે.નિતાર તથા પાણી ભરાવાના પશ્નો ઉદ્ભવતા નથી.જમીનનું બંધારણ અને ફ્ળદ્રુપતા ટકી રહે છે. જમીનમાં ઊંડે જતા તેમજ છીછરા થતા  ભૂગર્ભજળનું નિયંત્રણ કરી શકાય,પ્રદુષણ અટકાવી પર્યાવરણ સુધારે છે.

મુશ્કેલી અને નિવારણ

ટપકીયા અંશતઃ કે પૂરાઈ જવાની સંભાવના રહે છે, તેથી નિયમિત ફ્લશિંગ કરવાની જરૂર રહે છે.ટયુબોમાં તથા ટપકીયામાં ક્ષાર જમા થઇ જતા પદ્ધતિ રુંધાઇ જાય છે તે માટે એસિડની માવજત સમયાંતરે આપવી પડે છે.શરૂઆતમાં મૂડી રોકાણ થોડું વધુ હોય છે છતાં આર્થિક દ્રષ્ટિએ તેના વિવિધ લાભોને લીધે પરવડે છે.ભેજ વિસ્તરણ, પાણી ક્યારે ને કેટલું આપવું તેની ગોઠવણી, જાળવણી વગેરેની માહિતીનો ખેડૂતોમાં અભાવ.

ગુજરાતમાં અનુકૂળ પાકો

આંબા,ચીકુ,જામફ્ળ,બોર,દ્રાક્ષ,આંબળા, ફલસા, પપૈયા,નારંગી,નાળીયેરી,મોસંબી,લીંબુ,દાડમ,કેળ,ટામેટા,રીંગણા,ભીંડા,મરચી,કોબીજ,ફ્લાવર,દુધી,તુરિયાં,કારેલી,ઘિલોડી,કાકડી,તરબૂચ,ટેટી,પરવળ,શેરડી, કપાસ, તમાકુ, મગફ્ળી, દિવેલા, સુર્યમુખી વગેરે.

અલ્પેશકુમાર બારડ, વઢવાણા સોહન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ અને

મયુર સોનાગરા, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન